મીંઢળ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Randia spinosa Poir. syn. R. dumetorum Poir; R. brandisii Gamble; R. longispina wight & Arn.; Xeromorphis spinosa Keay (સં. મદનફલ, પિણ્ડીતક, કરહાટ, રાઠ; હિં. મૈનફલ, કરહર; મ. મેણફળ, મદન; બં. મયનાકાંટા; પં. મેણફલ; તે. મંગ, મ્રંગ; મલા. માંગાકાયી; તા. પુંગારે; ક. મંગારે; અ. જોજુર્લ્ક; અં. કૉમન ઇમેટિક નટ, બુશી ગાર્ડિનિયા) છે. તે પર્ણપાતી (deciduous), કાંટાળું, 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેનો ઘેરાવો લગભગ 90 સેમી. જેટલો હોય છે. મુખ્ય થડની ઊંચાઈ 2–3 મી.ની હોય છે. તે સમગ્ર ભારતમાં 1,350 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં જોવા મળે છે. તેની છાલ ઘેરી બદામી કે ભૂખરી ખરબચડી અને શલ્કી (scaly) હોય છે. પર્ણો સાદાં, સમ્મુખ, ઉપપર્ણીય (stipulate), પ્રતિઅંડાકાર (obovate), 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબાં અને 1.0થી 2.5 સેમી. પહોળાં હોય છે. પર્ણો શિયાળામાં ખરી પડે છે, અને ચોમાસાની શરૂઆતમાં નવાં આવે છે. પુષ્પો શરૂઆતમાં સફેદ અને પછી પીળા રંગનાં બને છે અને સુવાસિત હોય છે. ફળ અનષ્ઠિલ, પાકે ત્યારે પીળા રંગનું અને 3.0 સેમી.થી 3.7 સેમી. લાંબું, ગોળાકાર અથવા પહોળું અંડાકાર અને લીસું કે ભાગ્યે જ ઊભી ખાંચોવાળું હોય છે, બીજ અસંખ્ય, ચપટાં, 4 મિમી. જેટલાં લાંબાં અને કોણીય (angular) હોય છે.

મીંઢળ(Randia spinosa)ની પુષ્પિત શાખા

મીંઢળ ઉપ-હિમાલયી પ્રદેશોમાં અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સાલનાં જંગલોમાં ઝાડીઝાંખરાં (undergrowth) રૂપે થાય છે. તે શુષ્કતા-સહિષ્ણુ (drought-hardy) છે અને મૂલ-અંત:ભૂસ્તારી (root sucker) દ્વારા પ્રસર્જન કરે છે.

તેનું કાષ્ઠ સફેદથી માંડી આછું બદામી રંગનું હોય છે અને અસ્પષ્ટ અંત:કાષ્ઠ (heart wood) ધરાવે છે. તે સુરેખ-દાણાદાર (straight-grained), અતિ સૂક્ષ્મ અને સમ-ગઠનવાળું (even-textured), મધ્યમસરનું ટકાઉ અને મધ્યમસર ભારે (વિ. ગુ. 0.75; વજન 769 કિગ્રા./ઘમી.) હોય છે. પ્રકાષ્ઠ-સંશોષણ (timber-seasoning) દરમિયાન તે છેડાએથી ચિરાય છે. તે સરળતાથી વહેરી શકાય છે. તેનો ઉપયોગ ચાલવાની લાકડીઓ, છત્રીઓના હાથા અને હળ બનાવવામાં થાય છે. તે કૉટન-રીલ, નાનાં બૉબિન, ગણિતનાં સાધનો અને કાપડ-છાપકામ માટેના બ્લૉક બનાવવામાં ઉપયોગી છે. તે મધ્યમસરનું સારું બળતણ પણ છે. તેનું ઉષ્મીયમાન (calorific value) 4787 કે., 8617 બી.ટી.યુ. (બ્રિટિશ થર્મલ યુનિટ) છે.

શુષ્ક વજનને આધારે કાષ્ઠનું વિભંજક નિસ્યંદન (destructive distillation) કરતાં કોલસો 30 %, ડામર 10.8 %, પાયરોલિગ્નિયસ ઍસિડ 40.2 % (ઍસિડ 5.4 %, ઍસ્ટર 5.0 %, ઍસિટોન 3.7 અને મિથેનૉલ 1.0 %); ડામર (pitch) અને હાનિ (loss) 1.7 % અને વાયુ 17.0 % ઉત્પન્ન થાય છે.

