મીનનગર : ભારતનું એક પ્રાચીન નગર. ‘પેરિપ્લસ’ નામના પુસ્તકમાં બે ઠેકાણે આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને જ લાગુ પડે છે. (1) સિરાસ્ત્રી (સુરાષ્ટ્ર) દેશનું પાટનગર મીનનગર હતું. ‘પેરિપ્લસ’નો લેખક સુરાષ્ટ્રની રાજધાનીનું નામ મીનનગર જણાવે છે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના મતાનુસાર સૌરાષ્ટ્રમાં આવેલા ‘ગિરિનગર’ને ‘પેરિપ્લસ’ના લેખકે ભૂલથી ‘મીનનગર’ લખ્યું છે. ટૉલેમી(Ptolemy)ની ભૂગોળમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોરઠ અને મોનોગ્લૉસમ અથવા માંગરોળના અંદરના પ્રદેશમાં મીનનગર આવેલું હતું. આ બતાવે છે કે જૂનાગઢ કે ગિરિનગર મીનનગર નામે જાણીતાં હતાં.

(2) મીન લોકોનું નગર. ઈસુની બીજી સદીમાં તે નીચલા સિંધનું પાટનગર હતું. કેટલાક વિદ્વાનો મંદસોર માટે તે નામ જણાવે છે. ‘પેરિપ્લસ’માં જણાવ્યા પ્રમાણે તે ઈ. સ. 70–80 દરમિયાન ઇન્ડોસિથિયાનું પાટનગર હતું.

જયકુમાર ર. શુક્લ