મિસિસિપી (રાજ્ય)

February, 2002

મિસિસિપી (રાજ્ય) : દક્ષિણ યુ.એસ.માં મેક્સિકોના અખાત પર આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 33° 26´ ઉ. અ. અને 88° 47´ પ. રે.ની આજુબાજુનો (30°થી 35° ઉ. અ. અને 88°થી 92° પ. રે. વચ્ચેનો) 1,23,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વમાં આલાબામા, દક્ષિણે મેક્સિકોનો અખાત અને લ્યુઈઝિયાના તથા પશ્ચિમે લ્યુઈઝિયાના અને આર્કાન્સાસ રાજ્યો આવેલાં છે. એક કાળે આ આખોય પ્રદેશ શાંત શહેરો અને ખેતરો ધરાવતો હતો, આજે તે વ્યસ્ત શહેરો અને કારખાનાંઓથી ધમધમતો બની રહેલો છે. તેના મધ્ય ભાગમાં આવેલું જૅક્સન આ રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે.

ભૂપૃષ્ઠ અને આબોહવા : નીચાણવાળી ભૂમિથી બનેલું મિસિસિપી નદીનું કાંપનું ફળદ્રૂપ મેદાન રાજ્યની પશ્ચિમ સરહદ બનાવે છે. આ મેદાની પ્રદેશમાં કપાસ અને સોયાબીનનો પાક મોટા પ્રમાણમાં લેવાય છે. આ કારણે અહીંના લોકો આ રાજ્યને મિસિસિપીના ત્રિકોણપ્રદેશીય વિસ્તાર તરીકે ઓળખાવે છે. કેટલાક તેને મૅગ્નોલિયા કે બેયો રાજ્ય પણ કહે છે. રાજ્યનો આખોય પૂર્વ મેદાની વિસ્તાર પૂર્વ અખાતી કંઠારના મેદાનના નામથી પણ ઓળખાય છે. બાકીનું મોટાભાગનું ભૂપૃષ્ઠ અસમતળ, જંગલ-આચ્છાદિત, નીચી ટેકરીઓથી બનેલું છે. કંઠારના મેદાનમાં પણ પ્રેરીના અને નીચાણવાળી ભૂમિના પ્રદેશો આવેલા છે. રાજ્યના છેક ઈશાન છેડે ટેનેસી રીવર હિલ્સ, જ્યારે અગ્નિ ભાગમાં પાઇન હિલ્સ આવેલી છે. મિસિસિપી, પર્લ અને બિગ બ્લૅક રાજ્યની મુખ્ય નદીઓ છે. મેક્સિકોના કિનારા પરનો મિસિસિપીનો ત્રિકોણપ્રદેશ તથા અખાતી ટાપુઓથી રચાતો રાષ્ટ્રીય દરિયાઈ કંઠાર અહીંનાં આકર્ષણ-સ્થાનો છે. 246 મીટરની ઊંચાઈ ધરાવતો વુડૉલ પર્વત અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ છે, જ્યારે દક્ષિણે આવેલો સમુદ્રકિનારો એ નીચામાં નીચું સ્થળ છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 8° સે. અને 27° સે. જેટલાં રહે છે.

મિસિસિપી રાજ્ય

અર્થતંત્ર : પેદાશી ઉત્પાદન એ આ રાજ્યની એકમાત્ર આર્થિક પ્રવૃત્તિ છે. પાસ્કાગોલામાં જહાજવાડો આવેલો છે, જ્યારે રાજ્યભરમાં માંસપ્રક્રમણના અને કપડાં તૈયાર કરવાના એકમો આવેલા છે. જથ્થાબંધ અને છૂટક વેપાર લગભગ બધે જ મોટા પાયા પર થાય છે. આ કારણે રાજ્યની મધ્યમાં આવેલું પાટનગર જૅક્સન મુખ્ય વેપારી મથક બની રહેલું છે. મિસિસિપી એ દેશનું એક એવું રાજ્ય છે; જ્યાં ઢોરનું માંસ, ચિકન, દૂધ, કપાસ અને સોયાબીનનું મોટા પાયા પર ઉત્પાદન લેવાય છે. વળી તે ખનિજતેલ અને કુદરતી વાયુનું પણ પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે. અન્ય ઉત્પાદકીય ચીજોમાં ખાદ્ય પદાર્થો, લાકડાની અને કાગળની પેદાશો, યંત્રસામગ્રી, વીજસાધન-સામગ્રી, પરિવહન-ક્ષેત્રની સાધનસામગ્રી, રસાયણો તેમજ કપડાંનો સમાવેશ થાય છે.