ફળ ઠંડી ઋતુમાં પાકે છે. તે ભૂંજીને કે રાંધીને ખવાય છે. ભૂંજેલાં ફળોનો સ્વાદ બદામ જેવો હોય છે. તેમાં ટેનિન દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં હોવાથી ફળ અતિશય ઉત્તેકષાયક (astringent) સ્વાદ ધરાવે છે અને તેથી લાંબા સમય સુધી રાંધવાની જરૂરિયાત પડે છે. લીલા ફળના બહારના અને અંદરના ગરનું રાસાયણિક બંધારણ અનુક્રમે આ પ્રમાણે છે : પાણી 74.1 %, 71.4 %; ઈથર નિષ્કર્ષ 0.2 %, 0.1 %; પ્રોટીન 0.9 %, 0.7 %; શર્કરાઓ, અલ્પ 5.5 %; અન્ય દ્રાવ્ય કાર્બોદિતો 17.7 %, 6.7 %; અશુદ્ધ રેસા 4.4 %, 9.5 %; ઍસિડ (સાઇટ્રિક ઍસિડ) 0.3 %, 0.5 % અને ટેનિન 1.6 %, 5.0 %. ગરમાં પૅક્ટિન, શ્લેષ્મ અને ટાર્ટરિક ઍસિડ પણ હોય છે.

ફળ ઘણા ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. ફળના ગરને સૂકવીને ચૂર્ણ બનાવવામાં આવે છે. તે વમનકારી (emetic) છે અને આઇપેકેક્યુએન્હા(Cephaelis ipecacuanha)ની અવેજીમાં વાપરવામાં આવે છે. તે અલ્પ માત્રામાં વમનકારી (nauseant), કફોત્સારક (expectorant) અને પ્રસ્વેદક (diaphoretic) છે. તે કૃમિઘ્ન (anthalmintic) અને ગર્ભપાત-પ્રેરક (abortifacient) ગુણધર્મો ધરાવે છે. ફળ ચેતા-પ્રશાંતક (nervine calmative) અને પ્રતિઉદ્વેષ્ટિ (antispasmodic) તરીકે ઉપયોગી છે. નાનાં બાળકોને દાંત આવતા હોય ત્યારે દુખાવા માટેનો તે ઘરગથ્થુ ઉપચાર ગણાય છે. કાચાં ફળો અને મૂળ ‘મત્સ્ય વિષ’ તરીકે ઉપયોગી છે. અનાજના પરિરક્ષણ (preservation) માટે તેનો કીટનાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં કાચાં ફળો સાબુ તરીકે વપરાય છે.

ફળનો મિથેનૉલીય નિષ્કર્ષ સેપોનિનો 3-O-[O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→4)-O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→3)-(β-D-ગ્લુકોપાયરેનોસીલ)]-ઑલીએનૉલિક ઍસિડ, 3-O-[O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→2)-(β-D-ગ્લુકોપાયરેનોસીલ]-ઑલીએનૉલિક ઍસિડ અને 3-O-[O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→3)-(β-D-ગ્લુકોપાયરેનોસીલ)-(1→3)-β-D-ગ્લુકોપાયરેનોસીલ)-ઑલીએનૉલિક ઍસિડ ધરાવે છે. તે પાત્રે (in vitro) લસિકાકણો(lymphocytes)માં વિપુલોદભવન (proliferation)ની ક્રિયાને ઉત્તેજે છે.

અન્ય સેપોનિનોમાં (3-O[O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→6)-O-β-D-ગ્લુકોપાયરેનોસીલ-(1→3)-(β-D-ગ્લુકોપાયરેનોસીલ)]-ઓલીએનૉલીક ઍસિડ અને 3-O-(β-D-ગ્લુકોપાયરેનોસીલ)-ઓલીએનૉલિક ઍસિડનો સમાવેશ થાય છે.

નિષ્કર્ષ રક્તસંલાયી (haemolytic), મૃદુકાયનાશક (molluscicidal) અને પ્રતિરક્ષાવિજ્ઞાનીય (immunological) સક્રિયતા દર્શાવે છે. શ્રીલંકાનાં ફળ રક્તસંલાયી સેપોનિન, રેન્ડિયેનિન (C42H68O13, ગ. બિં. 290–295° સે.) ઉત્પન્ન કરે છે.

