મુક્તાનંદ (જ. 1758, અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 1830, ગઢડા) : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીયા બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન કર્યું. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં તેમના તરફ આકર્ષાયા અને 1786માં એમની પાસેથી દીક્ષા લઈ ‘મુક્તાનંદ’ બન્યા. પછી સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું અને મૃત્યુપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન.

મુક્તાનંદ

‘મુક્તાનંદ’ અને ‘મુકુંદદાસ’ આ નામથી કવિએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે.

ગુજરાતી કૃતિઓમાં 108 કડવાં અને 27 પદોમાં રચાયેલી ‘ઉદ્ધવગીતા’ (રચ્યું ઈ. સ. 1824 / સં. 1880, શ્રાવણ વદ 8, બુધવાર) સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. મુદ્રિત મળતી આ રચના એમાંના સીતાત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિની કવિત્વશક્તિથી આ વિષયની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું 18 ચાતુરીઓમાં વર્ણન કરતી ‘ધામવર્ણન ચાતુરી’ અને 15 પદોની ‘રુક્મિણીવિવાહ’ બંને ભાગવત-આશ્રિત મુદ્રિત રચનાઓ છે.

132 કડવાં અને 33 પદોમાં રચાયેલી સહજાનંદ સ્વામીના ઈશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર બની રહેતી ‘ધર્માખ્યાન’ (રચ્યું ઈ. સ. 1829 / સં. 1885, શ્રાવણ સુદ 3) કવિની બીજી મહત્વની મુદ્રિત મળતી રચના છે. ‘સત્સંગી જીવન’ના ચોથા પ્રકરણના 28થી 33 અધ્યાયમાં વર્ણવાયેલા – ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણે વડતાલમાં કરેલા નિવાસના પ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી 112 પદની ‘કૃષ્ણપ્રસાદ’ (રચ્યું ઈ. સ. સંભવત: 1825) તથા 88 કડવાં અને 12 પદોની ‘સતીગીતા’ (રચ્યું ઈ. સ. 1824 / સં. 1880, જેઠ સુદ 2, ગુરુવાર) કવિની સાંપ્રદાયિક મુદ્રિત મળતી રચનાઓ છે.

ગુજરાતી-હિન્દીમાં કવિએ ઘણાં પદો રચ્યાં છે. મુદ્રિત મળતાં આ બધાં પદો સહજ અને સરળ છે. ભજન, કીર્તન, આરતી વગેરે સ્વરૂપમાં મળતાં આ ગીતો વિવિધ રાગમાં ગાઈ શકાય છે. આ પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોની સંખ્યા મોટી છે. કેટલાંક પદોમાં વૈરાગ્યબોધ અને ભક્તિનો મહિમા પણ છે.

‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગશિરોમણિ’, ‘મુકુન્દબાવની’, ‘વાસુદેવાવતારચરિત્ર’, ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુચોવીશી’, ‘ભગવદગીતા ભાષાટીકા’, ‘કપિલગીતા’, ‘નારાયણગીતા’ વગેરે કવિની હિન્દી તથા ‘નિર્ણાયકપંચકમ્’, ‘સત્સંગિજીવનમાહાત્મ્યમ્’, ‘હનૂમત્કવચમંત્ર–પુરશ્ચરણજયવિધિસ્તોત્રગણિ’ સંસ્કૃત કૃતિઓ છે. ભગવાન સ્વામિનારાયણનાં ‘વચનામૃત’નું સંપાદન કાર્ય પણ તેમણે કર્યું છે.

કીર્તિદા શાહ