મી લાઈની ઘટના : વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની સંડોવણીની અત્યંત નિર્દય ઘટના. આ ઘટનામાં 16 માર્ચ 1968ના રોજ અમેરિકન પાયદળ ટુકડીએ મી લાઈ 4 નામના ગામડામાં 400 નિ:શસ્ત્ર વિયેટનામી નાગરિકોની સામૂહિક કતલ કરી હતી. અમેરિકન ટુકડીને દક્ષિણ વિયેટનામના ઈશાન કાંઠે આવેલા ક્વાંગ ન્ગાઈ પ્રાંતમાં હેલિકૉપ્ટરથી ઉતારવામાં આવી હતી. આ પ્રદેશ દાયકાઓથી બળવાખોરોનો ગઢ રહ્યો હતો. દુશ્મનના લશ્કરી બળ સામે અથડામણ થશે એવી પૂર્વધારણા રાખીને, કૅપ્ટન અર્નેસ્ટ એલ. મેડિના તથા લેફ્ટનન્ટ વિલિયમ એલ. કૅલી, જુનિયરના હુકમથી અમેરિકનો સૉન મી નામના ગામમાં પ્રવેશ્યા અને મી લાઈ 4 તરીકે ઓળખાવાયેલા નાનકડા ગામમાં જે કોઈ નજરે ચઢ્યું તેની સામે જાણે મૃત્યુનો કોરડો વીંઝ્યો. આમાં મોટેભાગે તો મહિલાઓ, બાળકો અને વૃદ્ધ નાગરિકો જ હતાં. કેટલાક ગ્રામવાસીઓને ખાઈઓમાં ધકેલવામાં આવ્યા હતા અને પછી ગોળીએ દેવામાં આવ્યા હતા. લશ્કરી ફોટોગ્રાફરોએ ખાઈઓમાં ઢગલો કરાયેલાં શબોની તાર્દશ તસવીરો લીધી હતી.
આ કંઈ છૂટોછવાયો પ્રસંગ ન હતો. જ્યારે કૅલીની ચાર્લી ટુકડી મી લાઈ 4માં વિનાશ વેરી રહી હતી ત્યારે બ્રૅવો કંપની નામની બીજી ટુકડી મી ખે 4 નામના નજીકના ગામે એવી જ કામગીરી પાર પાડી રહી હતી; પણ મી લાઈનો હત્યાકાંડ ટૅક્નૉલૉજીની ર્દષ્ટિએ વિકાસ પામેલી સત્તાએ બહુધા ખેતીપ્રધાન એશિયન પ્રજા સામે આદરેલા યુદ્ધની પાશવતાનું પ્રતીક બની રહ્યો.
વિયેટનામ યુદ્ધના લાંબા વખતના અનુભવી રૉનાલ્ડ રિડનહૉવરે અથાક અને ચીવટભર્યા પ્રયત્નો કરવાની સાથોસાથ મી લાઈ હત્યાકાંડ વિશે પોતે જે બધું જાણે છે તે જાહેર કરવાની ધમકી પણ ઉચ્ચારી ત્યારે અમેરિકન લશ્કરને આમાં તપાસ કરવાની ફરજ પડી અને તેના પરિણામે ચાર્લી કંપનીના અનેક સૈનિકો સામે ખૂનના આક્ષેપ મુકાયા. મી લાઈ હત્યાકાંડ અંગે જે સૈનિકો સામે તહોમતનામું મુકાયું હતું તે પૈકી લે. કૅલી સામે લશ્કરી અદાલતે કામ ચલાવ્યું. 29 માર્ચ, 1971ના રોજ, તેમને ઓછામાં ઓછા 22 વિયેટનામી નાગરિકોની હત્યા બદલ દોષિત ઠરાવાયા હતા. મી બેની નાના પાયાની હત્યાના દુષ્કૃત્ય બદલ કોઈ પગલું લેવાયું ન હતું.
મી લાઈ હત્યાકાંડને અપાયેલી પ્રસિદ્ધિથી અનેક અમેરિકનો વિયેટનામમાંની અમેરિકાની લશ્કરી કામગીરીના પ્રકારનો વિરોધ કરવા પ્રેરાયા. કૅલી વિશે પ્રજાએ ખાસ્સી સહાનુભૂતિ દાખવી, કારણ કે પ્રજાને એમ લાગતું હતું કે ખરેખરા દોષિત તો તેમના ઉપરી અધિકારીઓ હતા; તેમના વતી કૅલીએ સજા વહોરી લીધી હતી. મી લાઈની ઘટનાથી યુદ્ધ-વિષયક ગુનાને લગતા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કાયદામાંના આવા મુદ્દાને લગતી કોઈ વિશેષ સ્પષ્ટતા થઈ શકી નહિ. અમેરિકન લશ્કરી તેમજ અમેરિકન સરકારના અન્ય કોઈ વિભાગ તરફથી આ બાબતમાં આગળ કોઈ કાર્યવહી કરવામાં આવી નહિ.
મહેશ ચોકસી