મીર તકી મીર [1722, અકબરાબાદ (આગ્રા); અ. 1810] : મુહમ્મદ તકી મીર અથવા મીર તકી મીર ઉર્દૂ ભાષાના પ્રશિષ્ટ કવિઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા કવિ. તેમના જીવનનો સમકાલીન સમય દેશેમાં અવ્યવસ્થા અને અશાંતિનો હતો. સલ્તનતનો વિલય અને અંગ્રેજોના ઉદયનો એ જ કાળ હતો. તેમની નબળી કૌટુંબિક સ્થિતિ અને સમાજની દયનીય પરિસ્થિતિએ તેમના ચરિત્ર અને વિચારોને તદ્દન જુદી રીતે ઘડ્યા હતા અને તેમાંથી એક એવો દુખી કવિનો જન્મ થયો જે કહેતો હતો :

મુઝ કો શાઈર ન કહો મીર, કે સાહબ મેં ને

દર્દ વ ગમ કિત્ને કિયે જમા તો દીવાન કિયા

મીર જિંદગીની ઠોકરો ખાતા આગ્રાથી શાહજહાનાબાદ, દિલ્હી અને લખનઉ સુધી ફર્યા હતા. અઢારમા સૈકામાં એહમદશાહ અબ્દાલી તથા મરાઠા સરદારોના આગમનને લઈને દિલ્હીની સભ્યતા વેરવિખેર થઈ ગઈ હતી. તેઓ જ્યારે લખનઉ પહોંચ્યા તો ત્યાં પણ આવું જ દર્દ અને દુ:ખ જોવા મળ્યું. આવા પરિવર્તન કાળે તેમનામાંના કવિનું ઘડતર કર્યું હતું અને તેમની કવિતાના સૂર, સ્વભાવ અને લહેકો નિશ્ચિત થયા હતા. તેમની કવિતાની ખ્યાતિનું રહસ્ય એ હતું કે તેમના અવાજમાં સમાજની લાચારી, અન્યાય તથા અત્યાચારના વાતાવરણ અને પરિસ્થિતિઓની કઠોરતા તથા નિર્દયતાનું સચોટ નિરૂપણ થતું હતું.

અઢારમા સૈકાના એવા કપરા કાળમાં મીરને બદલે બીજો કોઈ હોત તો ઘસાઈને રહી જાત, પરંતુ મીર એ સમયના ધબકારાઓને પોતાના અંતરમાં સમાવી લઈ કવિતાના વાદ્યમાં પરોવી દીધા. તેમની કવિતા અઢારમા સૈકાના હિન્દના આત્માનો અવાજ બની ગઈ હતી.

મીરની પ્રકૃતિમાં સૌથી પ્રબળ અંશ પ્રેમનો હતો. તેમના સૂફી રંગમાં રંગાયેલા પિતાએ મીરને શિખામણ આપી હતી : ‘હે દીકરા, પ્રેમ અખત્યાર કરી લે, સંસારમાં તેનું જ પ્રભુત્વ છે, પ્રેમ વગર જીવન જંજાળ છે….. સૃષ્ટિમાં જે કાંઈ છે તે પ્રેમનો જ પ્રકાશ છે.’ તેઓ પ્રેમનું ગીત આ રીતે ગાય છે :

મુહબ્બત હી ઈસ કારખાને મેં હૈ

મુહબ્બત સે સબ કુછ ઝમાને મેં હૈ ?

ઇશ્ક હી ઇશ્ક હૈ નહિ હૈ કુછ

ઇશ્ક બિન તુમ કહો કહીં હૈ કુછ ?

મીર તકી મીરને બાળપણમાં તેમના પિતા તરફથી જે સૂફી-સંત પરંપરાની ર્દષ્ટિ પ્રાપ્ત થઈ હતી તેને લઈને જીવનમાં જે દુ:ખદર્દનો કડવો અનુભવ થયો હતો તેના બોજ હેઠળ દબાઈ મરવાને બદલે, તેમણે ધીરજ અને સુમેળ તથા સ્વીકારની ભાવના સાથે, પોતાની જાતને અને પોતાની કવિતા દ્વારા માનવજાતને, દુ:ખદર્દ અને આનંદની સીમાઓથી ઉપર ઉઠાવી લીધાં હતાં. આવી સંવેદના સમગ્ર સૃષ્ટિ, માનવી અને જીવન વિશે એક નવું જ્ઞાન અર્પણ કરે છે. તેમની આ સિદ્ધિએ મીરને ‘ખુદાએ સુખન’ (કાવ્યેશ્વર)નું બિરુદ અપાવ્યું હતું.

તેમના હૃદયમાં કાયમ વ્યાકુળતા રહેતી હતી અને એ જ વ્યાકુળતાએ તેમને જીવનના અંત સુધી કવિતા રચવામાં પરોવી રાખ્યા હતા.

મીર તકી મીરે જીવન પર્યંત કવિતા લખી હતી અને પોતાની પાછળ છ (6) દળદાર કાવ્યસંગ્રહો મૂકી ગયા છે. કાવ્યનો ગઝલ-પ્રકાર તેમને સૌથી વધુ પ્રિય હતો. તેનું એક કારણ એ છે કે પળે પળે બદલાતા રહેતા તેમના વિચારોને વ્યક્ત કરવા માટે એ શ્રેષ્ઠ માધ્યમ હતું.

તેમણે ફારસી ગદ્યમાં પણ કવિઓનાં જીવન-ચરિત્રો અને તેમનાં ચૂંટેલાં કાવ્યોના સંગ્રહો તૈયાર કર્યા હતા.

ઉર્દૂમાં તેમણે ગઝલ ઉપરાંત વર્ણનાત્મક અને સળંગ કાવ્યસ્વરૂપમાં મસ્નવીના સ્વરૂપમાં કવિતા લખી છે. તે સર્વ તેમણે અનુભવેલા જુદા જુદા પ્રસંગો ઉપર આધારિત છે.

મીરના છ(6) ઉર્દૂ કાવ્યસંગ્રહો(દીવાન)નો સંયુક્ત અંક અથવા ગ્રંથ 1811માં ફોર્ટ વિલિયમ કૉલેજ–કૉલકાતાથી પ્રગટ થયો હતો. આ ગ્રંથમાં કાવ્યપંક્તિઓની કુલ સંખ્યા 14,341 છે. બીજા કાવ્યપ્રકારો જેવા કે, રુબાઈ, મુક્તક, મસ્નવી, સાકીનામા જેવાં કાવ્યોમાંની પંક્તિઓની સંખ્યા 3,710 છે.

મીર પોતાના સમયમાં અને તેમના અવસાન પછી અત્યાર સુધી, સમગ્ર દેશમાં પ્રસિદ્ધ રહ્યા છે. ઉર્દૂના મિર્ઝા ગાલિબ જેવા વિદ્વાન કવિએ પણ મીરના કલામમાં જે કવિત્વ છે તેનાં વખાણ કર્યાં છે. મીરની જળવાઈ રહેલી ખ્યાતિનાં અનેક કારણો છે. તેમાં સૌપ્રથમ સ્થાન તેમની ભાષા અને સાથે વિચારની અભિવ્યક્તિની સાદગી અને સરળતા છે.

મીરનાં કાવ્યોમાં પ્રેમઅંશ ઉપરાંત માનવતા, ઈશ્વરપ્રેમ અને જ્ઞાનને સ્પર્શતા ઉચ્ચ વિચારો પણ દેખાય છે. એક બે પંક્તિઓ ઉપરથી તેનો ખ્યાલ આવશે. માનવી, સૃષ્ટિના પ્રારંભથી તેના સર્જનહારને ઓળખવા અને તેનો પ્રેમ પામવા પ્રયત્નશીલ રહ્યો છે. આ વિચારને મીરે સચોટ રીતે વ્યક્ત કર્યો છે :

‘જો હે સો, મીર, ઉસકો ‘‘મેરા ખુદા’’ કહે હૈ,

કિયા ખાસ નિસ્બત ઉસસે હર ફર્દ કો જુદા હૈ ?’

‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ના વિચારને મીરે અન્યત્ર બહુ જ સુંદર ઢબે રજૂ કર્યો છે :

‘રાહ સબકો હૈ ખુદા સે, જાન, અગર પહોંચા હૈ તૂ,

હોં તરીકે મુખ્તલિફ કિત્ને હી, મંઝિલ એક હૈ !’

મીરને પોતે એક મહાન કવિ હોવાનો ઉચ્ચગ્રાહ હતો, પરંતુ જ્યારે તેમની અવગણના થતી ત્યારે મોટું હૃદય રાખીને સહન કરીને રહેતા.

મીર, માનવી અને માનવતાને સૌથી વધુ મહત્વ આપતા હતા, પરંતુ માણસનું ‘માનવી’ બનવું સહેલું હોતું નથી એ વાતની તેમને પાકી ખબર હતી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી