મીર તકી મીર (1954)
February, 2002
મીર તકી મીર (1954) : ઉર્દૂ લેખક ખ્વાજા અહમદ ફારૂકી(જ. 30 ઑક્ટોબર, 1917)નો અભ્યાસગ્રંથ. મીર તકી મીર વિશેનો આ સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ, વિસ્તૃત અને શ્રદ્ધેય ગ્રંથ લેખી શકાય; આ પૂર્વે કવિના જીવનકવન વિશે બહુ થોડા છૂટાછવાયા લેખો લખાયેલા મળે છે.
પુસ્તકમાં પાંચ પ્રકરણો પાડવામાં આવ્યાં છે. પ્રથમ પ્રકરણમાં કવિનું જીવન તથા તે સમયનાં સામાજિક, રાજકીય અને સાહિત્યિક પરિસ્થિતિ તથા પરિબળો આલેખાયાં છે. બીજામાં કવિના વ્યક્તિત્વ તથા ચરિત્રનાં ભિન્ન ભિન્ન પાસાંની છણાવટ છે. કવિની કાવ્યવિભાવના વિશેની તથા તેમનાં વિવિધ કાવ્યસ્વરૂપોની ચર્ચા ત્રીજા પ્રકરણમાં છે. ચોથામાં મીરની ગદ્ય કૃતિઓની ચર્ચા કર્યા પછી અંતિમ પ્રકરણમાં આગલાં તમામ પ્રકરણનો સારભાગ રજૂ કરી સમાપન રૂપે મહાન ઉર્દૂ કવિઓમાં મીરનું સાચું સ્થાન નક્કી કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે.
ખરેખર ઉર્દૂ કવિઓમાં મીરને અગ્રેસર લેખી શકાય. ગાલિબ સિવાય અન્ય કોઈ કવિએ મીરની કવિતામાં જોવા મળતી કલ્પનાનાં ઉદાત્ત શિખર આંબ્યાં નથી. તેમનાં કાવ્યોમાં છે તેવી દર્શનની વિશાળતા અને ગહનતા અન્ય જૂજ કવિઓમાં જ જોવા મળે છે.
લેખકે પોતાની સંશોધનલક્ષી અભ્યાસસામગ્રી તટસ્થતાપૂર્વક તથા સુયોજિત ઢબે રજૂ કરી છે, જેથી કવિના વ્યક્તિત્વનું તથા તેમના જીવનકાળનું અધિકૃત ચિત્ર આપોઆપ ઊપસી આવે. તેમની શૈલીની પ્રવાહિતા, સરળતા તથા રોચકતાના પરિણામે આ ગ્રંથ અત્યંત રસપ્રદ થયો છે. વળી સંશોધક અભ્યાસીઓ માટે તો તે અનિવાર્ય સંદર્ભગ્રંથ બન્યો જ છે. એ રીતે સાહિત્યિક ઇતિહાસના ગ્રંથોમાં આ પુસ્તકે નવું પરિમાણ સિદ્ધ કર્યું છે.
આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો 1957ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી