મિંગ વંશ : ચીનમાં ઈ. સ. 1368થી 1644 સુધી રાજ્ય કરનાર વંશ. ચીનમાં મોંગોલોના યુઆન વંશને ઉથલાવીને ચુ યુઆન ચાંગે ઈ. સ. 1368માં મિંગ વંશની સ્થાપના કરી. તેના પાટનગર પેકિંગમાંથી મોંગોલોને ભગાડી તેણે સમગ્ર દેશનો કબજો લઈને મિંગ વંશની સ્થાપના કરી. ઈ. સ. 1371 સુધીમાં તો તેણે સમગ્ર ચીનમાંથી મોંગોલોને દૂર કર્યા. તેણે ચીન પર પોતાનું એકચક્રી શાસન સ્થાપ્યું.

તેણે મિંગ-વિરોધી ગુપ્ત મંડળોનો નાશ કર્યો અને તેના સભ્યોની કતલ કરી. નવા કાનૂનોનો અમલ કડક રીતે કરીને દેશના સંરક્ષણને મજબૂત બનાવ્યું. નાનકિંગ મધ્યમાં આવતું હોવાથી પેકિંગથી રાજધાનીનું સ્થળાંતર નાનકિંગમાં કર્યું.

ચુંગ-લો મિંગ વંશનો બીજો શક્તિશાળી શાસક હતો. તેણે તિબેટ, સિયાલ, જાવા અને બંગાળ સુધી પોતાનાં પ્રતિનિધિ-મંડળો મોકલ્યાં હતાં. તેણે નાનકિંગને બદલે પેકિંગને રાજધાની બનાવી. 1433માં ચીની સમ્રાટે 11 વિદેશી રાજદૂતોને પેકિંગમાં આવકાર્યા હતા, જે ચીનમાં 1436 સુધી રહ્યા હતા.

મિંગ વંશના શાસકો ચીની રાજ્યવ્યવસ્થાને સ્થિર કરી શક્યા નહિ. તેઓ નબળા શાસક સાબિત થયા. તેમના શાસનકાળ દરમિયાન જાપાન સહિત વિદેશીઓના હુમલા તીવ્ર બન્યા; જેમાં તૈમૂર લંગનું આક્રમણ વિનાશક હતું. આવી યુદ્ધજન્ય પરિસ્થિતિમાં આ વંશ નબળો પડી ગયો. છેલ્લા મિંગ સમ્રાટે આત્મહત્યા કરતાં મંચુઓ ચીનમાં સત્તા ગ્રહણ કરવામાં સફળ થયા.

આવી સ્થિતિમાં વેપાર કરવા આવેલી પાશ્ચાત્ય પ્રજાઓ ચીનનાં વ્યૂહાત્મક સ્થાનો કબજે કરવામાં સફળ થઈ. 1514માં પૉર્ટુગીઝો ચીનના દરિયાકિનારે આવ્યા અને મકાઓ તથા અમોયનો કબજો લીધો. 1622માં વલંદાઓ ફૉર્મોસામાં પ્રવેશ્યા. ત્યારબાદ પેસ્કાડોર પણ કબજે કર્યું. 1637માં પાંચ બ્રિટિશ જહાજો પણ કૅન્ટોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં. ચીનના ખંડિયા રાજ્ય કોરિયા પર જાપાન આધિપત્ય સ્થાપવામાં સફળ થયું અને 1636માં મંચુરિયા સ્વતંત્ર થઈ ગયું.

મિંગ શાસન દરમિયાન ચીની સંસ્કૃતિની પુન:સ્થાપનાના પ્રયત્નો ચાલુ રહ્યા; ઉપરાંત ધોરીમાર્ગો, પુલો, મંદિરો, સ્તૂપો, બગીચાઓ વગેરે બનાવાયાં. 432 નગરોની કિલ્લેબંધી કરાઈ. યાંગત્સે નદીમાંથી વિશાળ નહેર કાઢીને છેક પેકિંગ સુધીનો જળમાર્ગ તૈયાર કરવામાં આવ્યો. સનંદી અને લશ્કરી અધિકારીઓની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા લઈને કરવાનો પ્રારંભ થયો. પરિણામે 1469 સુધીમાં એક લાખ સનંદી અધિકારીઓ તથા 80,000 લશ્કરી અફસરો તૈયાર થઈ શક્યા. વહીવટી તંત્રનો સામંતશાહી ઢાંચો તો યથાવત્ જ રહ્યો. પરિણામે ઉમરાવશાહી સત્તા સમાંતર ચાલી.

મિંગ વંશનો સ્થાપક બૌદ્ધ સાધુ હોવાથી તેણે બૌદ્ધ ધર્મને રાજ્યધર્મ તરીકે જાહેર કર્યો. તદુપરાંત સમ્રાટ ચિઆં-ચિંગે (1522–66) તાઓ ધર્મને ઉત્તેજન આપ્યું. આમ છતાં બૌદ્ધ ધર્મનાં મંદિરો પાછળ રાજ્યે અઢળક ખર્ચ કર્યો હતો.

મિંગ વંશ દરમિયાન ચીન સાથે ભારતને સારા સંબંધો રહ્યા. મિંગ વંશ દરમિયાન કેટલીક નોંધપાત્ર સાંસ્કૃતિક પ્રગતિ થઈ. ઈ. સ. 1407માં સમ્રાટ ચુંગ-લોના શાસન દરમિયાન ‘ચુંગ-લો તા-ત્યેન’ નામક નોંધપાત્ર ગ્રંથોની રચના થઈ. આ ગ્રંથાવલી તૈયાર કરવા માટે 2,180 વિદ્વાનો રોકવામાં આવ્યા હતા. આ ગ્રંથાવલી એક પ્રકારનો વિશ્વકોશ છે; જેમાં પ્રાચીન ચીની કાવ્યો, પદો, કહેવતો અને શબ્દોનો જ્ઞાનભંડાર છે.

ઈશ્વરલાલ ઓઝા