મુક્તિબોધ, શરદચન્દ્ર (જ. 1921; અ. 1984) : મરાઠી ભાષાના કવિ, નવલકથાકાર અને વિવેચક. માર્કસવાદ મારફત સામાજિક પ્રતિબદ્ધતા ધરાવતા લેખક તરીકે તેમની નામના હતી. 1947માં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પછી તે સરકારી સેવામાં નાયબ ભાષા-નિયામક તરીકે જોડાયા અને 1957થી 1979માં નિવૃત્તિ સુધી નાગપુર મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું.

‘નવી માળવાત’ (1949) નામના તેમના કાવ્યસંગ્રહથી તેમની નામના થઈ. તેમનાં કાવ્યોમાં નવી સમાજ-વ્યવસ્થાનો ક્રાંતિકારી આદર્શ આલેખાયો છે. તેમના બીજા કાવ્યસંગ્રહ ‘યાત્રિક’(1957)માં તેમની ચિંતનશીલ પ્રકૃતિની પ્રતીતિ થાય છે. જીવન અને મૃત્યુનાં બે ધ્રુવબિંદુની છણાવટ તેમણે આશાવાદી સૂરમાં કરી છે. સમગ્રપણે તેમનાં મોટાભાગનાં કાવ્યોમાં ક્રાંતિકારી ભાવના હોય છે.

નવલકથાકાર તરીકે મરાઠી કથાસાહિત્યમાં તેમનું ઉચ્ચ સ્થાન છે. ‘ક્ષિપ્રા’ (1954), ‘શ્રદ્ધા’ (1962) અને ‘જન હે ઑલેતુ જેથે’ (1969) એ ત્રણ નવલોમાં માનવવ્યક્તિત્વનો શૈશવ, કિશોરાવસ્થા તથા યુવાવસ્થા – એ ત્રણ તબક્કાનો વિકાસક્રમ દર્શાવ્યો છે.

વિવેચક અને સમાલોચક તરીકે પણ તેમની સારી પ્રતિષ્ઠા બંધાઈ છે. ‘સૃષ્ટિ, સૌંદર્ય આણિ સાહિત્યમૂલ્ય’ નામની તેમની કૃતિને 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. ‘કાહી નિબંધ’ (1963) તથા ‘જીવન આણિ સાહિત્ય’ (1972) – એ વિવેચનાત્મક નિબંધોના સંગ્રહો છે.

મહેશ ચોકસી