મીઝ, ચાર્લ્સ એડ્વર્ડ કેનેથ (જ. 26 મે 1882; અ. 16 ઑગસ્ટ 1960) : બ્રિટનના રસાયણવિજ્ઞાની, શોધક અને લેખક. તેમના પ્રયાસોના પરિણામે વીસમી સદીમાં ફોટોગ્રાફીમાં ટૅકનિકલ પ્રગતિ થઈ શકી. વળી ફોટોગ્રાફીના ઇતિહાસના આલેખનમાં તથા તેના સિદ્ધાંતોના નિરૂપણમાં પણ તેમણે અગ્રગામી જેવું યોગદાન આપ્યું છે.
ન્યૂયૉર્કમાં રૉચેસ્ટર ખાતે આવેલી ઇસ્ટમૅન કોડાક કંપની સાથે તેઓ સંકળાયેલા હતા અને તેની સંશોધન-પ્રયોગશાળા તેઓ સંભાળતા હતા. પૅનક્રોમૅટિક એટલે કે એકસરખી ગ્રહણશીલતા ધરાવતી ફિલ્મ તથા લાઇટ-ફિલ્ટર વિકસાવવાનો યશ તેમને ફાળે જાય છે. સંશોધન માટે ઑર્ગેનિક રસાયણોના સંશ્લેષણની પ્રક્રિયા પણ તેમણે વિકસાવી. તેમણે લખેલાં અનેક પુસ્તકોમાં ‘ફોટોગ્રાફી ઑવ્ કલર્ડ ઑબ્જેક્ટ્સ’ (1909), ‘ધી ઑર્ગનિઝેશન ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ સાયન્ટિફિક રિસર્ચ’ (બીજી આવૃત્તિ, 1950), ‘ફોટોગ્રાફી’ (સંશોધિત આવૃત્તિ, 1942), ‘ધ પાથ્સ ઑવ્ સાયન્સ’ (1946) અને છબીકલાના ઇતિહાસ રૂપે ‘ફ્રૉમ ડ્રાય પ્લૅટ્સ ટૂ ઍક્ટાક્રૉમ ફિલ્મ’ (1961) મુખ્ય અને મહત્વનાં છે.
મહેશ ચોકસી