મીરી જિયરી (1895) : મીરી જનજાતિના જીવન પર આધારિત રજનીકાન્ત બરદલૈ(1867–1939)ની પ્રસિદ્ધ અસમિયા નવલકથા. રજનીકાન્ત બરદલૈએ ‘મનોમતી’, ‘રંગિલિ’, ‘નિર્મલ ભક્ત’, ‘રાહદોઇ લિગિર’, ‘તામ્રેશ્વરીર મંદિર’ જેવી આઠેક નવલકથાઓ લખી છે; જેમાં ‘મીરી જિયરી’ (મીરી કન્યા) સૌથી પહેલી છે. આદિમ જનજાતિઓ વિશે જે સમયે ભાગ્યે જ કોઈ વિચાર કરતું તે વખતે રજનીકાન્ત બરદલૈએ એક પૂરી નવલકથા લખી છે, જે અસમિયા નવલકથાસાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નવલકથામાં ઉત્તરપૂર્વ આસામમાં સુવણસિરિ (બ્રહ્મપુત્રની એક શાખા) નદીપ્રદેશમાં વસતી મીરી જાતિની આદિમ માન્યતાઓ, વિવાહ આદિ રીતિરિવાજો વગેરે પૃષ્ઠભૂમિમાં છે અને કેન્દ્રમાં છે મીરી કિશોર જંકી અને કિશોરી પાનેઇની પ્રેમકથા. કૈશોર્યનો પ્રેમ ગાઢતર બને છે, પણ મીરી રિવાજ પ્રમાણે કન્યાના પિતાને આપવાના પૈસા જંકી પાસે નથી; દરમિયાન એક બીજી વ્યક્તિ સાથે પાનેઇને પરણાવી દેવાની પેરવી ચાલે છે. જંકી પાનેઇને નાવમાં લઈને સુવણસિરિ પાર કરી નદીપારના જંગલમાં લઈ જાય છે, જ્યાં તેઓ યુગલ તરીકે રહે છે; પણ મહિનામાં તો બંને પકડાઈ જતાં જાતિના રિવાજ પ્રમાણે ન્યાય તોળવામાં આવે છે. લખીમપુરની કોર્ટમાં પણ કેસ થાય છે અને કોર્ટના આદેશથી નિર્ણય ન થાય ત્યાં સુધી પાનેઇને એના માબાપને ત્યાં મોકલી દેવામાં આવે છે. ફરી તેઓ ભાગી જાય છે, પણ આ વખતે પહાડી મીરીઓ દ્વારા આ યુગલ પકડાતાં તેમની બાર ગામની પંચાયત ‘નદીની પેલે પાર’ અર્થાત્ મારી નાખવાની સજા ફરમાવવામાં આવે છે. લેખકે આ કરુણ ઘટના મર્મસ્પર્શી રીતે આલેખી છે. જે સુવણસિરિની ગોદમાં તેઓ મોટાં થયાં હતાં, તેનાં પાણીમાં તેમની ભાલાથી વીંધાયેલી લાશો તરે છે. નવલકથાના અંતે લેખક કહે છે – ‘પાનેઇ અને જંકીના પ્રેમનું વિષફળ પાક્યું. અમે અભાગી મીરી કન્યાની વાત સમાપ્ત કરી. મીરી જાતિના ઘરમાં હવે સારાં ફળ પાકશે એવી આશા છે.’

નાયક-નાયિકાનાં ચરિત્રોનું સજીવ આલેખન તો છે તે સાથે આસામના બિહુ તહેવારોનો ચિતાર પણ સરસ રીતે સાંકળીને આપ્યો છે. આ નવલકથાનો ‘મીરી લિરિયા’ નામથી યુગજિત નવલપુરી દ્વારા થયેલો અનુવાદ ભારતીય સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે.

ભોળાભાઈ પટેલ