મીલૉઝ, ચેસ્લૉ (જ. 30 જૂન 1911; ઝેતેઝની, વિલનિયસ લિથ્યુએનિયા; અ. 14 ઑગષ્ટ 2004, Krakow, પોલૅન્ડ) : પોલિશ કવિ, નવલકથાકાર, નિબંધકાર, અનુવાદક તથા ભાષાશાસ્ત્રી. 1980ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારવિજેતા. પોલિશ ઉપરાંત અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓના પણ જાણકાર. ટી. એસ. એલિયટ, વૉલ્ટ વ્હિટમન અને કાર્લ સૅન્ડબર્ગનાં અંગ્રેજી કાવ્યો અને ‘ધ બુક ઑવ્ સામ્સ’(હિબ્રૂ)નો અનુવાદ તેમણે પોલિશમાં કર્યો છે. વળી શેક્સપિયર અને મિલ્ટનની કેટલીક કૃતિઓનો અનુવાદ પણ તેમણે કર્યો છે.

ચેસ્લૉ મીલૉઝ

આગમનાં એંધાણો આપતી પોલિશ કવિતાના આદ્યસ્થાપકો પૈકીના અગ્રણી કવિ. શિક્ષણ રોમન કૅથલિક શાળામાં. કાયદાશાસ્ત્રનો ખાસ અભ્યાસ યુનિવર્સિટી ઑવ્ વિલનિયસમાં. 1930માં યુનિવર્સિટીના સામયિકમાં કાવ્યો પ્રસિદ્ધ કર્યાં. તે અરસામાં સાહિત્યિક જૂથ ‘ઝેગરી’(‘ધ ટૉર્ચ’)ના એક સ્થાપક. પાછળથી તેનું નામાભિધાન ‘કૅટાસ્ટ્રૉફિસ્ટ્સ’ કર્યું, કારણ કે ભવિષ્યમાં આવનાર અણધારી આપત્તિઓની સૂચના તેઓ અગાઉથી આપવા ઇચ્છતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વૉર્સોમાં પોલૅન્ડના લોકપ્રતિકારને આ સાહિત્યકારોએ શબ્દસ્થ કર્યો છે. જોકે તે પહેલાં ઍવાં ગાર્દ(avant-garde)ની ચળવળ નિમિત્તે સાહિત્યમાં નવા નવા પ્રયોગો કરવામાં મીલૉઝ અગ્રેસર હતા. તેમણે નિરાશા અને નૈતિક ભાવના વ્યક્ત કરતાં કાવ્યો લખ્યાં. ઐતિહાસિક ઘટના, સમયનું પરિમાણ, માનવસંબંધોની સાપેક્ષતા અને નૈતિક-આધ્યાત્મિક આદર્શો વચ્ચેનો સંઘર્ષ – એ તેમનાં કાવ્યોમાં વિષય રૂપે આવે છે. શરૂઆતમાં વૉશિંગ્ટન ડી.સી. અને પૅરિસની પોલિશ એલચીકચેરીઓમાં સાંસ્કૃતિક વિભાગમાં કાર્ય કર્યું, પરંતુ સોવિયેત આધિપત્યવાળી સરકારમાં તેમને નોકરી કરવાનું સુસંગત ન લાગતાં પોતે સ્વેચ્છાએ દેશવટો લઈ પૅરિસમાં (1951–60) રહેવાનું પસંદ કર્યું. પાછળથી તેમણે અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું. અમેરિકાની બર્કલી યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં સ્લેવૉનિક ભાષાઓના તેઓ પ્રાધ્યાપક બન્યા (1960–81).

1933માં તેમનાં કેટલાંક કાવ્યોને અનુલક્ષીને તેમને પ્રાપ્ત થયેલ પુરસ્કારની રકમમાંથી તેઓ વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા. (1934–35). ‘ધ થ્રી વિંટર્સ’ (1936) તેમનો કાવ્યસંગ્રહ છે. ‘ધ કૅપ્ટિવ માઇન્ડ’- (1953)માં પોલિશ લેખકો અને બૌદ્ધિકો પર સામ્યવાદ અને સરમુખત્યારશાહીની અસર વિશે નિબંધો લખ્યા છે. આ પુસ્તકે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ‘ઝૉબાયસી વ્લાદ્ઝી’(સીઝર ઑવ્ પાવર’ –1953)ની નવલકથાને ‘પ્રીક્સ લિટરેર યુરોપિયન’નો ઍવૉર્ડ એનાયત થયો. ‘રૉડઝિના યુરોપા’ (‘નેટિવ રેલ્મ : અ સર્ચ ફૉર સેલ્ફ- ડેફિનિશન’–1958) તેમની આત્મકથા છે. ‘વિઝન્સ ફ્રૉમ સાનફ્રાન્સિસ્કો બે’ (1969) અમેરિકન સંસ્કૃતિ વિશેનો તેમનો નિબંધસંગ્રહ છે. લાંબો સમય પ્રસિદ્ધિથી વેગળા રહીને તેમણે દાર્શનિક પરંપરાનો અભ્યાસ કર્યો. એક અર્થમાં આ સમય તેમની આધ્યાત્મિક મુસાફરીનો હતો. ‘ઝીમ્યા યુબ્રો’ (1977) (‘ધ લડ ઑવ્ યુબ્રો’) અને ‘ધી ઇસા વૅલી’ (1981) તેમની નવલકથાઓ છે. ‘હિમ ઑવ્ ધ પર્લ’ (1981) અને ‘હિમ ઑવ્ ધી અર્થ’ (1986) તેમના કાવ્યસંગ્રહો છે. ‘સિલેક્ટેડ પોએમ્સ’ (1973) અને ‘બેલ્સ ઇન વિન્ટર’ (1978) અન્ય ભાષાઓમાંથી અનૂદિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર નીવડેલાં કાવ્યોના સંગ્રહો છે. ‘ધ વિટનેસ ઑવ્ પોએટ્રી’ (1983) એ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે.

વિ. પ્ર. ત્રિવેદી