મીનેટ (1) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ‘લેમ્પ્રોફાયર’ જેવા સામૂહિક નામથી ઓળખાતા અગ્નિકૃત ખડકો પૈકીનો એક લાક્ષણિક પ્રકાર. તે મુખ્યત્વે મૅફિક ખનિજો પૈકી બાયૉટાઇટથી અને ફેલ્સ્પાર ખનિજો પૈકી ઑર્થોક્લેઝથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં નજીવા પ્રમાણમાં કેટલાંક અન્ય ખનિજો પણ હોઈ શકે છે.

મીનેટ તેમજ ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ એ ગ્રૅનાઇટ કે ગ્રૅનોડાયોરાઇટ બંધારણવાળા મૅગ્માના બેઝિક સ્વભેદિત પ્રકાર તરીકે મળે છે. અંતિમ કાર્બોનિફેરસ-હર્સિનિયન ગિરિનિર્માણ-કાળના પર્વત વિભાગો(ઇંગ્લૅંડના કૉર્નવૉલ અને ડેવૉનશાયર પરગણાંઓ, ફ્રાન્સના બ્રિટાની, દક્ષિણ જર્મની તથા સૅક્સની)માં તે મોટા પ્રમાણમાં જોવા મળે છે. સોડામીનેટ, કૅમ્પ્ટોનાઇટ, ઍલ્નૉઇટ અને મૉન્ચિકાઇટ તેના જેવા જ ખડકપ્રકારો છે. આ ખડકપ્રકારો તેમની ઉત્પત્તિના સંદર્ભમાં જોતાં આલ્કલી-સમૃદ્ધ અંત:કૃત ખડકો, વિશેષે કરીને નેફેલિન સાયનાઇટ સાથે સંકળાયેલા હોય છે. મીનેટ વાસ્તવમાં તો ખાણિયાઓએ આપેલું નામ છે.

મીનેટ (2) : આ શબ્દ ફ્રાન્સના લૉરેઇન અને બ્રાય થાળાંઓના જુરાસિક આયર્નસ્ટોન માટે પણ વપરાય છે. આ ઉપરાંત આ શબ્દ કોઈ પણ જળકૃત લોહઅયસ્ક, વિશેષે કરીને લિમોનાઇટ માટે પણ વપરાય છે.

ગિરીશભાઈ પંડ્યા