મિસુરી (રાજ્ય)

February, 2002

મિસુરી (રાજ્ય) : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્યભાગમાં આવેલું ઔદ્યોગિક તથા ખેતીપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 93° 30´ પ. રે. ની આજુબાજુનો 1,80,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આયોવા, પૂર્વમાં ઇલિનૉય, અગ્નિકોણમાં કૅન્ટકી અને ટેનેસીના ભાગો, દક્ષિણે આર્કાન્સાસ, નૈર્ઋત્યમાં ઓક્લાહોમા તથા પશ્ચિમે કાન્સાસ અને નેબ્રાસ્કાનાં રાજ્યો આવેલાં છે.

મિસુરી રાજ્ય

યુ.એસ.માંના તેના મધ્યસ્થાનને કારણે તેમજ ત્યાં વહેતી મિસિસિપી-મિસુરી જેવી બે મોટી નદીઓને કારણે આ રાજ્ય ભૂમિ, જળ અને હવાઈ વાહનવ્યવહાર માટેનું મહત્ત્વનું મથક બની રહેલું છે. આ બંને નદીઓ રાજ્યની પૂર્વ-પશ્ચિમ દિશાએ વીંટળાયેલી છે. મિસુરી નદી રાજ્યની મધ્યમાં થઈને વહેતી હોવાથી તેને ઉત્તર અને દક્ષિણ વિભાગોમાં વહેંચી નાખે છે. મિસુરી નદી સેન્ટ લુઇ શહેર નજીક મિસિસિપીને મળે છે. રાજ્યભરમાં તૈયાર થતી ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદકીય પેદાશો તથા કાચો માલ દેશના લાંબામાં લાંબા ગણાતા આ નદીઓના જળમાર્ગ મારફતે જહાજોમાં ભરાઈને અન્યત્ર મોકલાય છે. પશ્ચિમ સીમા પર આવેલું કાન્સાસ સિટી અને પૂર્વ સીમા પર આવેલું સેન્ટ લુઇ શહેર યુ.એસ.નાં મુખ્ય હવાઈ મથકો અને રેલમથકો બની રહેલાં છે. જેફર્સન શહેર આ રાજ્યનું પાટનગર છે.

ભૂપૃષ્ઠઆબોહવા : ઓઝાર્કનો ઉચ્ચપ્રદેશ અને ઓઝાર્ક સરોવર આ રાજ્યનાં મુખ્ય ભૂપૃષ્ઠ-લક્ષણો છે. રાજ્યનો દક્ષિણ તરફનો અર્ધો ભાગ ઓઝાર્કના ઉચ્ચપ્રદેશથી બનેલો છે. અહીંના નીચા પર્વતો તથા જંગલ-આચ્છાદિત ટેકરીઓ આ પ્રદેશને રમણીય બનાવે છે. આ ઉચ્ચ પ્રદેશમાં આવેલી ગુફાઓ, વિશાળ ઝરાઓ, સરોવરો તથા નિર્મળ જળભરી વેગીલા પ્રવાહવાળી નદીઓ પ્રવાસીઓને અહીં આવવા આકર્ષે છે. રાજ્યના અગ્નિકોણમાં આવેલો ભાગ મિસિસિપીના કાંપના મેદાનથી આવરી લેવાયેલો છે. અગાઉ અહીં આવેલા કળણવાળા નિર્જન ભેંકાર-પ્રદેશને સાફ કરીને ખેતીયોગ્ય બનાવાયો છે. મિસુરી નદીની ઉત્તર તરફ હિમનદીજન્ય ટિલથી બનેલું, છેદાયેલું મેદાન છે. આ વિભાગ ક્યારેક (પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન) હિમનદીથી આચ્છાદિત હતો, તેથી અહીંની જમીનો સમૃદ્ધ છે. આ કારણે ત્યાં મકાઈનો મબલક પાક થાય છે. રાજ્યના પશ્ચિમ ભાગમાં ઓસેજનાં મેદાનો છે, તે છૂટક છૂટક નીચી ટેકરીઓવાળા પ્રેરીના ભૂમિપ્રદેશથી બનેલાં છે. 540 મી. ઊંચાઈ ધરાવતો ટોમ સૉક પર્વત રાજ્યનું સર્વોચ્ચ સ્થળ છે, જ્યારે 70 મીટરની ઊંચાઈ ધરાવતો સેન્ટ ફ્રાન્સિસ નદીખીણભાગ અહીંનું નીચામાં નીચું સ્થળ ગણાય છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે –1° સે. અને 26° સે. જેટલાં રહે છે.

સેંટ લુઈ નગર ખાતેનું કમાન આકારનું પ્રવેશદ્વાર

અર્થતંત્ર : મિસુરીનું અર્થતંત્ર મોટેભાગે ઉત્પાદકીય પેદાશો પર આધારિત છે. રાજ્યનાં લગભગ 60 % કારખાનાં કાન્સાસ સિટી અને સેન્ટ લુઈ જેવાં મહાનગરોમાં આવેલાં છે. મોટરગાડીઓનું વધુમાં વધુ ઉત્પાદન આ રાજ્યમાં થાય છે. પણ આ રાજ્ય પ્રમુખ સ્થાન ધરાવે છે. મિસુરીના અન્ય કોઈ પણ ઉદ્યોગ કરતાં જથ્થાબંધ અને છૂટક વેપારમાં ઘણા લોકો રોકાયેલા છે. જુદા જુદા ધંધાઓ તેમજ શિક્ષણ જેવા સેવાઉદ્યોગમાં પણ ઘણા લોકો કામ કરે છે. રાજ્યની વધુમાં વધુ બૅંકો તેમજ વીમા-કંપનીઓ સેંટ લુઈ શહેર ખાતે આવેલી છે. મિસુરી રાજ્ય મકાઈ અને સોયાબીનના કૃષિ-ઉત્પાદનમાં તથા મુખ્ય પશુમથક તરીકે અગ્રિમ સ્થાન ધરાવે છે. ચૂનાખડકો, કોલસા અને સીસાનાં ખનિજોનું ખાણકાર્ય પણ અહીં થાય છે. કાન્સાસસિટી અને સેન્ટ લુઈ દેશનાં મુખ્ય ટ્રક-મથકો બની રહેલાં છે. સેન્ટ લુઈ મિસિસિપી નદી પરનું ખૂબ જ વ્યસ્ત રહેતું નદીબંદર પણ છે. રાજ્યના મુખ્ય પશુધનમાં ઢોર અને ડુક્કરનો, મુખ્ય ખેતી-પેદાશોમાં મકાઈ અને સોયાબીનનો તથા ઉત્પાદકીય પેદાશોમાં ખાદ્યપેદાશો, પરિવહન-ક્ષેત્રની – વીજળીની – છાપકામની સામગ્રીનો તેમજ રસાયણો અને ધાતુમાળખાંનો સમાવેશ થાય છે.

મિસુરી રાજ્યની કુલ વસ્તી 59,88,927 (2010) જેટલી છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં જેફર્સન, સેન્ટ લુઈ, કાન્સાસ સિટી, સ્પ્રિંગફિલ્ડ અને ઇન્ડિપેન્ડન્સનો સમાવેશ થાય છે. અહીં જોવાલાયક સ્થળોમાં સેંટ લુઈમાં 192 મીટર ઊંચી ગેટવે આર્ક, સેંટ લુઈ આર્ટ મ્યુઝિયમ અને સેંટ લુઈનું કેથીડ્રલ; સેંટ જૉસેફમાં પૉની ઍક્સપ્રેસ નૅશનલ મેમૉરિયલ અને જેસી જેમ્સનું જન્મસ્થળ; મિસુરીમાંની જૂનામાં જૂની વસાહત, કાર્વર રાષ્ટ્રીય સ્મારક, માર્ક ટ્વેઇનનું મ્યુઝિયમ; ઇન્ડિપેન્ડન્સમાં હૅરી એસ ટ્રુમેનનાં પુસ્તકાલય અને સંગ્રહાલય, 1946માં વિન્સ્ટન ચર્ચિલે કરેલા ‘આયર્ન કર્ટન’ ભાષણનું સ્થળ; કાન્સાસ સિટીમાં નેલ્સન-ઍટકિન્સ મ્યુઝિયમ ઑવ્ આર્ટ તથા સ્પ્રિંગફિલ્ડમાં સેન્ટ લુઈ સિમ્ફની ઑરકેસ્ટ્રાની જગાનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : 1541માં સ્પૅનિશ સફરી હર્નેન્દો દ સોતો અહીં આવેલો. 1673માં અહીં જ્યારે ફ્રેંચ અભિયંતાઓ આવ્યા ત્યારે મિસુરી, ઓસેજ, ફૉક્સ અને સૉક જેવી ઘણી ઇન્ડિયન જાતિઓ આ પ્રદેશમાં વસતી હતી. ફ્રેન્ચોએ અહીં આવીને અહીંની આખીય મિસિસિપી ખીણ પર ફ્રાંસનો દાવો મૂકેલો. 1803માં ફ્રાંસે આ વિસ્તાર યુ.એસ.ને વેચાતો આપી દીધેલો. તે પછીથી અહીં ઘણા વસાહતીઓ આવ્યા. તેમણે અહીંના મૂળ વતનીઓની જમીનો લઈ લીધી, 1815 સુધી વસાહતો પર આક્રમણો થતાં રહ્યાં. છેવટે યુ.એસ. સરકારે વચ્ચે પડીને ઇન્ડિયનો સાથે શાંતિસુલેહના કરાર કર્યા. 1820ના સમાધાન હેઠળ 1821માં મિસુરીને રાજ્યનો દરજ્જો મળ્યો. 1861–65 દરમિયાન ઘણાં અમેરિકી આંતરયુદ્ધો મિસુરી ખાતે ખેલાયેલાં; તેમ છતાં આ રાજ્ય સંઘમાંથી છૂટું પડ્યું નહિ, પરંતુ કેટલાક મિસુરી નેતાઓ દક્ષિણનાં રાજ્યોની તરફેણના પણ હતા. યુદ્ધ પછીનાં આશરે 16 વર્ષ સુધી જીસ જેમ્સ (Jesse James) નામના ડાકુએ મિસુરીમાં ખતરનાક આતંક મચાવેલો. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન લશ્કરી શસ્ત્ર-સરંજામ પૂરો પાડવા માટે આ રાજ્યમાં ઘણા ઉદ્યોગો વિકસ્યા. 1970–80ના દાયકા દરમિયાન શહેરી પ્રશ્નોએ ગંભીર સ્વરૂપ પકડેલું. 1980–90ના દાયકામાં પર્યાવરણીય અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં રાજ્યના ખેડૂતોને ઘણો ફટકો પડેલો, તેમ છતાં રાજ્યનું અર્થતંત્ર જળવાઈ રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા