મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી
February, 2002
મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી (જ. 1543 અને 1552 વચ્ચે, અસ્તરાબાદ, ઈરાન; અ. 1625) : દક્ષિણ ભારતના એક વખતના ગોલકોંડા રાજ્યના મંત્રી, શિયા પંથના ધર્મગુરુ, લેખક, પ્રચારક, કવિ અને ભારત-ઈરાન વચ્ચે રાજકીય તથા સાંસ્કૃતિક જોડાણના પ્રણેતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના મામા ફખ્રુદીન સમાકી પાસેથી મેળવ્યું હતું, જે શિયા વિચારસરણીના નિપુણ વિદ્વાન અને શિક્ષક હતા. મીર મુહમ્મદ મોમિને નુરૂદ્દીન મૂસવી નામના બીજા વિદ્વાન પાસેથી પણ કુરાન, હદીસ તથા શિયા ફિકહનો અભ્યાસ કર્યો હતો. આની સાથે તેમણે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા જાદુ-મંત્ર જેવી વિદ્યાઓમાં પણ પ્રવીણતા મેળવી હતી. જ્ઞાનની સાથે પવિત્ર અને નમ્ર સ્વભાવને કારણે તેમણે પોતાના વતનમાં પણ લોકચાહના મેળવી હતી. ઈરાનના સફવી વંશના શાહ તેહમાસ્પે (અ. 1576) તેમને રાજકુંવર હૈદરના વાલી તથા શિક્ષક બનાવ્યા હતા. શાહ તેહમાસ્પના અવસાન તથા રાજકુંવર હૈદરની હત્યા પછી શાહ ઇસ્માઇલ સફવીના હાથે શરૂ થયેલા દમન અને અત્યાચારોથી ચિંતિત બનેલા મીર મોમિને 1585ની આસપાસ દેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો. તેમની પહેલાં પણ દક્ષિણ ભારતના ગોલકોંડા રાજ્યમાં ઈરાનના શિયાપંથી રાજપુરુષો-ધર્મગુરુઓનું આગમન તથા વર્ચસ ચાલુ હતાં. તેથી અનુકૂળ વાતાવરણમાં મીર માટે પહેલાં ધર્મશિક્ષક તરીકે અને પાછળથી રાજપુરુષ તરીકે કામ કરવાનું સરળ થઈ ગયું હતું. સલાહકાર તરીકે રાજદરબારમાં જોડાઈને 1585માં તેઓ ‘પેશવા’(મંત્રી)ના ઉચ્ચપદ ઉપર પહોંચ્યા હતા. તેમણે સુલતાન મુહમ્મદકુલી કુતુબશાહ (1580-1611) અને મુહુમ્મદ કુતુબશાહ- (1611–1625)ના દરબારમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હતો અને કુતુબશાહી રાજવંશની સમૃદ્ધિ, પ્રગતિ અને જાહોજલાલી વધારી હતી. મીર મુહમ્મદ મોમિને વિશેષ કરીને દક્ષિણ ભારતમાં શિયા વિચારસરણી, શિયા તહેવારો-ઉત્સવો(જેવા કે મુહર્રમ)ને પ્રચલિત કરવાના મહત્તમ પ્રયાસો કર્યા હતા. તેમણે વહીવટનું ઈરાનીકરણ કરવાનાં પણ પગલાં ભર્યાં હતાં. તેમના પ્રયત્નોથી કુતુબશાહી રાજ્યમાં ઈરાની અમલદારોને ઉચ્ચ પદ આપવામાં આવ્યાં હતાં, જેથી વહીવટમાં વિદેશીઓની સંખ્યા વધી ગઈ હતી. અમલદારોના પગલે ઈરાની કવિઓ તથા લેખકોનું પણ મોટી સંખ્યામાં આગમન થયું હતું. મીર મુહમ્મદ મોમિને ઈરાનના સફવી રાજવી શાહ અબ્બાસ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધ્યો હતો. ઈરાનના શાહ, પેશવા મીર મોમિનને ભારતમાં ઈરાનના રાજદ્વારી પ્રતિનિધિ ગણતા થઈ ગયા હતા અને શાહી ફરમાનો સીધાં તેમને મોકલવામાં આવતાં હતાં. દક્ષિણ ભારતના શિયા લોકોના ઈરાન તરફના કૂંણા વલણ અને સફવી શાહોની સર્વોપરીતાના સ્વીકારને લઈને ઉત્તર ભારતના મુઘલો ઘણા ચિંતિત બની ગયા હતા તથા દક્ષિણ ભારત કબજે કરવા તરફ તેમની નજર મંડાઈ હતી. દક્ષિણના ગોલકોંડા અને બિજાપુર જેવાં સ્વતંત્ર રાજ્યો ઉપર મુઘલોના આક્રમણને નોતરવામાં મીર મુહમ્મદ મોમિનની નીતિઓને જવાબદાર ગણવામાં આવે છે.
રાજકીય અને વહીવટી જવાબદારીઓ સાથે મીર મુહમ્મદ મોમિને ફારસી ભાષાસાહિત્ય તથા શિયા વિચારસરણીના વિકાસમાં પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. ફારસી ભાષામાં જોકે તેમની માત્ર ત્રણ પુસ્તિકાઓ પ્રાપ્ત છે, છતાં વિષય અને ભાષાશૈલીની ર્દષ્ટિએ તે મહત્વની ગણાઈ છે. ‘રિસાલએ મિક દરિયા’માં તેમણે તોલ-માપ અને અંતરને લગતા પ્રચલિત માપદંડોની ચર્ચા કરી છે. આ ચર્ચા માટે તેમણે પ્રાપ્ત એવા બધા સાહિત્યિક આધારોનો ઉપયોગ કર્યો છે અને પોતાના તરફથી નવા 12 જેટલા પાયાના માપદંડો સૂચવ્યા છે. બીજી ધાર્મિક પ્રકારની પુસ્તિકા ‘કિતાબે રજઅત’માં ઇમામ મેહદીના પુન: પ્રગટ થવા વિશેની શિયા વિચારસરણીની છણાવટ કરી છે. તેમની ત્રીજી કૃતિ છંદ:શાસ્ત્ર વિશે છે. તેમનાં ફારસી કાવ્યોના નમૂનાઓ પણ તઝકિરાઓ તથા ઇતિહાસોમાં જોવા મળે છે. મીર મુહમ્મદ મોમિનની બહુક્ષેત્રીય સેવાને લઈને તેમને ‘મુર્તઝાએ મમાલિકે ઇસ્લામ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. હાલના હૈદરાબાદ શહેરમાં મીર મુહમ્મદ મોમિનનું કબ્રસ્તાન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મીર મુહમ્મદ મોમિને શાહ અલી બન્દા નામના વિસ્તારમાં ખુલ્લી જમીન ખરીદીને જાહેર કબ્રસ્તાન માટે વકફ (ધર્માદા) કરી હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી