મીંઢીઆવળ (સોનામુખી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia senna Linn. var. senna syn. C. acutifolia Delile, C. angustifolia Vahl.; C. obovata Baker (FIBrInd) in part (સં. ભૂમ્યાહલી, માર્કન્ડી, સનામતી; હિં. સોનામુખી, ભુંઈ ખખસા; બં. કાંકરોલભેદ; મ. ભુતરવડ; ગુ. મીંઢીઆવળ, સોનામુખી; ક. નેલદાવરોગિડ; તે. નેલતાંગેડી, નેલપોના; ત. નિલાવરે; મલય. નિલવાક; ફા. અ. સના. અં. ઇંડિયન સેના) છે. તે 60 સેમી. થી 75 સેમી. ઊંચી, નાની ક્ષુપસ્વરૂપ વનસ્પતિ છે અને સોમાલિયાલૅન્ડ અને અરબસ્તાનની સ્થાનિક (indigenous) જાતિ છે. તે દક્ષિણ ભારતમાં તિન્નેવલ્લી, મદુરા, ત્રિચિનોપલ્લી અને મૈસૂર જિલ્લાઓમાં વાવવામાં આવે છે. તેનાં પર્ણો યુગ્મ, એક પીંછાકાર (paripinnate), સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબી અને 0.5 સેમી.થી 1.5 સેમી. પહોળી, પીળાશ પડતી લીલી ભાલાકાર કે ઉપવલયાકાર  અને અરોમિલ (glabrous) હોય છે. પુષ્પો ચળકતા પીળા રંગનાં અને ટોચ ઉપર ઉન્નત કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેની શિંગો 3.5 સેમી. થી 7.0 સેમી. લાંબી અને લગભગ 2.0 સેમી. પહોળી, લીલાશ પડતી બદામીથી ઘેરી બદામી હોય છે, તે 5થી 7 ઘેરા બદામી, પ્રતિઅંડાકાર (obovate) અને લગભગ લીસાં બીજ ધરાવે છે.

મીંઢીઆવળ(Cassia angusifolia)ની પુષ્પ સહિતની શાખા

બૉમ્બે સેના, મક્કા સેના કે અરેબિયન સેના અરબસ્તાનમાં થતી વન્ય (wild) જાતનાં શુષ્ક પર્ણો છે. તેનાં પર્ણો તિન્નેવેલ્લી સેના કરતાં લાંબાં અને સાંકડાં હોય છે અને બદામીથી બદામી લીલાં હોય છે. બંને જાતની ચિકિત્સીય (therapeutic) ક્રિયાશીલતા સરખી છે.

ઍલેક્ઝાંડ્રિયન સેના આફ્રિકા અને સુદાનમાં થતી C. angustifolia Delile નામની જાતિની વન્ય વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. આ જાતિની પર્ણિકાઓ C. angustifolia કરતાં ટૂંકી અને વધારે સાંકડી હોય છે. તેની શિંગ વધારે નાની અને પહોળી હોય છે. બીજને ફરતે આવેલ ફલાવરણનો બદામી રંગનો ભાગ પણ C. angustifolia કરતાં ઓછો હોય છે. ઍલેક્ઝાંડ્રિયન પ્રકારમાં શિંગ પર પરાગવાહિનીના અંશ તિનેવલ્લી જેટલા સ્પષ્ટ હોતા નથી.

var. senna બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ નોંધપાત્ર વિભિન્નતાઓ ધરાવે છે. જોકે C. acutifolia અને C. angustifoliaનો કોષ-જનીનવિજ્ઞાનીય (cytogenetical) અભ્યાસ તેમનો અત્યંત ગાઢ સંબંધ દર્શાવે છે. તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાંથી C. angustifoliaના નામ હેઠળ તથા ઇજિપ્ત અને સુદાનમાંથી C. acutifoliaના નામ હેઠળ કૃષિ-ઉપજાતિઓ(cultivars)ની સુધારણા માટે સ્કંધ (stocks) એકત્રિત કરવામાં આવ્યા છે. આ બંને જાતિઓમાં સેનોસાઇડોનું પ્રમાણ જુદું જુદું હોય છે. C. angustifoliaના સ્કંધમાં સેનોસાઇડોનું પ્રમાણ (પર્ણો 2.0–2.5 %; શિંગો 2.5–3.0 %) C. acutifolia (પર્ણો 2.5–3.0 %; શિંગો 4.0–4.5 %) કરતાં ઓછું હોય છે. C. angustifolia ‘15/II’ સંવર્ધિત જાત લાંબી અને પહોળી શિંગો ધરાવે છે. આ શિંગોમાં સેનોસાઇડો 6.4 % હોય છે. તેની ‘19/V’ અને 17/XII સંવર્ધિત જાતો દરેક છોડ ઉપર અનુક્રમે 471 અને 541 શિંગો તથા 5.41 % અને 4.15 % સેનોસાઇડો ધરાવે છે. તે જ રીતે સુદાનથી પ્રાપ્ત કરેલી ‘EC 11072’ અને ‘EC 106777’ વિદેશી જાતોની શિંગોમાં સેનોસાઇડો ઉચ્ચ માત્રામાં હોવાથી તેમનો પ્રવેશ કરાવાયો છે. ‘EC 1206777’ અત્યંત આશાસ્પદ જાત છે; કારણ કે તેનાં તરુણ પર્ણો અને શિંગોમાં અનુક્રમે 6.93 % અને 11.92% સેનોસાઇડો હોય છે.

મીંઢીઆવળ દક્ષિણ ભારતમાં શુષ્ક ભૂમિમાં વાવવામાં આવે છે. કેટલીક વાર ડાંગરની લણણી કર્યા બાદ તેના ખેતરમાં અર્ધસિંચિત (semi-irrigated)  પાક તરીકે ઉગાડાય છે. ભારે સિંચાઈ તેને માટે નુકસાનકારક છે. વનસ્પતિને ખુલ્લો સૂર્યપ્રકાશ અને કેટલીક વાર ઝરમર વર્ષા (drizzle) જરૂરી હોય છે. સતત વર્ષાથી તેનાં પર્ણોની ગુણવત્તા બગડે છે. તેનાં બીજાવરણ સખત હોવાથી ઝડપી અંકુરણ પ્રેરવા બીજને મોટી રેતી સાથે ખરલમાં હળવેથી કૂટવામાં આવે છે. તેનો છોડ 3થી 5 માસનો થતાં પુષ્પો પ્રથમ વાર બેસે ત્યારે પુષ્પદંડોને કાપી લેવામાં આવે છે, જેથી પાર્શ્ર્વીય શાખાઓનો વિકાસ થાય. પર્ણો જાડાં અને ભૂરા રંગનાં પાકટ થાય ત્યારે ઉતારી લેવામાં આવે છે. બીજો ઉતારો મહિના બાદ લેવાય છે. ત્યારબાદ વનસ્પતિ પર પુષ્પનિર્માણની ક્રિયા બીજ પ્રાપ્ત કરવા થવા દેવામાં આવે છે. પર્ણોને છાંયડામાં સખત ભોંયતળિયા પર આચ્છાદન ન થાય તે રીતે 7થી 10 દિવસ માટે સૂકવવામાં આવે છે. એકસરખી સુકવણી કરવા માટે તેમને ઉપરતળે કરવામાં આવે છે. પર્ણો પૂરતાં સુકાય અને પીળાશ પડતો લીલો રંગ ધારણ કરે ત્યારે તેમનું શ્રેણીનિશ્ર્ચયન (grading) કરવામાં આવે છે અને દ્રવચાલિત (hydraulic) સંપીડન (compression) હેઠળ ગાંસડીઓ(bales)માં તેનું સુવેષ્ટન (packing) કરવામાં આવે છે. શુષ્ક ભૂમિ કરતાં ભેજવાળી ભૂમિનો સંસાધિત (cured) પર્ણોનો ઉતારો વધારે પ્રમાણમાં થાય છે.

મીંઢીઆવળ યુનાની ચિકિત્સાપદ્ધતિમાં જાણીતું ઔષધ છે. તેના ભારતીય ઔષધકોશ(India Pharmacopaea, I.P.)માં રેચક તરીકે સમાવેશ કરવામાં આવ્યાં છે. ભારતમાં ઔષધને ‘તિન્નેવેલ્લી સેના’ અને આરબ દેશોમાં ‘ઍલેક્ઝેન્ડ્રિયન સેના’ તરીકે ઓળખાવાય છે. તેનો આયુર્વેદિક અને ઍલૉપથીય ચિકિત્સાપદ્ધતિમાં તથા ઘરગથ્થુ ઔષધ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. શુષ્ક પર્ણો અને શિંગો ઔષધ બનાવવામાં વપરાય છે. શિંગો પર્ણ કરતાં તેમની ક્રિયામાં મંદ હોય છે. પુષ્પોમાં સેનોસાઇડોનું પ્રમાણ 2.6 % જેટલું હોય છે. કળણભૂમિ(wetland)માંથી એકત્રિત કરેલ ઔષધ વધારે કીમતી હોય છે. બૅંગાલુરુના વિસ્તારમાંથી પ્રાપ્ત કરેલ છોડના વિવિધ ભાગોમાં સેનોસાઇડોનું પ્રમાણ આ મુજબ હતું : વિવિધ અવસ્થાનાં પર્ણો 1.62–2.18 %, પ્રકાંડ 1.94 %, પુષ્પો 2.60 %, હાથે વીણેલી શિંગો 3.68 % અને કાળી શિંગો 2.59 % અને બીજ 0.220.39 %.

બે સક્રિય ઍન્થ્રેક્વિનૉન – સેનોસાઇડ A (C42H38O20, ગ. બિં. – 200-40° સે.) અને B (C42H38O20, ગ. બિં – 180-86° સે.) પર્ણો અને શિંગમાંથી પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત સેનોસાઇડ C (C42H40O19, ગ. બિં. – 197-205° સે.), D (C42H40O19, ગ. બિં. – 210-220° સે.), G (C42H38O20, ગ. બિં. – 162-76° સે.), III અને A1 પણ શોધાયાં છે. પર્ણોમાં ત્રણ સેનિડિનો પણ હોય છે.

પર્ણોમાં ભસ્મ 9.0–9.9 %, ઍસિડ-અદ્રાવ્ય ભસ્મ 0.2 %, બંધન (binding) ઍન્થ્રેક્વિનૉનો 2.04-2.54 %, સેનોસાઇડ A 0.545-0.65 % અને સેનોસાઇડ B 0.69-0.75 % હોય છે.

પુષ્પો અને પ્રકાંડમાં અનુક્રમે ભસ્મ 8.6 %, 7.6 %, ઍસિડ-અદ્રાવ્ય ભસ્મ 1.3 %, 0.3 %; બંધન ઍન્થ્રેક્વિનૉનો 2.84, 1.75; સેનોસાઇડ A 1.06, 0.53 અને સેનોસાઇડ B 1.10 %, 0.70 % હોય છે.

શિંગોમાં ભસ્મ 5.7 %, ઍસિડ-અદ્રાવ્ય ભસ્મ 0.2 %, બંધન ઍન્થ્રેક્વિનૉનો 2.76 %, સેનોસાઇડ A 0.98 અને સેનોસાઇડ B 1.33 % હોય છે.

પર્ણો, શિંગ અને મૂળમાં ર્હીઇન, ક્રાઇસોફેનૉલ, ઇમોડિન (ટ્રાઇઑક્સિમિથાઇલ ઍન્થ્રેક્વિનૉન) અને ઍલો.-ઇમોડિન હોય છે. ઍન્થ્રોનના કેટલાક મીનો-અનો ડાઇ-ગ્લુકોસાઇડો બીજાંકુરો, પર્ણો અને મૂળમાં હોય છે. પર્ણો કેથાર્ટિન, ર્હીઇન અને ઍલો-ઇમોડિનના 8-મોનો-β-D-ગ્લુકોસાઇડો તથા જલદ્રાવ્ય ગ્લાયકોસાઇડ ધરાવે છે; જે સહક્રિયાશીલ (synergistic) અસર દર્શાવવા માટે જવાબદાર હોવાનું મનાય છે. આઇસોર્હેમ્નેટિન, કૅમ્ફેરૉલ, પામિડિન A, તિન્નવેલિન ગ્લુકોસાઇડ, માયરિસીલ આલ્કોહૉલ, રેઇડિન A, ઍલો-ઇમોડિન, ડાઇઍન્થ્રોન અને ર્હીઅમ-ઇમોડિન ગ્લાયકોસાઇડની હાજરી પણ જણાઈ છે. પર્ણોમાંથી કેટલીક મુક્ત શર્કરાઓ અને લગભગ 7 % શ્લેષ્મ અલગ કરવામાં આવ્યો છે. શિંગમાંથી ક્રાઇસૉફેનૉલ, ર્હીઇન, ઍલો-ઇમોડિન અને 6-હાઇડ્રૉક્સિમ્યુસિઝીનના ગ્લુકોસાઇડો પ્રાપ્ત થયા છે. મૂળમાં ફાઇસીઑન, ફાઇસીઑનિન, ક્રાઇસોફેનેઇન અને સેનિડિન C હોય છે.

પર્ણોનો મિથેનૉલીય નિષ્કર્ષ Aspergillas niger અને A. flavus સામે ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે. પર્ણોનો ઍસિડીય પૉલિસૅકેરાઇડ અંશ નોંધપાત્ર કૅન્સરરોધી (antitumor) ક્રિયાશીલતા દાખવે છે. પર્ણો ટ્રિપ્સિન પ્રતિરોધક (inhibitory) સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. છોડનો ગરમ ગ્લિસરિનનો નિષ્કર્ષ ઍન્થ્રેક્વિનૉનોની હાજરીને કારણે હર્પીસ સિમ્પ્લેક્ષ વાઇરસ પ્રકાર-I સામે પ્રતિવિષાણુક (antiviral) સક્રિયતા દર્શાવે છે.

તેનું કેલસ સંવર્ધન અને અશોધિત આલ્કોહૉલીય નિષ્કર્ષ (50 %) ગ્રામ ધનાત્મક બૅક્ટેરિયા સામે જીવાણુરોધી પ્રક્રિયા દર્શાવે છે. તેના અને મેંદીનાં પર્ણોનો વાળ રંગવામાં ઉપયોગ થાય છે.

ફળોનો ઇથેનૉલીય નિષ્કર્ષ Aspergillus niger અને A. flavas સામે પ્રબળ Penicillium citrinum સામે અલ્પ ફૂગનાશક સક્રિયતા પ્રદર્શિત કરે છે.

પર્ણો અને શિંગોના જલદ્રાવ્ય નિષ્કર્ષો સેના પ્રવાહી નિષ્કર્ષ (senna fluid extract), યોગિક સેના ચૂર્ણ (compound senna powder), એન. એફ. સેના ફ્રૂટ, સેના સીરપ, યોગિક મધુયષ્ટિ (= જેઠીમધ) ચૂર્ણ અને સેના ગુટિકા (ફલાવરણના ચૂર્ણમાંથી બનાવાય છે) ભારતીય ઔષધકોશમાં અધિકૃત ઔષધો ગણાય છે. યુરોપમાં તેનાં પર્ણો ‘સેના ચા’ તરીકે વેચાય છે. હવે એક નવી પદ્ધતિ મુજબ તેમાં કોઈ પણ દ્રાવકનો ઉપયોગ થતો નથી અને દાણા પાડી શકાય છે. આ નીપજ લાંબા સમય સુધી સ્થાયી સ્વરૂપમાં સંગ્રહી શકાય છે.

