મીનિયેરનો વ્યાધિ (Meniere’s disease) : ચક્કર, વધઘટ પામતી ચેતાસંવેદનાના વિકારથી થતી બહેરાશ તથા કાનમાં ઘંટડીનાદ(tinnitus)ના વારંવાર થતા અધિપ્રસંગો(episodes)વાળો રોગ. શરૂઆતમાં ફક્ત ચક્કર(vertigo)ની જ તકલીફ હોય અને જેમ જેમ રોગ વધે તેમ તેમ વધુ તીવ્રતા સાથે ચક્કર આવે છે તથા બહેરાશ અને ઘંટડીનાદની તકલીફો ઉમેરાય છે. તેનો વાર્ષિક નવસંભાવ્યદર (incidence) 0.5થી 7.5/1000 છે અને તે જીવનના પાંચમા દાયકા પછી જોવા મળે છે. જોકે કોઈક કિસ્સામાં તે યુવાનવયે કે વૃદ્ધાવસ્થામાં પણ થાય છે. તે કાનના વ્યાધિમાં 10 % થી 20 %ના દરે જોવા મળે છે. આશરે 90 % કિસ્સામાં એક કાનમાં વ્યાધિ થાય છે. સૌપ્રથમ વખત જે 20 દર્દીઓને આ પ્રકારનો વ્યાધિ થયેલો હતો તેમની માહિતી અંગે પ્રોસ્પર મીનિયેરે 1861માં પૅરિસ મેડિકલ સોસાયટી પાસે રજૂઆત કરી હતી. ત્યારથી તેને મીનિયેરના નામ સાથે જોડવામાં આવ્યો છે.
કાનના અંદરના ભાગને અંત:કર્ણ કહે છે. તેમાં આવેલા શ્રાવણલક્ષી કેશકોષો અવાજની સંવંધ્ન તથા સંતુલનલક્ષી કોષો માથાની વાતાવરણમાંની સ્થિતિ અંગે સંવેદના પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત અંત:કર્ણમાં અંત:લસિકાતંત્ર (endolymphatic system) આવેલું છે. મીનિયેરના વ્યાધિમાં તે પહોળું થાય છે અને તેને કારણે ત્યાં રહેલા શ્રવણલક્ષી અને સંતુલનલક્ષી કેશકોષોનું અપજનન (degeneration) થાય છે. અંત:લસિકાતંત્ર પહોળું થાય તેને અંત:લસિકાકીય કોષ્ઠ (endolymphatic sac) કહે છે. તેના પહોળા થવાનાં કારણોમાં ચેપ, ઈજા, સ્વકોષઘ્ની રોગો (autoimmune), અન્ય શોથકારી (inflammatory) રોગો તથા ગાંઠનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે દર્દી ઓછી આવૃત્તિ(frequency)વાળા તરંગો તરફ કોઈ એક કાનમાં સંવેદના-ચેતાલક્ષી બહેરાશ ઉદભવે છે. જોકે અન્ય પ્રકારના ધ્વનિતરંગો માટે પણ બહેરાશ થઈ શકે છે. ચુંબકીય અનુનાદી ચિત્રણ(magnetic resonance imaging, MRI)ની મદદથી અંત:કર્ણ, મજ્જાસેતુ કે નાના મગજના કે તેમની આસપાસના રોગો હોય તો તેનું નિદાન થઈ શકે છે. મીનિયેરના વ્યાધિમાં MRI સામાન્ય પ્રકારનાં ચિત્રણો દર્શાવે છે.
જે તે કારણરૂપ પરિબળને આધારે સારવાર નક્કી કરાય છે. સારવાર વડે ચક્કર આવતાં અટકાવવા પ્રયત્ન થાય છે. તેમાં મૂત્રવર્ધકો, કોર્ટિકોસ્ટિરૉઇડ અને કાનના પડદાની અંદર જેન્ટામાઇસનનાં ઇન્જેક્શન વગેરે ઉપયોગી રહે છે. ઔષધો વડે લગભગ 90 % કિસ્સામાં સફળતા રહે છે. જો તે ઔષધો વડે નિષ્ફળ જાય તો શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં અંત:લસિકાકીય કોષ્ઠમાંનું દબાણ ઘટાડવું, અંત:કર્ણનો કોઈ ભાગ કાપી કાઢવો કે સંતુલનચેતા(vestibular nerve)ને કાપવાનો સમાવેશ થાય છે. ઔષધો કે શસ્ત્રક્રિયા વડે ચક્કર મટે છે; પરંતુ બહેરાશ, ઘંટડીનાદ તથા કાનમાં પડતી ધાક (aural fullness) માટે કોઈ સારવાર નથી.
શિલીન નં. શુક્લ
મનોજ શં. ટાંક