લિપિડરહિત ફળોનો ગર ઉંદરોના કેન્દ્રસ્થ ચેતાતંત્ર (central nervous system, CNS) પર અવસાદક (depressant) અસર ઉત્પન્ન કરે છે અને પેન્ટોબાર્બિટોનની નિદ્રાકારી (hypnotic) અસર શક્ય બનાવે છે. તે દેડકાના હૃદય પર અવસાદક અને આંતરડા પર શિથિલક (relaxant) અસર ઉત્પન્ન કરે છે તથા ઍસિટાઇલ કોલાઈનની અસરનો વિરોધ કરે છે. આ અસરો ક્ષણિક (transitory) હોય છે.

બીજ ઑલિએનૉલિક ઍસિડ 3-ગ્લુકોસાઇડ ધરાવે છે તે ઉંદરોમાં શોથ(inflammation)ની સ્રાવી (exudative) અને વિપુલોદભવી (proliferative) અવસ્થાઓમાં સંધિશોથરોધી (anti-arthritic) સક્રિયતા દર્શાવે છે. બીજમાં લિપિડ પીળાશ પડતા લીલા રંગની અને માખણ જેવી ઘટ્ટ હોય છે. બીજ ક્ષુધાપ્રેરક (stomachic) હોય છે.

છાલમાં કુમેરિન ગ્લાયકોસાઇડ, 7-O-[β-D-એપિયોફ્યુરેનોસીલ-(1→6)-β-D-ગ્લુકોપાયરેનોસીલ]-6-મિથૉક્સિ કુમેરિન, 7-O-(β-D-ગ્લુકોપાયરેનોસીલ)-6-મિથૉક્સિ કુમેરિન અને રેન્ડિયૉલ હોય છે. છાલમાં સ્કોપોલેટિન, d-મેનિટૉલ અને સેપોનિનનું મિશ્રણ હોય છે. સેપોનિનના જલાપઘટનથી ગ્લુકોઝ, ઝાયલોઝ, ર્હેમ્નોઝ અને બે ટ્રાઇટર્પીનિક ઍસિડ, સેપોજેનિન (રેન્ડિયેલિક ઍસિડ A [19(α)-હાઇડ્રોક્સિઉર્સોલિક ઍસિડ (C30H48O4); મિથાઇલ ઍસ્ટર (ગ.બિં. 200–202° સે.)] અને રેન્ડિયલેકિ ઍસિડ B [19-ડીહાઇડ્રોઉર્સોલિક ઍસિડ (C30H46O3; ગ.બિં. 256–257° સે.)] ઉત્પન્ન થાય છે.

છાલ સ્તંભક (astringent) છે અને અતિસાર (diarrhoea) અને મરડામાં આપવામાં આવે છે. છાલનો આસવ (infusion) વમનકારી (emetic) છે. તે ગર્ભપાતપ્રેરક છે. તેનો મલમ આમવાત (rheumatism), ઉઝરડા અને તાવ દરમિયાન અસ્થિના દુ:ખાવામાં ઉપયોગી છે. તે શામક (Sedative), ચેતાબળવર્ધક (nervine) અને વાતાનુલોમક (carmnative) છે.

આયુર્વેદ અનુસાર તે તીખું, કડવું, ઉષ્ણ, મધુર, લેખન, લઘુ, રુક્ષ, ઊલટી કરનારું, કડવું અને બસ્તિના કામ માટે ઉત્તમ અને હિતકારક છે અને કફ, વાયુ, વ્રણ, શોથ, આનાહ, આફરો, સોજો, વિદ્રધિ, વિષ, ગુલ્મ, સળેખમ, કોઢ, અર્શ અને તાવનો નાશ કરનાર છે.

તેનો ઉપયોગ પેટના શૂળ ઉપર, પિત્ત પડવા માટે, શીઘ્ર પ્રસૂતિ થવા માટે, કફવાત ઉપર, ગડગૂમડ અને રતવા ઉપર, જૂ મારવા માટે, સ્તનરોગ ઉપર અને ઊલટી કરાવી કફ પાડવા માટે થાય છે. રક્તપિત્તના રોગમાં ઝાડા કે પેશાબ વાટે લોહી જતું હોય તો તેનાં બીજ ઉકાળી લીધેલા દૂધમાં રાબ પકાવીને દર્દીને ખવડાવવામાં આવે છે.

मदनो मधुरः तिक्तः वीर्योष्णो लेखनो लघुः ।

वान्तिकृत् विद्रधिहरः प्रतिश्यायव्रणान्तकः ।।

रुक्षः कुष्ठकालानाह शोथगुल्मव्रणापहः ।।

                                 ભાવપ્રકાશ

આ ઔષધની સક્રિયતા સેપોનિનની હાજરીને કારણે છે, જે તાજાં ફળોમાં 2 %થી 3 % જેટલું અને સૂકવેલાં આખાં ફળોમાં 10 % જેટલું પ્રમાણ હોય છે. ફળના ગરમાંથી રેન્ડિયા કે તટસ્થ સેપોનિન અને રૅન્ડિયા ઍસિડ કે ઍસિડ સેપોનિનનું અલગીકરણ કરવામાં આવ્યું છે. ઉર્સોસેપોનિન સૂકા ફળના ઈથેનોલીય નિષ્કર્ષ દ્વારા પ્રાપ્ત થયેલું નવું સેપોનિન છે. આ ઉપરાંત, ફળમાં ટ્રાઇટર્પીન, ઍસિડ-રાળ અને અલ્પ પ્રમાણમાં આછા પીળા રંગનું બાષ્પશીલ તેલ મળી આવ્યું છે. ફળના નિષ્કર્ષ અને મૂળ કીટનાશક (insecticidal) અને કીટ-પ્રતિકર્ષી (inset-repellent) ગુણધર્મો ધરાવે છે. મૂળનો 10 % જલીય નિષ્કર્ષનો કૉફી પર થતા લીલા-શલ્ક (Coccus viridis Gr.) પર છંટકાવ કરતાં 4 દિવસમાં 80 % જેટલી મરણાધીનતા (mortality) નોંધાઈ છે.

ફળનો ઉપયોગ રંગ-તીવ્રક (colour intensifier) તરીકે કાપડના રંગાટ-કામમાં થાય છે. ચીનમાં તેનો ઉપયોગ પીળો રંગ ઉત્પન્ન કરવા માટે થાય છે.

ઉત્તરપ્રદેશ, આસામ અને મહારાષ્ટ્રમાં તેનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોનું (શુષ્ક વજનના આધારે) રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : ઈથર-નિષ્કર્ષ 5.7 %; પ્રોટીન 3.9 %; કાર્બોદિતો 70.0 %; રેસા 11.0 %; ભસ્મ 8.5 %; કૅલ્શિયમ 2.8 %; ફૉસ્ફરસ 0.04 % અને લોહ 0.5 %.

પુષ્પમાં દિકામાલીના તેલ જેવી સુગંધી ધરાવતું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો અત્તર બનાવવામાં ઉપયોગ થતો નથી. પુષ્પોમાંથી મેળવેલું મધ સોનેરી પીળા રંગનું હોય છે અને પશ્ચિમ ઘાટમાંથી મેળવાતા મધમાંથી પ્રતિવર્ષ 25 % જેટલું મધ તેનાં પુષ્પોમાંથી મેળવવામાં આવે છે.

મીંઢળની જાતિ બહુસ્વરૂપી (polymorphic) છે. તેનાં ત્રણ સ્વરૂપો ભારતમાં થાય છે : (i) R. dumetorum sensu stricto – તે આંધ્રપ્રદેશ અને ચેન્નાઈના પૂર્વીય દરિયાકિનારાના જિલ્લાઓમાં અને ડેક્કનના ભાગોમાં વિતરણ પામેલી છે. (ii) R. longispina Wight & Arn – તે ઉત્તર ભારતમાં કુમાઉંથી આસામ સુધી અને દક્ષિણમાં વિશાખાપટ્ણમની ટેકરીઓ સુધી જોવા મળે છે. (iii) R. brandisii Gamble – તે દક્ષિણ ભારત, ખાસ કરીને પશ્ચિમી ભાગોમાં વિતરણ પામેલી છે.

મીંઢળની બીજી જાણીતી જાતિઓમાં Randia uliginosa DC. (ગુ. ગાંગડ); R. candollena Wight & Arn. (તે. કોંડા/મંગ); R. cochinchinensis Merrill syn. R. densiflora Benth (ખાસી – ડિયેન્ગ – ઇઓન્ગબ્લેઈ); R. fasciculata DC. (આસામ – પુલિકૈન્ટ); R. longiflora Lam. (આસામ – પુલિકૈન્ટ, બોરોકિયામ્કોશ) અને R. mala barica Lam.(તે. પેડાલ્લી)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ

ભાલચન્દ્ર હાથી