આંતરવિગ્રહના સમયની સ્મૃતિરૂપ અષ્ટકોણીય ભવન, નાચેઝ

ઇતિહાસ : 1540માં સ્પૅનિશ અભિયંતા હર્નેન્દો દ સોતો જ્યારે અહીં આવેલો ત્યારે આ પ્રદેશમાં 25,000થી 30,000 જેટલા ઇન્ડિયનો વસતા હતા તથા ચિકાસો, ચોકતા અને નેટચેઝ નામની ત્રણ સમર્થ જાતિઓ અહીં શાસન કરતી હતી. તે પછી 1682માં ફ્રેન્ચ અભિયંતા સિઉર દ લા સેલે અહીં આવ્યો અને આખીય મિસિસિપી ખીણ પર ફ્રાંસનો દાવો મૂક્યો. 1699માં કેટલાક ફ્રેંચ લોકો અહીં આવીને વસ્યા. 1763માં ફ્રેંચો અને ઇન્ડિયનો વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ પૂરું થયા પછી મિસિસિપીનો પ્રદેશ બ્રિટિશ શાસન હેઠળ આવ્યો. 1775–1783ની અમેરિકી ક્રાંતિ પછી અહીં યુ.એસ.નું પ્રભુત્વ ઊભું થયું. 1798માં મિસિસિપી સંઘરાજ્યોમાં જોડાયું. 1817માં મિસિસિપીને રાજ્યનો દરજ્જો મળ્યો. 1832 સુધીમાં અહીંની મોટા ભાગની ઇન્ડિયન વસ્તી સ્થળાંતર કરી ઓક્લાહોમા રાજ્યમાં ગઈ. આથી ઇન્ડિયનોએ છોડી દીધેલી ફળદ્રૂપ જમીનોમાં ખેતી કરવા અન્ય વસાહતીઓ ગયા. મોટી વાડીઓમાં કપાસ ઉગાડતા ખેડૂતો મજૂરીનું કામ કરાવવા ગુલામોને રાખતા થયા. 1861ના જાન્યુઆરીની નવમી તારીખે સંઘ-રાજ્યમાંથી તે છૂટું પડ્યું અને મિસિસિપીનો જેફર્સન ડેવિસ આ રાજ્યમંડળ-(confederacy)નો પ્રમુખ બન્યો, પરંતુ 1870માં તે ફરીથી સંઘરાજ્યોમાં જોડાઈ ગયું. વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં અહીં ઉદ્યોગ, ખેતી તેમજ શિક્ષણક્ષેત્રે વિકાસ થતો ગયો. 1960–70ના ગાળા દરમિયાન અહીં નાગરિક હક્કો માટે હિંસાત્મક લડત ચાલી. 1980–90ના અરસામાં રાજ્યના આશરે 25 % લોકો ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્ર-કામમાં લાગી ગયા; તેમ છતાં જેઓ અગાઉ ખેતરોમાં કામ કરતા હતા તે પૈકીના હજારો માણસો બેકાર પણ હતા.

રાજ્યનાં મોટાં શહેરોમાં પાટનગર જૅક્સન, બિલૉક્સી, મેરિડિયન અને હેતિસબર્ગનો સમાવેશ થાય છે. 2010 મુજબ આ રાજ્યની કુલ વસ્તી 29,67,297 જેટલી હતી.

ગિરીશભાઈ પંડ્યા