મિસ્કિના (સોળમી અને સત્તરમી  સદી) : અકબરના સમયના મુઘલ ચિત્રકાર. અકબરના પ્રીતિપાત્ર. તેઓ પરિપ્રેક્ષ્ય(perspective)ના આલેખનમાં તેમજ પ્રકાશછાયાના ચિત્રાંકનથી ઊંડાણ દર્શાવવા(plastic effect)માં નિપુણ હતા. લાહોર ખાતે ચિત્રિત ‘સ્ટૉરી ઑવ્ ધ અનફેથફૂલ વાઇફ’ને તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણવામાં આવે છે. રાત્રિની ચાંદનીના આ ચિત્રના પ્રસંગનું નિરૂપણ તેમણે કુશળતાથી કર્યું છે. આ નાટ્યાત્મક ચિત્રમાં હબ્ઝા નામની ઇતર પુરુષ સાથે સંબંધ ધરાવતી સ્ત્રી તેની બહેન તથા માતાની મદદથી પતિના ગુસ્સાને કાબૂમાં રાખવા તેને પકડી રાખે છે એ ર્દશ્ય-ઘટનાનું આલેખન છે. તેમાં હબ્ઝાના પ્રેમીને દૂર સંતાતો દર્શાવ્યો છે. માનવપાત્રોનાં કપડાં પરની ગડ યુરોપિયન ગૉથિક શૈલીથી ચિત્રિત છે. ચિત્રની ઉપલી ધારે દૂર પૂર્ણિમા અને તારા દર્શાવી રાત્રિનું સચોટ વાતાવરણ ઊભું કર્યું છે. ક્ષિતિજ પાસે હબ્ઝા અને પ્રેમીને પ્રેમ કરતાં દર્શાવ્યાં છે. ચારેય બાજુ ઘોડા, ચંચળ કૂતરાં, ઊંટ, ઊંઘણશી ઘેટાંબકરાં અને વાછરડાને ચાટતી એક ગાય બતાવી છે. ગાયને એક રૂપાળો જુવાન દોહી રહ્યો છે. માનવ અને માનવેતર પ્રાણીપાત્રોની આજુબાજુ વડ જેવાં વૃક્ષો અને તંબુઓ છે. પ્રેમી જે તંબુમાં છુપાયો છે તે તંબુ પર દોડતાં હરણાં અને ચિત્તાનાં ચિત્રો છે. હાલમાં આ ચિત્ર ઑક્સ્ફર્ડની બૉડ્લિયન લાઇબ્રેરીમાં છે.

‘રઝ્મનામા’ની જયપુરી પ્રતમાંના દસવંતે રેખાંકિત કરેલ 2 ચિત્રો પર મિસ્કિનાએ રંગકામ કરેલું. અકબરના અંતસમયે તૈયાર થયેલી ‘અકબરનામા’ની પ્રત(હાલ તે વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે.)માંનાં ચિત્રોમાં તેમનો મોટો ફાળો છે. ‘આઇને અકબરી’માં પણ તેમનો ખાસ ઉલ્લેખ છે. મોટા કદનાં અને સંકુલ સંરચના (composition) ધરાવતાં ચિત્રો ચીતરવાં તેમને ખાસ ગમતાં. ‘બિલ્ડિંગ ઑવ્ રેડ ફૉર્ટ ઍટ આગ્રા’ અને ‘એન ઇમ્પિરિયલ હન્ટ ઇન્સાઇડ એ ટેમ્પરરી ફૅન્સ’ તેનાં 2 ઉદાહરણો છે. ‘ઍન ઇમ્પિરિયલ હન્ટ ઇન્સાઇડ એ ટેમ્પરરી ફૅન્સ’ – એ ચિત્રમાં કાળો હીજડો ચોકિયાત દરવાજેથી તંબુની અંદર રહેલી છોકરીની વિશિષ્ટ ચાળા કરી છેડતી કરે છે તે ક્રિયા કેન્દ્રમાં છે. ‘રિસેપ્શન ઑવ્ ધ ઍમ્બૅસડર્સ ઑવ્  શાહરુખ’ ચિત્રમાં તેમણે સ્થાપત્યનું ચિત્રણ કરવામાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે.

આ ઉપરાંત ચંગીઝખાનના વંશજોનો ઇતિહાસ આલેખતા અને રશીદ અલ્દીને લખેલા ‘જામી અલ્તવારીખ’ની હસ્તપ્રતમાં મિસ્કિનાએ બસાવન, લાલ, ભીમ ગુજરાતી, ધર્મ દાસ, મધુ તથા સુરદાસ ગુજરાતી સાથે ચિત્રો કરેલાં છે; પરંતુ આ ચિત્રોમાં ઘણી વાર માનવપાત્રો આલેખવામાં પ્રમાણમાપ જળવાયું નથી, તો ઘણાં ચિત્રોમાં માનવોનાં ટોળેટોળાં જોવા મળતાં હોવાથી એ ચિત્રોનું ડિઝાઇનમૂલ્ય જળવાયું નથી.

અમિતાભ મડિયા