મીર, રસૂલ (જ. સેહાપુર, શાહાબાદ, કાશ્મીર; અ. 1870) : જાણીતા કાશ્મીરી કવિ. તેમના જીવન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમનું અવસાન યુવાનવયે થયાનું મનાય છે.

તેઓ પ્રણયકાવ્યોના ઉત્તમ રચયિતા હતા. રહસ્યવાદી પદ્યરચનાઓના પ્રભાવના યુગમાં તેમણે પાર્થિવ પ્રિયાને સંબોધીને નિર્ભીકતાથી ગઝલો લખી. તેઓ હિંદુ સ્ત્રીને ચાહતા હોવાનું મનાતું હતું. તેમની ગઝલોમાં તેઓ ‘કાગ’ અને ‘હિંદુ રાજકુમારી’નો આડકતરો ઉલ્લેખ કરે છે.

તેમની ગઝલો રંગીનતાથી ભરેલી અને ઇન્દ્રિયપરક છે. પુષ્પો, સુગંધ, રણકતાં ઝાંઝર, હંસ વગેરેના કલ્પનનિષ્ઠ વિનિયોગથી તેઓ તેમની પ્રિયતમાનું સૌંદર્ય તાર્દશ કરે છે. તેમનાં ઊર્મિકાવ્યો હૃદયના સાહજિક સ્ફુરણમાંથી પ્રગટ થયાં છે અને તે અતિ મધુર છે. તેમની કેટલીક ગઝલોમાં પ્રિયતમના લહેરીપણા વિશે પ્રિયતમાની ફરિયાદ છે; તેમાં માધુર્ય, નમ્રતા અને સંયમ જળવાયાં છે. તેમની કેટલીક મધુર રચનાઓમાં પરંપરાથી ઊલટું પ્રિયતમને પ્રિયતમાની ખુશામત કરતો રજૂ કરવામાં આવ્યો છે.

તેમની ગઝલોમાં ખયાલોની સંવાદિતા ધ્યાનાર્હ છે. તેમની શૈલી રંગીન હોવા છતાં સરળ છે. ક્યારેક તેઓ અસલી ફારસી શબ્દપ્રયોગો કરે છે. તેમાં પ્રેમના વિવિધ ભાવોનું સ્વરૂપ સરસ રીતે જળવાયું છે.

બળદેવભાઈ કનીજિયા