આયુર્વેદિક અને યુનાની ઔષધ-પદ્ધતિઓમાં પર્ણો અને શિંગો(કવચો)નો ઉપયોગ આસવ તરીકે થાય છે અને તે બલ્ય (tonic) ગણાય છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ મીંઢીઆવળના ઉપયોગ પછી ધાવતું બાળક રેચક ગુણધર્મ પ્રાપ્ત કરે છે. ઔષધ સસ્તંભી (spastic) કબજિયાત અને બૃહત્ આંત્ર શોથ(colitis)માં નિષેધક ઉપચાર છે. મીંઢીઆવળ પ્રસંગોપાત્ત, કરવામાં આવતા ઉપયોગ માટે અને સ્વાભાવિક કબજિયાત માટે કાર્યક્ષમ વિરેચક છે. તે રુબાધ (Rheum emodi) પ્રકારની સ્તંભક (astringent) પ્રક્રિયાથી મુક્ત છે; પરંતુ આંત્રશૂળ((gripe)નું વલણ ધરાવે છે. તેથી તેનું વાતાનુલોમકો (Carminatives), સુવાસિતો (aromatics) અને અન્ય લવણયુક્ત મૃદુ રેચકો સાથે સંયોજિત કરવામાં આવે છે. તેની અણગમતી વાસ માટે આદું કે લવિંગ ઉમેરવામાં આવે છે.

એક ઉત્તમ મૃદુ વિરેચક ઉપરાંત સેનાનો જ્વરઘ્ન (febrifuge), બરોળ-અતિવૃદ્ધિ (splenomegaly), પાંડુતા, આંત્રજ્વર (typhoid), કૉલેરા, પિત્તદોષ (biliousness), કમળો, ગાંઠિયો વા (gout), આમવાત (rheumatism), અર્બુદ (tumour), દુર્ગંધિત શ્વાસ, શ્વસનીશોથ (bronchitis) અને કુષ્ઠરોગ(leprosy)માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ અમીબીય મરડાની ચિકિત્સામાં અને કૃમિનાશક (anthelmintic) તથા મંદ યકૃતોત્તેજક (mild liver stimulant) તરીકે થાય છે. મીંઢીઆવળનાં પર્ણોનો અવલેહ (confection) હરસની ચિકિત્સામાં વપરાય છે. તે ત્વચાના કેટલાક રોગોમાં અને વ્રણ તથા દાઝેલા ભાગો પર લગાડવામાં આવે છે. જોકે કેટલીક સંવેદનશીલ વ્યક્તિઓમાં તે ઉગ્ર અને પીડાકારી ત્વચાશોથ (dermatitis) ઉત્પન્ન કરે છે.

