મીનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એકેન્થેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Meyenia erecta syn. Thunbergia erecta છે.

તેનો છોડ એકાદ મીટર ઊંચો થાય છે અને સારી રીતે ભરાવદાર હોય છે. પર્ણો સાધારણ નાનાં લંબગોળ, થોડી અણીવાળાં અને લીલાંછમ હોય છે. તેને શિયાળામાં પુષ્પો આવે છે. પુષ્પ જાંબલી પડતા ભૂરા રંગનાં, સાધારણ મોટાં અને નીચેથી સાંકડાં તથા ઉપરથી પહોળાં નિવાપ આકારનાં (funnel shaped) હોય છે. નીચેનો ભાગ પીળાશ પડતો હોય છે. ઘેરા લીલા રંગનાં પર્ણોમાંથી બહાર દેખાતાં ભૂરાં પુષ્પોનો દેખાવ ખરેખર આકર્ષક હોય છે.

આમાં એક જાતને સફેદ ફૂલ આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ M. erecta var. alba છે. આ જાત લગભગ અર્ધો મીટર ઊંચી થાય છે.

આ બંને જાતોને, તેમાંય ખાસ કરીને પહેલી ભૂરી જાતને, કાપીને તેનાથી વાડ બનાવવામાં આવે છે. આ છોડનું અવારનવાર કૃંતન (pruning) કરી શકાય છે અને કૃંતન કરવાથી પર્ણો ગીચોગીચ ભરાઈ જાય છે. વળી વચ્ચે વચ્ચે દેખાતાં પુષ્પો વાડની શોભામાં ઓર વધારો કરે છે.

આ છોડનું મૂળ વતન પશ્ચિમ આફ્રિકા હોવાનું મનાય છે. વંશવૃદ્ધિ કટકારોપણ, દાબકલમ કે ગુટીથી થઈ શકે છે. તેને ખાસ માવજતની જરૂર રહેતી નથી; સામાન્ય પ્રમાણમાં અપાતાં ખાતર-પાણી પૂરતાં થઈ પડે છે; છતાં પુષ્પનિર્માણ સમયે થોડું થોડું છાણિયું ખાતર કે મિશ્ર (compost) ખાતર આપતા રહેવાથી પુષ્પો લાંબા સમય સુધી વધારે પ્રમાણમાં આવતાં રહે છે.

સામાન્ય રીતે ભૂરા રંગનાં પુષ્પો બહુ ઓછાં જોવા મળે છે. તે રીતે મીનિયાનાં ભૂરાં પુષ્પો ઉદ્યાનમાં એક નવું જ આકર્ષણ ઊભું કરે છે. વળી તે મોટાં હોવાથી દૂરથી પણ ધ્યાન ખેંચે છે.

મ. ઝ. શાહ