મુક્તિબોધ, ગજાનન માધવ (જ. 13 નવેમ્બર 1917, શ્યોનપુર, જિ. મુરેના, ગ્વાલિયર; અ. 11 નવેમ્બર 1964, નાગપુર) : હિંદી કવિ. નવ્ય કવિતાના તે અતિ ચર્ચિત કવિ લેખાય છે. તેઓ મૂળે મરાઠીભાષી હતા. તેમના પરદાદા વાસુદેવ જલગાંવ(ખાનદેશ)થી નોકરી માટે ગ્વાલિયર રાજ્યમાં આવી વસ્યા. પિતા માધવ એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે આર્થિક સંકડામણમાં કુટુંબનું ભરણપોષણ થતું. ઘરની જવાબદારી મુક્તિબોધ પર જ હતી. 1953માં હિન્દીમાં એમ.એ. થઈ જબલપુરની કૉલેજમાં પ્રોફેસર થયા. જીવનના સંઘર્ષ અને વિરોધીઓનાં પરિબળોના પરિણામે તેઓ સામ્યવાદી વિચારસરણી તરફ વળવા પ્રેરાયા. 1942માં પ્રકાશિત ‘તારસપ્તક’(સં. અજ્ઞેય)થી તે ખ્યાતનામ બન્યા. જોકે તેમણે કાવ્યયાત્રા તો 4 સપ્ટેમ્બર, 1935થી ‘હૃદય કી પ્યાસ’ના પ્રકાશનથી આરંભી હતી.

1935થી ’39ના ગાળામાં ‘વાણી’માં તથા માખનલાલ ચતુર્વેદીસંપાદિત ‘કર્મવીર’માં તેમની કવિતા પ્રકાશિત થતી રહી; આ બધી કાવ્યકૃતિઓ સવિશેષ રાષ્ટ્રભાવનાપ્રેરિત હતી પણ ’42માં પ્રકાશિત ‘તારસપ્તક’ની ભાત જુદી જ હતી; તેમાં અસ્મિતાની ખોજની મથામણ છે. સમગ્રપણે જોતાં તેમની કવિતા એટલે કષ્ટ અને યાતનાનાં કાવ્યો. જીવનમાં તેમને પોતાને ખૂબ વેઠવું પડ્યું હતું. અનેક પ્રકારની વંચિતતા, અંગત જીવનની કરુણતા, જીવનની અનિશ્ચિતતાઓ, રાજકીય કિન્નાખોરી જેવી બાબતો તેમના જીવનમાં છવાઈ ગઈ હતી. પરિણામે તેમનામાં ઉન્મૂલન અને અસંતોષ ઘૂંટાયા કરતાં. તેમની શરૂઆતની રચનાઓમાં છાયાવાદી અસર સવિશેષ હતી અને સુમિત્રાનંદન પંત અને મહાદેવીથી તેઓ પ્રભાવિત હતા. તે પછી માર્કસવાદના પ્રભાવે તેમની કવિતામાં નવો વળાંક આવ્યો.

1949માં તેઓ નાગપુર આવ્યા અને ત્યાં સર્વાધિક કાવ્યલેખન થયું. તેમજ ત્યાં જ સમીક્ષા, ડાયરી, નિબંધ, વાર્તાઓ અને રાજકારણ-વિષય-આલોચનાનું પણ લેખનકાર્ય થયું. અહીં જ એમના માનસમાં લોકસાહિત્ય, માકર્સવાદ અને કળા પરત્વેની પ્રતિબદ્ધતા ર્દઢ બની.

તેમના કાવ્યસંગ્રહો ‘ચાંદ કા મુંહ ટેઢા’ (1964) અને ‘ભૂરી ભૂરી ખાક ધૂલ’(1980)ને નામે પ્રગટ થયા. તેમની અન્ય કૃતિઓમાં સમીક્ષાત્મક ગ્રંથો ‘કામાયની’ (એક પુનર્વિચાર) તથા (1962માં મધ્યપ્રદેશની સરકારે જપ્ત કરી લીધેલું) ‘ભારત-ઇતિહાસ અને સંસ્કૃતિ’. ડાયરી ‘એક સાહિત્યિક ડાયરી’ (1964), વાર્તાસંગ્રહો ‘કાઠકા સપના’ (1967), ‘વિપત્ર’ (1970); ‘સતહ સે ઉઠતા આદમી’ (1971) અને વિવેચનગ્રંથો ‘કામાયની – એક પુનર્વિચાર’ (1961), ‘નઈ કવિતા કા આત્મસંઘર્ષ તથા અન્ય નિબંધ’ (1964), ‘નયે સાહિત્ય કા સૌંદર્યશાસ્ત્ર’ (1971) તથા ‘આખિર રચના ક્યોં’ (1982) મુખ્ય છે. આ ઉપરાંત તેમનું વિપુલ માત્રાનું સાહિત્ય હજુ અપ્રકાશિત જ છે. સર્વાધિક ખ્યાતિ અને સ્થાપના તેમની કવિ તરીકેની છે.

મુક્તિબોધનો જીવનસંઘર્ષ જ જીવનના સિદ્ધાંતોને લઈને આગળ ચાલે છે. આ સિદ્ધાંતોનાં સમાધાનો તેમને માન્ય નહોતાં. અંતે એ જ સંઘર્ષ અને યાતનામાં એમનું અવસાન 47 વર્ષે અને પિતાના અવસાનના બીજા જ દિવસે થયું. પોતાના બંને કાવ્યસંગ્રહો પણ તેઓ જોવા પામ્યા નહોતા. હિન્દી સાહિત્યનો એક મોટો અને સ્વાભિમાની સર્જક જીવનભર મૂલ્યો માટે પોતાના અંતિમ શ્વાસ સુધી ઝઝૂમતો રહ્યો. હિન્દીના પ્રગતિવાદી કવિ તો ઘણા થઈ ગયા, પણ મુક્તિબોધ જેવા અતૂટ આસ્થાવાળા તો ભાગ્યે જ કોઈ હશે. તેમની કાવ્યશૈલીને કારણે તેઓ નવ્ય કવિતાના અનન્ય કવિ લેખાય છે. તેઓ માનતા કે કલ્પનશક્તિ એ અનુભવની જ નીપજ છે. તેમનાં કલ્પનોમાં તેઓ વિવિધ મન:સ્થિતિને રંગો દ્વારા અભિવ્યક્ત કરે છે. તેમણે પ્રાચીન, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક પશ્ચાદભૂમિકાનાં કલ્પનોનો પણ ઉપયોગ કર્યો છે.

તેમની જીવનસામગ્રી પરથી ‘સતહ સે ઉઠતા હુઆ આદમી’ નામનું ચલચિત્ર બન્યું હતું અને તેમનું સમગ્ર સર્જન ‘મુક્તિબોધ ગ્રંથાવલી’ (5 ગ્રંથ) નામે પ્રગટ થયું છે.

રજનીકાન્ત જોશી