અપમિશ્રકો (adulterants) અને પ્રતિસ્થાપકો (substitutes) : તિન્નેવેલ્લી સેના સાથે સામાન્યત: અપમિશ્રણ થતું નથી. જોકે હાલમાં જાણવા મળ્યું છે કે તેની આવળ (C. auriculata) સાથે મિલાવટ થાય છે. મીંઢીઆવળના અરેબિયન નમૂનાઓમાં આવળ, C. italica, C. montana અને C. holosericiaના પ્રકાંડ, પર્ણિકાઓ, શિંગો, મધ્યશિરાઓ અને તેમના કચરાની ભેળસેળ થાય છે. કુંવાડિયા(C. tora)નાં પરિપક્વ પર્ણોનો કેટલીક વાર અપમિશ્રક તરીકે ઉપયોગ થાય છે. અન્ય અપમિશ્રકોમાં અરડૂસો (Ailanthus altissima), Colutea arborescens અને Globularia alypumનો સમાવેશ થાય છે. વ્યાપારિક નમૂનાઓમાં Coriaria myrtifolia, Solenostemma argel, Tephroisia apollinea અને સરપંખા(T. purpurea)ની પર્ણિકાઓ મિશ્ર કરવામાં આવે છે. તે ઝેરી હોવાનું જણાયું છે. અરેબિયન ઉદભવ ધરાવતી મીંઢીઆવળની શિંગોને બદલે પ્રતિસ્થાપક તરીકે ગરમાળો (C. fitula), C. grandis, C. italica અને C. moschataનો ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર તે તીખી, કડવી, અગ્નિદીપક, મૃદુ, રેચક, ઉત્તમ રક્તશોધક અને દેહશોધક છે અને આનાહ, ઉદરરોગ, કરોળિયા, ગુલ્મ, કૃમિ, આમ, સોજો, જ્વર, કોઢ, વાયુ, આમશૂળ, વિષ, દુર્ગંધ અને ઉધરસનો નાશ કરનાર છે. તેનાં મૂળ તૂરાં, અગ્નિદીપક, વર્ણકર અને પાકકાળે સ્વાદુ છે અને કૃમિ, કોઢ, યકૃત, ધાતુક્ષય અને વાયુનો નાશ કરનાર છે. તેનાં પુષ્પો કાંતિકર અને મોહનાશક છે. તેનાં કુમળાં ફળ તૂરાં, રુચિકર અને દુર્જર હોય છે અને ઊલટી, કૃમિ, તૃષા, મેહ અને નેત્રરોગનો નાશ કરે છે. બીજ મધુમેહ, રક્તાતિસાર અને વિષનો નાશ કરે છે. પેટમાં ચૂંક ન આવે તે માટે સૂંઠ, સુવા કે સંચળ સાથે તે લેવામાં આવે છે. તે જૂની કબજિયાત દૂર કરે છે અને હરસમાં ઉપયોગી છે. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ બનાવવા મીંઢીઆવળ 170 ગ્રા.; જેઠીમધ 58 ગ્રા.; વરિયાળી 58 ગ્રા.; શુદ્ધ અમલસારો ગંધક 58 ગ્રા. અને સાકર 350 ગ્રા. લેવામાં આવે છે અને આ સર્વે વસ્તુઓને અલગ અલગ ખાંડીને કપડાથી ગાળી લેવામાં આવે છે. પછી ગંધક અને મીંઢીઆવળના ચૂર્ણને ઘૂંટીને બાકીનાં ચૂર્ણ એક પછી એક ઉમેરવામાં આવે છે અને બધી વસ્તુઓ મળી જાય ત્યાં સુધી ઘૂંટવામાં આવે છે. આ ચૂર્ણ રાત્રે 3.0થી 6.0 ગ્રા. જેટલું નવશેકા પાણી સાથે લેવાથી લોહીવિકાર, હરસ, કબજિયાત, મરડો, ખસ, ખોટી ગરમી વગેરે રોગો મટે છે. થોડી માત્રામાં પાચનક્રિયા સુધારી મળ સાફ લાવે છે. વધારે માત્રામાં લેવાથી મરડો થાય છે. મીંઢીઆવળની મુખ્ય ક્રિયા નાના આંતરડામાં થાય છે. યકૃતને પણ કાંઈક ઉત્તેજના આપે છે.

આ ઉપરાંત તેનો ઉપયોગ કાનનો દુખાવો, દાદર, પરસેવો વધારે આવતો હોય તે ઉપર; ગર્ભધારણ માટે; પાંડુરોગ, સર્પદંશ, અતિસાર, સ્તનરોગ અને કષ્ટસાધ્ય ત્વગ્દોષ ઉપર થાય છે.

रुक्षोष्णं शोधनी वाढं वातश्लेष्मविरोधिनी ।

शस्तां सनामकी नाम मनाक् पीततनुच्छदा ।।

मार्कण्डिवा कुष्ठहरी ऊर्ध्वाधः कायशोधिनी ।

वातरुक्कृमिकासघ्नी गुलमोदर विनाशिनी ।।

                                  નિઘંટુ સંગ્રહ

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