મુક્તસર : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 20´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,596.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફીરોજપુર અને ફરીદકોટ, ઈશાન અને પૂર્વમાં ફરીદકોટ અને બથિંડા, દક્ષિણમાં હરિયાણાનો સિરસા અને રાજસ્થાનનો હનુમાનગઢ તથા પશ્ચિમે ફીરોજપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક મુક્તસર જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સતલજ-ઘગ્ગરના રેતાળ કાંપના મેદાનથી બનેલું છે. જિલ્લો રાજ્યના સૂકા ભાગમાં આવેલો છે, તેથી તેની આબોહવા ઉનાળામાં અતિગરમ અને શિયાળામાં અતિઠંડી બની રહે છે. જમીનો રેતાળ તથા ગોરાડુ પ્રકારની છે. અહીંથી કોઈ મોટી નદી વહેતી નથી, માત્ર નાનાં નાળાં આવેલાં છે, તે પૈકી ડંડાનાલા, સોતા નાલા જેવાં નાળાં અગત્યનાં છે. અહીં નહેરોની વિશાળ ગૂંથણી જોવા મળે છે.

ખેતીપશુપાલન : જિલ્લાના 75 % જેટલા લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. ઘઉં અને ડાંગર અહીંના મુખ્ય પાકો છે. તે જિલ્લાની જરૂરિયાત કરતાં પ્રમાણમાં વધુ પાકે છે. આ ઉપરાંત અહીં મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શેરડી, કપાસ અને બટાટા પણ થાય છે. ખેતી નહેરોની સિંચાઈથી થાય છે. જિલ્લાના પશુધનમાં ભેંસો, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર, ઊંટ અને ઘેટાંબકરાંનો સમાવેશ થાય છે. લોકો મરઘાંપાલન પણ કરે છે. તેમની સ્વાસ્થ્યસંભાળ માટે પશુ-દવાખાનાં, ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.

મુક્તસર જિલ્લો (પંજાબ)

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં કપાસનો પાક સારા પ્રમાણમાં ઊતરતો હોવાથી તેને આધારિત સૂતર-કાંતણ, વણાટ, જિનિંગ-પ્રેસિંગ તથા તેને લગતી ઇજનેરી માલસામગ્રીના ઉદ્યોગોનો વિકાસ થયો છે. અહીંના માલોત ખાતે બિરલા કૉટન જિનિંગ મિલ્સ, સૂરજ ટેક્સ્ટાઇલ મિલ્સ અને ડી. સી. એમ. જિનિંગ ફૅક્ટરી તથા ગિદરબહા ખાતે માર્કફેડ કૉટન સીડ પ્રોસેસિંગ પ્લાન્ટ આવેલાં છે. જિલ્લામાં કૃષિવિષયક ઓજારો, છીંકણી, પતરાંની પેટીઓ, વનસ્પતિ ઘી, સાબુ, સૂતર, યંત્રોના ભાગો, ગાલીચા-શેતરંજીઓ અને મીણબત્તી વગેરેનું ઉત્પાદન લેવાય છે; કપાસ-કપાસિયાં, છીંકણી, સાબુ, રૂની ગાંસડીઓ અને ઘઉં, ચોખા, ચણા જેવા અનાજની નિકાસ તથા કાપડ, ખાંડ, ઘી, છીંકણી માટેનાં જરૂરી અન્ય દ્રવ્યો, લોખંડની ચીજવસ્તુઓ, ખાદ્યસામગ્રી તેમજ વાસણો વગેરેની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 10 પસાર થાય છે. તે મુક્તસર–ફરીદકોટ–અમૃતસર–પઠાણકોટને જોડે છે. બીજા બે મુખ્ય રાજ્ય માર્ગો (SH 15 અને SH 16) પણ આ જિલ્લામાંથી પસાર થાય છે. તે જલંધર–નાકોદરા–મોગા–કોટકપુરાને જોડે છે. જિલ્લામાંથી ફીરોજપુર–ફાઝિલ્કા બ્રૉડગેજ રેલમાર્ગ તેમજ મુક્તસર–બથિંડા–ફાઝિલ્કા મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ રીતે આ જિલ્લો રેલ તથા સડકમાર્ગોની સારી સગવડ ધરાવે છે.

મુક્તસર સંકટ-મુક્તિના સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલું છે. ગુરુ ગોવિંદસિંહને તેમના 40 શિષ્યોએ આનંદપુર-સાહિબ ખાતે છોડી દીધાની ઘટના સાથે સંકળાયેલું હોવાથી આ સ્થળનું નામ ‘મુક્તસર’ પડ્યું હોવાનું કહેવાય છે. આ શિષ્યો જ્યારે તેમના પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમનાં સગાંસંબંધીઓ તરફથી ઠપકો અને તિરસ્કાર મળ્યાં. નાલેશી થવાથી તેઓ દુ:ખી થયા અને ગુરુ પાસે પાછા જવા નીકળ્યા. માર્ગમાં મુઘલ લશ્કર સાથે સંઘર્ષ થવાથી તેઓ ઘાયલ થયા અને મરાયા. આ હકીકત જાણવાથી ગુરુ ગોવિંદસિંહ તેમની પાસે આવ્યા, અંજલિ આપી અને તેમને આત્મીયજનો ગણી ક્ષમા બક્ષી. આ ઘટના 1762માં બનેલી ત્યારથી આ સ્થળ મુક્તસર તરીકે જાણીતું બનેલું છે. તે પછીથી રાજા રણજિતસિંહના સમય દરમિયાન અહીં ગુરુદ્વારા તેમજ સરોવરનું નિર્માણ કરવામાં આવેલું છે. તેમની યાદમાં અહીં મેળો ભરાય છે. મુક્તસર ખાતે સ્નાન કરી લોકો અહીંના ગુરુદ્વારામાં દર્શનાર્થે જાય છે અને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત અહીં તિબસાહિબ, તિબા બડા પૂરણ ભાગ, લુંદેવાલા અને લોહારા ખાતે પણ ગુરુદ્વારાઓ આવેલાં છે. જિલ્લામાં દશેરા, દિવાળી, ગુગ્ગાનવમી, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાક-દિન અને માઘીદિનના મેળા ભરાય છે. દર વર્ષે 14મી જાન્યુઆરીએ મુક્તસર ખાતે પણ મોટો મેળો ભરાય છે. વસંત, હોલા મોહલ્લા, બૈશાખી અને લોહરીના દિવસો અહીં રંગેચંગે ઊજવાય છે. ગુરુનાનક, ગુરુ ગોવિંદસિંહ, ગુરુ અર્જુનદેવ અને ગુરુ તેગબહાદુરની જન્મજયંતી–સંવત્સરી–શહાદતના દિવસો પણ અદબ સાથે ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 9,02,702 જેટલી છે. તે પૈકી 53 % પુરુષો અને 47 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 76 % અને 24 % જેટલું છે. અહીં શીખો અને હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધો અને જૈનોની ઓછી છે. જિલ્લામાં પંજાબી ભાષા બોલાય છે. જિલ્લામાં શિક્ષણના જુદા જુદા તબક્કાઓની સંસ્થાઓનું પ્રમાણ નગરોમાં વધુ અને ગામડાંઓમાં ઓછું છે. મુક્તસર ખાતે બે કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકાઓ અને 4 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 6 નગરો અને 228 (4 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 1996માં ફરીદકોટ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરી છે.

ગિરીશભાઈ પંડ્યા