મુકરી, મોહમ્મદ ઉમર (જ. 5 જાન્યુઆરી 1922, અલીબાગ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 4 નવેમ્બર 2000, મુંબઈ) : હિંદી ફિલ્મોના સફળ હાસ્યઅભિનેતા. બોરીબંદર ખાતેની અંજુમને ઇસ્લામ સ્કૂલમાં અભિનેતા દિલીપકુમાર સાથે અભ્યાસ.

અભિનયક્ષેત્રે પ્રવેશતાં પહેલાં તેમણે બૉમ્બે ટૉકિઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને અહીં જ તેમની મુસ્કાન અને દોઢ ફૂટની કાયા દેવિકારાણીના હૃદયમાં વસી ગઈ. ત્યારથી તેમની સફળ અભિનય-કારકિર્દીનો પ્રારંભ થયો.

1941માં ફિલ્મ ‘નાદાન’થી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો તેમને દિલીપકુમાર સાથે ચિત્ર ‘પ્રતિમા’માં અભિનયનો મોકો અને તેથી તેઓ ખ્યાતિ પામ્યા. હાસ્યકલાકાર કોઈ ને કોઈ વિશેષતા લઈને જન્મે છે એમ મુકરીનું નાનું કદ જ તેમની વિશેષતા બની રહી ! પડદા પર સરળતા અને સ્વાભાવિકતાથી હાસ્ય જન્માવી શકવાની તેમની પાસે વિશિષ્ટ આવડત અને શૈલી હતી.

ફિલ્મ ‘શરાબી’માં તેમને જોઈને અમિતાભ બચ્ચન દ્વારા ઉચ્ચારાયેલ સંવાદ ‘મૂછેં હોં તો નથ્થૂલાલ જૈસી’ પ્રચલિત બની ગયો હતો. તેમણે ઘરનોકરથી માંડીને વકીલ સુધીની વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મ ‘મેરા સાયા’, ધુમાલ સાથે તેમણે ભજવેલી સુનીલ દત્તના મિત્રની તેમની ભૂમિકા યાદગાર નીવડી હતી.

તેમને આગા, જાનકીદાસ, જૉની વૉકર, મહેમૂદ, ધુમાલ વગેરે અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી. મહેબૂબખાન, હૃષીકેશ મુખર્જી, પ્રકાશ મેહરા, રામાનંદ સાગર, રાજ ખોસલા, મનમોહન દેસાઈ અને રાજ કપૂર જેવા દિગ્દર્શકો તેમજ 3 પેઢીના લગભગ બધા જ નામી કલાકારો સાથે તેમણે કામ કર્યું અને નામના મેળવી.

તેમણે નાની-મોટી કુલ 600 ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તેમાંથી ‘આન’, ‘મધર ઇન્ડિયા’, ‘અનોખા પ્યાર’, ‘કોહિનૂર’, ‘રામ ઔર શ્યામ’, ‘અનોખી રાત’, ‘અમર, અકબર, ઍન્થની’, ‘રાજા ઔર રંક’, ‘મેરા સાયા’, ‘આંખેં’, ‘શરાબી’, ‘કાલા પાની’ અને ‘હિમાલય કી ગોદ મેં’ ઉલ્લેખપાત્ર છે.

બળદેવભાઈ કનીજિયા