મીટનરિયમ : ઇરિડિયમને મળતું આવતું, અનુઍક્ટિનાઇડ (transactinide) શ્રેણી(પરમાણુક્રમાંક 104થી 112)નું રાસાયણિક તત્વ. સંજ્ઞા Mt; પ.ક્ર. 109; પરમાણુભાર 266. જી. મુન્ઝેનબર્ગ અને તેમના સહકાર્યકરોએ જી. એસ. આઇ. લૅબોરેટરી, ડર્મસ્ટેટ (જર્મની) ખાતે ‘શીત સંગલન’ (cold fusion) તરીકે ઓળખાતી તકનીક દ્વારા આ તત્વની શોધ કરી હતી.

ફર્મિયમ (100Fm) પછીનાં (અનુફર્મિયમ) તત્વો બનાવવા માટે બે પ્રકારની નાભિકીય પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. ઉષ્ણ સંગલન પ્રક્રિયાઓ (hot fusion reactions) તરીકે ઓળખાતી પ્રથમ પ્રકારની પ્રક્રિયાઓમાં ભારે (પ.ક્ર. Z = 92થી 98; 92U, 94Pu, 95Am, 96Cm, અથવા 98Cf) લક્ષ્યાંકો(targets)ના પ્રતાડન (bombardment) માટે પરમાણુક્રમાંક 5થી 10 (5B, 6C, 7N, 8O, અથવા 10Ne) ધરાવતા હલકા કણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ 106 ક્રમાંકના તત્વ સુધી અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય છે; પણ પરમાણુક્રમાંક વધતાં ઉદભવતું સંયુક્ત (compound) નાભિક એટલી બધી ઉત્તેજના-ઊર્જા (excitation energy) ધરાવે છે કે મોટાભાગના કણો ઇચ્છિત નીપજ-નાભિક (product nucleus) મળે તે અગાઉ બાષ્પીભવન પામે છે. આ પ્રશ્નના નિરાકરણ માટે દુબ્ના ખાતેના વૈજ્ઞાનિકોએ ‘શીત સંગલન’ (cold fusion) તરીકે ઓળખાતો એક ચાતુર્યભર્યો વૈકલ્પિક ઉપાય સૂચવ્યો. આ રીત એ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે કે લેડ (82Pb) અથવા બિસ્મથ (83Bi) જેવા નાભિકો સંવૃત (closed) નાભિકીય કવચ(shell)ને કારણે ઊંચી બંધન-ઊર્જા (binding energy) ધરાવતા હોય છે. જો આવા નાભિકોને મધ્યમસરનાં ભારે અને પોતે પણ સંવૃત નાભિકીય કવચની લગોલગ આવેલાં હોય તેવાં (દા.ત., 24Cr, 26Fe, અથવા 28Ni) અને કૂલૉમ અંતરાય(barrier)થી સહેજ વધુ ઊર્જા ધરાવતા નાભિકો વડે પ્રતાડિત કરવામાં આવે તો નીપજતા સંયુક્ત નાભિક ઘણી ઓછી ઉત્તેજના-ઊર્જા ધરાવતા મળે છે. આને કારણે અનિચ્છનીય વિખંડનની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે અને પૂરતા અનુકૂળ સંજોગોમાં તે અન્ય હલકા કણોના ઉત્સર્જનને બદલે ફક્ત ન્યુટ્રૉનનું ઉત્સર્જન કરે છે. Z > 106થી આગળનાં તત્ત્વો માટે આ રીત સફળ  નીવડી છે.

ડર્મસ્ટેટ જૂથે 1982માં 209Bi (58Fe, n) પ્રક્રિયા દ્વારા મીટનરિયમનો એક પરમાણુ બનતો જોયો. 209Bi અને 58Fe વચ્ચેની પ્રક્રિયા દ્વારા 299 MeVની પ્રતાડન-ઊર્જાએ આ પરમાણુ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. આ માટે બિસ્મથના પાતળા (0.5 મિગ્રા./સેમી2) સ્તરોને પ્રતાડિત કરવા 7 X 1017 આયનોનો ઉપયોગ કરી 250 કલાક વિકિરણન (irradition) કરવામાં આવ્યું હતું. દુબ્ના ખાતે વાય. ઑગનેશિયન અને તેમના સહકાર્યકરોએ 1984માં દસગણી વિકિરણન માત્રા વાપરી પ્રયોગ પુન: કરી જોયો અને તત્વની ક્ષયશૃંખલા(decay series)ના સાતમા સભ્ય 246Cfને રાસાયણિક રીતે અલગ પાડ્યો. આ રીતે 266109 અથવા 266Mtનો સમસ્થાનિક બન્યો હોવાનું પુરવાર કર્યું. જી. એસ. આઇ. સમૂહે 1988માં તત્વના વધુ બે પરમાણુઓ મેળવ્યા હતા.

આ સમસ્થાનિક α-ઉત્સર્જક છે અને તેનું અર્ધ આયુ (half–life) 3.4 મિ. સેકન્ડ છે.

જ. દા. તલાટી