મિહિરકુલ : હૂણ જાતિનો ઉત્તર ભારતનો શૈવધર્મી રાજા. ગુપ્ત સામ્રાજ્યની શક્તિ શિથિલ થતાં, ઈરાનમાં સત્તારૂઢ થયેલા હૂણોએ ભારતમાં મધ્યપ્રદેશ સુધી પોતાની સત્તા પ્રસારી. આ હૂણોનો અગ્રણી હતો મહારાજાધિરાજ તોરમાણ (લગભગ ઈ. સ. 510). તોરમાણ પછી એનો પુત્ર મિહિરકુલ ગાદીએ આવ્યો. (લગભગ ઈ. સ. 515) એની રાજધાની શાકલ(સિયાલકોટ)માં હતી. એ કાશ્મીર તથા ગંધાર પર સત્તા ધરાવતો. સમય જતાં એણે સિંધુ નદીની પૂર્વે પણ પોતાની આણ પ્રસારી. મિહિરકુલ પરમ માહેશ્વર હતો. એણે ભારતના ઘણા પ્રદેશો પર પોતાની સત્તા ફેલાવી. મગધના ગુપ્ત રાજ્ય પર પણ પોતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું; પરંતુ ઈ. સ. 530ના અરસામાં મંદસોરના પ્રતાપી રાજા યશોધર્માએ મિહિરકુલનો પરાભવ કર્યો.

મિહિરકુલ શરૂઆતમાં બૌદ્ધ ધર્મ તરફ અનુરાગ ધરાવતો, પરંતુ આગળ જતાં એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પર અત્યાચાર કરવા લાગ્યો. મગધપતિ બાલાદિત્યને આથી મિહિરકુલ સાથે સંઘર્ષ થયો. મિહિરકુલે મગધ રાજ્ય પર આક્રમણ કર્યું. બાલાદિત્ય પોતાની સેના સાથે એક દ્વીપમાં ભરાયો, ત્યાં તેનો પીછો કરતાં મિહિરકુલને બાલાદિત્યના સૈનિકોએ ઘેરી લીધો. કેદ થયેલા મિહિરકુલને બાલાદિત્યે પોતાની માતાની વિનવણીથી મુક્ત કર્યો. દરમિયાન મિહિરકુલના નાના ભાઈએ એનું સિંહાસન કબજે કરી દીધું. આથી મિહિરકુલ કાશ્મીર જઈ ત્યાંના રાજાનો વધ કરી ત્યાં સત્તારૂઢ થયો. આગળ જતાં એણે ગંધારના રાજાને પણ મારી નાખી ત્યાંના સ્તૂપો તથા સંઘારામોનો વિનાશ કર્યો. એ પછી એક વર્ષમાં એ મૃત્યુ પામ્યો. મિહિરકુલના મૃત્યુ પછી ભારતમાં હૂણ રાજાઓની સત્તાનો અસ્ત થયો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી