મીર દર્દ (જ. 1720; અ. 1785) : ઉર્દૂના પ્રથમ પંક્તિના સૂફીવાદી કવિ. આખું નામ ખ્વાજા મીર દર્દ. તેમના વડવા ઔરંગઝેબ બાદશાહના સમયમાં સત્તરમા શતક દરમિયાન બુખારાથી હિંદ આવ્યા હતા. તેમના પિતા ખ્વાજા મુહમ્મદ નાસિર અન્દલીબ (1693-1759) ફારસીના પ્રખ્યાત કવિ હતા. મીર દર્દનું ખાનદાન મધ્ય એશિયાના સૂફી સંપ્રદાય નક્શબંદ સાથે સંબંધ ધરાવતું હતું. તેના સ્થાપક ખ્વાજા બહાઉદ્દીન નક્શબંદ (અ. 1389) હતા. તેમનો ઉછેર પવિત્ર વાતાવરણમાં થયો હતો. તેમણે અરબી-ફારસી ભાષાઓ ઉપરાંત કુરાન, હદીસ, ફિકહ, તફસીર અને તસવ્વુફની તાલીમ લીધી હતી. મુઘલોની પડતીના કાળમાં જ્યારે આર્થિક વ્યવસાયો, ધંધો-રોજગારનાં સાધનો ઘણાં ઓછાં હતાં ત્યારે મીર દર્દે સિપાઈ તરીકે પણ કામ કર્યું હતું. જોકે પછી પિતાના અનુરોધને લઈને 29 વર્ષની ઉંમરે આ ધંધો તેમણે છોડી દીધો હતો અને દરવેશ બની ગયા હતા. મીર દર્દને સૂફીવાદી ગીત-સંગીત(સમા)નો ઘણો શોખ હતો. દર મહિનાની બીજી તારીખે તેમના પિતાના મજાર ઉપર સમાની મહેફિલ યોજાતી હતી; જેમાં નામાંકિત સંગીતકારો હાજરી આપતા હતા. દર મહિનાની પંદરમી તારીખે તેમના ઘરે ઉર્દૂ કવિઓનો મુશાયરો (મજલિસેરિખ્તા) યોજાતો હતો. મીર દર્દને નાનપણથી કવિતાનો શોખ લાગ્યો હતો. તેમણે 15 વર્ષની ઉંમરે ‘અસ્રારૂસ્સલાત’ નામે ફારસી લેખ લખ્યો હતો. આ સિવાય ફારસીમાં બીજી નાનીમોટી 10 જેટલી ગદ્ય-પદ્ય કૃતિઓ છે; જેમાં રુબાઈના સ્વરૂપમાં કાવ્યરચનાઓ છે. તેમણે ફારસીમાં પોતાના સૂફીવાદી વિચારોની સમજૂતી આપી છે. મીર દર્દે ઉર્દૂમાં મુખ્યત્વે ગઝલો રચી છે અને તેમના ચૂંટેલા ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘દીવાને દર્દ’માં 1,500 પંક્તિઓનો સમાવેશ થાય છે. મીર દર્દ સૂફીવાદી ફિલસૂફ અને વિચારક હતા. તેમના સમયમાં જે રાજકીય અને સામાજિક અધોગતિ ફેલાઈ હતી, તેનાથી તેમના પિતાની જેમ તેઓ પણ વ્યથિત હતા. ખાસ કરીને મુસ્લિમ સમાજમાં જે વૈચારિક મતભેદો વ્યાપક બન્યા હતા અને ધર્મના અનુસરણમાં આળસ આવી ગઈ હતી એ પરિસ્થિતિમાં તેમણે એક મધ્યમમાર્ગી અને ઉદારમતવાદી તસવ્વુફનો વિચાર તરતો મૂક્યો હતો. તેમની ‘ઇલ્મુલ કિતાબ’ જેવી ફારસી કૃતિઓમાં જે વાતો ગદ્યમાં સમજાવી હતી એ જ વાતો ને વિચારો તેમણે ઉર્દૂ કવિતામાં વહેતા મૂક્યા છે. તેમના પિતાની જેમ મીર દર્દ પણ ઈમાન (શ્રદ્ધા) અને અમલ(કર્મ)ને મહત્વ આપતા હતા, અને પોતાને મુહમ્મદી કહેવડાવી પયગંબર મુહમ્મદ સાહેબે (સ. અ. વ.) ચીંધેલા માર્ગે સૌને ચાલવા અનુરોધ કરતા હતા. શાયરી બાબતમાં તેઓ આગવા વિચારો ધરાવતા હતા અને ઉચ્ચ મૂલ્યો તથા ધોરણોની હિમાયત કરતા હતા. તેમના મતે શાયરી એવી કોઈ નિપુણતા (કમાલ) નથી કે જેની ઉપર માણસ ગર્વ કરી શકે; બલકે તે એક પ્રકારનો હુન્નર છે, જેનો ઉપયોગ વળતર કે ઇનામ પ્રાપ્ત કરવા માટે થઈ શકે નહિ. શાયરી તો કવિના માનસપટ પરથી પસાર થતા નવીન વિચારોને વ્યક્ત કરવાનું સાધન છે. કાવ્યસ્વરૂપમાં કહેલી વાત મન ઉપર અસર અને હૃદયમાં જગ્યા કરી લે છે. તેમના મતે જે મનમાં હોય તે જ મુખે હોય. તેઓ કહેતા કે ‘મારી વાણી મારા કર્મને અનુરૂપ અને મારાં કર્મ મારી વાણીને અનુરૂપ હોય છે.’ (‘શએર મેં મેરે દેખના મુઝકો’.) મીર દર્દે આધ્યાત્મિક પ્રેમના સ્વાનુભવને શાયરીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના માટે શાયરી એક પ્રકારની ઇબાદત (ભક્તિ) છે. તેમની પછીના સમયમાં જ્યારે ઉર્દૂ શાયરીનું વૈચારિક સ્તર નીચે ઊતરી ગયું હતું ત્યારે મીર દર્દની શાયરી એક રળિયામણું અને અનુકરણીય ર્દષ્ટાંત પૂરું પાડે છે. તેમણે બુદ્ધિ(અક્કલ)ની સામે પ્રેમ(ઇશ્ક)ની સર્વોપરીતા સિદ્ધ કરવાનો હંમેશાં પ્રયત્ન કર્યો છે. તેમના કાવ્યની અસરકારકતા તેમના નવીન વિચારો અને સાદી, સરળ વાણીને લઈને સ્થાપિત થઈ છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી