મીરાંબહેન (જ. 22 નવેમ્બર 1892, ઇંગ્લૅન્ડ; અ. 20 જુલાઈ 1982, વિયેના, ઑસ્ટ્રિયા) : મહાત્મા ગાંધીનાં અંતેવાસી અંગ્રેજ મહિલા. રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનું નામ મેડેલિન સ્લેડ હતું. તેમના પિતા સર એડમંડ સ્લેડ ઉમરાવ કુટુંબના વિશિષ્ટ અંગ્રેજ સદગૃહસ્થ હતા. મેડેલિને પોતાના ઘરમાં શિક્ષણ લીધું હતું. તેમને ફૂલ, પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે અનુરાગ હતો. ઘોડેસવારી અને બાગકામ તેમના શોખના વિષયો હતા. તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અને ઇજિપ્શિયન ભાષાઓ જાણતાં હતાં. સંગીત પ્રત્યે તેમને અભિરુચિ હતી.

પ્રસિદ્ધ ફ્રેન્ચ દર્શનશાસ્ત્રી રોમા રોલાંની તેમણે મુલાકાત લીધી અને ચર્ચા દરમિયાન રોમા રોલાંએ તેમને ગાંધીજીની પ્રવૃત્તિઓની માહિતી આપી અને તેમનું લખેલું ગાંધીજી વિશેનું પુસ્તક વાંચવા આપ્યું. તે વાંચીને મેડેલિન ગાંધીજીથી પ્રભાવિત થયાં. તેમણે ગાંધીજી પાસે આવવાનો વિચાર કર્યો. ભારત આવતાં અગાઉ તેમણે દારૂ અને માંસાહારનો ત્યાગ કર્યો તથા શાકાહારી બન્યાં અને ભગવદગીતાનો અભ્યાસ શરૂ કર્યો. ગાંધીજીએ 1924માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે મેડેલિને તેમને અભિનંદન પાઠવીને પોતાની અંગત બચતમાંથી જ્ર 20ની ભેટ મોકલી.

મીરાંબહેન

ગાંધીજીની પરવાનગી લઈને મેડેલિન ભારત આવ્યાં. 7 નવેમ્બર, 1925ના રોજ તેઓ અમદાવાદ ખાતેના સત્યાગ્રહ આશ્રમમાં આવ્યાં. ગાંધીજીને મળ્યા બાદ, અતિશય પ્રેમ તથા શ્રદ્ધાથી તેમણે ગાંધીજીને પોતાના જીવનના માર્ગદર્શક બનાવ્યા તથા તેમની સેવામાં તલ્લીન થઈ ગયાં. ગાંધીજીએ પણ તે પોતાની પુત્રી હોય એ રીતે તેમની સંભાળ લીધી. આશ્રમનું જીવન કઠિન હોવા છતાં, તેઓ તેને અનુકૂળ થઈને રહ્યાં. તેમણે ભારતીય પહેરવેશ અપનાવ્યો, હિંદી ભાષા શીખ્યાં અને કાંતવામાં નિષ્ણાત બન્યાં. તેઓ આજીવન અપરિણીત રહ્યાં હતાં. તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું, માથાનું મુંડન કરાવ્યું. પાછલાં વરસોમાં તેઓ કેસરી ઝભ્ભો પહેરતાં હતાં. હિંદુ ધર્મ સ્વીકારવાની તેમની ઘણી ઇચ્છા હતી, પરંતુ ગાંધીજીએ તેમને અટકાવ્યાં, કારણ કે બધા ધર્મો એક જ ભગવાન પાસે લઈ જાય છે. તેઓ ગાંધીજીને ગૌતમ બુદ્ધ અને ઈસુ ખ્રિસ્તની સમાન માનતાં હતાં. તેમણે વેદો, ઉપનિષદો અને પુરાણોનો અભ્યાસ કર્યો હતો.

ભારતની સેવા કરવા માટે તેમણે પોતાનું જીવન સમર્પણ કર્યું. ભારત પ્રત્યેનો તેમનો ભક્તિભાવ જોઈને ગાંધીજીએ તેમને મીરાંબહેન નામ આપ્યું હતું. ભારત આવ્યા બાદ તેમને દહેરાદૂનના કન્યા ગુરુકુળમાં મોકલવામાં આવ્યાં. ત્યાં તેમણે હિંદી ભાષાનો અભ્યાસ કર્યો. તેઓ ત્યાં અંગ્રેજી, કાંતણ વગેરે શીખવતાં હતાં.

ગાંધીજીએ શરૂમાં તેમને રાજકીય આંદોલનમાં જોડાવાની રજા આપી નહિ, તેથી તેમણે રચનાત્મક પ્રવૃત્તિ કરવા માંડી. ખાદીનો પ્રચાર કરવા તથા કાંતણ-પીંજણની સુધારેલી પદ્ધતિઓ લોકોને શીખવવા માટે તેમણે બંગાળ, બિહાર અને મદ્રાસ ઇલાકા તમિળનાડુનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. બિહારની ગરીબી જોઈને તેમને અતિશય દુ:ખ થયું. ત્યાંના લોકોને તેમણે સ્વચ્છતા અને આરોગ્યનું જ્ઞાન આપ્યું તથા માંદાઓની સારવાર કરી.

ગાંધીજી 1932માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લૅન્ડ ગયા ત્યારે મીરાંબહેન તેમની સાથે ગયાં અને પાછાં ફરતાં યુરોપના દેશોના પ્રવાસ દરમિયાન ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કર્યું. તેઓ કહેતાં કે ભારતમાં તેમને પોતાના વતનમાં રહેતાં હોય એવું અને ઇંગ્લૅન્ડમાં પરદેશમાં હોય એવું લાગે છે. તે પછી તેમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો અને 1932–33માં કસ્તૂરબા ગાંધી સાથે જેલ પણ ભોગવી હતી.

ગ્રામસેવા કરવાની તેમને ઉત્કટ ઇચ્છા હતી. તે માટે તેમણે એક પછી એક કેટલાંક ગામોમાં વસવાટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે માંદાં પડીને પાછા ફરવું પડ્યું હતું. વર્ધા પાસેના શેગાંવ નામના ગામમાં રહીને 1934માં તેમણે ગ્રામસેવાની પ્રવૃત્તિ આરંભી. પછી ગાંધીજી ત્યાં ગયા અને તેને ‘સેવાગ્રામ’ નામ આપ્યું.

દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ગાંધીજીએ તેમને ઓરિસા, આસામ અને બંગાળનો પ્રવાસ કરીને હેવાલ તૈયાર કરવા મોકલ્યાં. તેમના હેવાલના આધારે, ગાંધીજીએ જાપાનના હુમલા સામે ઉપયોગ કરી શકાય એવી અહિંસક નાગરિક સંરક્ષણ અને અહિંસક પ્રતિકાર માટેની યોજના તૈયાર કરી. ‘હિંદ છોડો’ આંદોલન શરૂ કરતાં પહેલાં વાઇસરૉયને મળીને, અંગ્રેજોને દેશ છોડીને ચાલ્યા જવા માટે સમજાવવા ગાંધીજીએ તેમને મોકલ્યાં; પરંતુ વાઇસરૉયે તેમને મુલાકાત આપી નહિ. તેથી તેના સેક્રેટરીને મળીને મીરાંબહેને જણાવ્યું કે અંગ્રેજોએ ભારત છોડીને ચાલ્યા જવાનો સમય થઈ ગયો છે. તેથી હવે તેમણે ચાલ્યા જવું જોઈએ.

9મી ઑગસ્ટ, 1942ની સવારે ગાંધીજી સાથે તેમની પણ ધરપકડ થઈ અને ઑગસ્ટ, 1942થી મે, 1944 પર્યંત તેમને પુણે પાસેના આગાખાન મહેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યાં. ત્યાં બાલકૃષ્ણની હાથીદાંતની મૂર્તિ તેમની પાસે રાખી હતી. તેને તેઓ વિવિધરંગી ફૂલો વડે શણગારતાં. ત્યાંના અટકાયતીઓ તેમનાં દર્શન કરીને કૃતાર્થ થતાં. આગાખાન મહેલમાં તેઓ બૅડ્મિન્ટન, ટેબલ-ટેનિસ અને કૅરમ જેવી રમતો રમતાં. તેમણે જેલમાંથી મુક્તિ મેળવ્યા બાદ, ગ્રામજનો, વૃદ્ધ ગાયો તથા બળદોની સેવા કરવા માટેનું કેન્દ્ર હરદ્વારમાં શરૂ કરીને તેને ‘કિસાન આશ્રમ’ નામ આપ્યું. ત્યારબાદ તેમણે હૃષીકેશમાં ‘પશુલોક’ની સ્થાપના કરી હતી. એ વિસ્તારની જનતા મીરાંબહેનને તેમની સેવા માટે ઈશ્વરે મોકલેલો દૂત જ માનતી હતી. તે પછી હિમાલયમાં અને કાશ્મીરમાં પણ તેમણે ગોસેવાનું કાર્ય કર્યું હતું.

ઉત્તરપ્રદેશની સરકારે શરૂ કરેલ ‘વધુ અનાજ ઉગાડો’ની ઝુંબેશ દરમિયાન માનાર્હ સલાહકાર તરીકે તેમણે સેવા આપી હતી. ગાંધીજીના અવસાન (1948) બાદ, ભારત પ્રત્યેના તેમના ખેંચાણમાં ઘટાડો થયો. 18 જાન્યુઆરી, 1959ના રોજ તેમણે ભારતમાંથી વિદાય લીધી અને વિયેનાથી આશરે 48 કિમી. દૂરના એક નાના ગામમાં સ્થાયી થઈને રહ્યાં. ત્યાં તેમણે ગ્રામજનો સાથે ભાઈચારો કેળવ્યો, બીથોવનના સંગીતની મઝા માણી તથા પ્રકૃતિની ગોદમાં પોતાનું શેષ જીવન વિતાવ્યું. ત્યાં તે લાંબું અંતર ચાલવા જતાં ત્યારે ત્યાંના કિસાનો અને કામદારો તેમને ભારતીય મહિલા તરીકે ઓળખતા. તેમની દેશસેવાની કદર કરીને 1982માં ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