મિસિસિપી (નદી)

February, 2002

મિસિસિપી (નદી) : દુનિયામાં સૌથી મોટી–લાંબી ગણાતી નદીઓ પૈકીની ત્રીજા ક્રમે આવતી યુ.એસ.ની નદી. આ નદી મિનેસોટા રાજ્યના ઇટાસ્કા (Itasca) સરોવરમાંથી એક નાનકડા વહેળા રૂપે નીકળે છે, યુ.એસ.ના સમગ્ર ઉત્તર-દક્ષિણ વિસ્તારને પસાર કરી છેવટે તે મૅક્સિકોના અખાતને મળે છે. મૂળથી મુખ સુધીની તેના પ્રવહનપથની લંબાઈ 3,766 કિમી. છે. દર સેકંડે તે આશરે 17,000 ઘન મીટર જેટલું જળ ખેંચી લાવે છે. જળજથ્થાની ર્દષ્ટિએ દુનિયા-ભરની નદીઓમાં તે આઠમા ક્રમે આવે છે. આ નદીને તેના સમગ્ર પ્રવહનપથમાં નાની-મોટી થઈને વીસ કરતાં વધુ નદીઓ મળે છે, આથી તેનો કુલ જળસ્રાવ-વિસ્તાર આશરે 32,21,000 ચોકિમી. જેટલો થાય છે. આ નદી ઉત્તર અમેરિકાની સૌથી મોટી અને સૌથી લાંબી નદી ગણાય છે.

મિસિસિપી નદીના વહનમાર્ગને ચાર ભાગમાં વહેંચી શકાય : (i) તેના ઉદગમ-સ્થાનથી સેંટ પૉલ (મિનિયાપૉલિસ) સુધી. તેમાં પંકપ્રમાણ તદ્દન ઓછું રહેતું હોવાથી તેનાં પાણી લગભગ નિર્મળ રહે છે. (ii) સેંટ પૉલ સેંટ લુઇ ખાતે થતા મિસુરીના તેની સાથેના સંગમ સુધીના માર્ગમાં તે ચૂનાખડકોથી બનેલા ઉગ્ર ઢોળાવવાળા પ્રદેશમાંથી પસાર થાય છે. અહીં વસતા ઇન્ડિયનો આ નદીને ‘Father of Water’ તરીકે ઓળખાવે છે. નદીના ‘મિસિસિપી’ નામનો શબ્દાર્થ – Misi એટલે ‘વિપુલ’ અને Sipi એટલે ‘પાણી’ એવો થતો હોવાથી – ‘વિપુલ જળધારક નદી’ થાય છે. (iii) મિસિસિપી-મિસુરીના સંગમથી દક્ષિણે આશરે 320 કિમી. દૂર આવેલા કાઈરો પાસે તેને ઓહાયો નદી મળે છે, ઓહાયો નદી જે કાંપ-માટી ઘસડી લાવે છે તે મિસિસિપીનાં વેગથી વહેતાં જળથી દૂર થાય છે. (iv) ઓહાયોના સંગમ પછીનો તેના મુખ સુધીનો નદીપથ તે તેનો ચોથો ભાગ. અખાતથી આશરે 2 કિમી. સુધીના અંદર તરફના નદીનાળમાં તેનો જળવેગ શાંત થઈ જતાં તે નાળ-આકારે વહે છે. આ નદીએ તેના માર્ગમાં કેટલાંક સ્થાનોમાં પાછાં પડતાં પાણીના (back water) વિભાગો પણ નિર્માણ કર્યા છે.

મિસિસિપી નદી

પ્રાકૃતિક પરિસ્થિતિ : આ નદીના ઉદગમ-સ્થાનથી ઉત્તરે કૅનેડિયન ભૂકવચનો વિસ્તાર આવેલો છે. તેના હેઠવાસના ખીણ-વિસ્તારની પૂર્વ તરફ ઍપેલેશિયન પર્વતમાળા આવેલી છે. દક્ષિણે મુખવિસ્તાર પાસે પૂરનાં મેદાનો આવેલાં છે.

મિસિસિપીને મળતી પશ્ચિમ તરફની નદીઓ મોટેભાગે રૉકીઝની હારમાળામાંથી ઉદગમ પામે છે. તેમાં રેડ, આરકાન્સાસ, કાન્સાસ અને મિસુરી મુખ્ય છે. આ નદીઓએ મિસિસિપીની પશ્ચિમે કાંપનાં મેદાનો રચ્યાં છે. અહીં આશરે 635 મિમી. જેટલો વરસાદ પડે છે. કુલ વરસાદ પૈકીનો 70 % વરસાદ અહીં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન પડી જાય છે. આ નદીઓનાં પાણી મિસિસિપીને આવી મળે છે.

પૂર્વમાં આવેલા પર્વતીય વિસ્તારોને લીધે જળજથ્થાનું પ્રમાણ વિશેષ રહે છે. ઓહાયો નદીને મળતી કેન્ટકી, ગ્રીન, કુમ્બરલૅન્ડ અને ટેનેસી નદીઓનો ફાળો મહત્વનો છે.

મિસિસિપીના મૂળથી ઉત્તર તરફ આવેલી હિમનદીઓના પીગળવાથી મિનેસોટા, વિસ્કોન્સિન, ઇલિનૉય અને આયોવા નદીઓને પાણીનો વિપુલ જથ્થો મળતો રહે છે. આ નદીઓને કારણે અહીં સ્થાનભેદે 40થી 320 કિમી. પહોળાં અને નદીતળથી 65 મીટર ઊંચાઈ ધરાવતાં મેદાનો નિર્માણ પામ્યાં છે. આ વિસ્તારમાં 500 કિમી.ની ત્રિજ્યામાં નિક્ષેપનાં મેદાનો રચાયાં છે. તેમનો વિસ્તાર 76,800 ચોકિમી. જેટલો છે. વર્તમાન સમયમાં આ નદીના પૂર્વ વિભાગમાં નિક્ષેપનનું કાર્ય વધતું જાય છે. આ નદી દર વર્ષે આશરે 22 કરોડ ટન કાંપની જમાવટ કરે છે.

આબોહવા : શિયાળામાં લુઇઝિયાના અને મિનેસોટાનાં માસિક સરેરાશ તાપમાન અનુક્રમે 13° સે. અને –12° સે. જેટલાં તથા ઉનાળામાં તે અનુક્રમે 28° સે. અને 21° સે. જેટલાં રહે છે.

મિસિસિપીના મુખ-વિસ્તાર મૅક્સિકોના અખાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. શિયાળામાં પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ચક્રવાતોનું નિર્માણ થાય છે. દક્ષિણ ભાગોમાં માસિક સરેરાશ વરસાદ 125 મિમી., ઓહાયોનાં મેદાનોમાં 75 મિમી., પશ્ચિમે અને ઉત્તરમાં 25 મિમી.થી પણ ઓછો વરસાદ પડે છે. ઉનાળામાં તોફાની ચક્રવાતોને લીધે લ્યુઇઝિયાનામાં માસિક સરેરાશ વરસાદ 150 મિમી. અને ટેનેસીના પર્વતીય વિસ્તારો તેમજ વિશાળ મેદાનોમાં આશરે 75 મિમી. જેટલો વરસાદ પડે છે.

પૂર્વનાં મેદાનોના લગભગ અડધા ભાગમાં તેમજ ટેનેસી, ઓહાયો અને દક્ષિણ મિસિસિપીનાં મેદાનોમાં શિયાળામાં ભેજનું પ્રમાણ અધિક રહે છે. ટૅક્સાસ અને ઉત્તર ડાકોટા વિસ્તારમાં ભેજનું પ્રમાણ સામાન્ય રહે છે. રૉકીઝના પર્વતીય વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે; પરંતુ હિમવર્ષાનો અનુભવ અવારનવાર થતો રહે છે.

વનસ્પતિપ્રાણીસંપત્તિ : મિસિસિપી-ખીણમાં જોવા મળતી વનસ્પતિનો આધાર ત્યાંની જમીન અને આબોહવા પર રહેલો છે. નદીના પંકભૂમિ અને બૅકવૉટર વિસ્તારોમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેલું છે. મિનેસોટાના કાંઠા-વિસ્તારો વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા ધરાવે છે. નદીના જળમાર્ગમાં આશરે 80 લાખ બતક-બગલાં અને હંસ વસતાં હોવાનો અંદાજ મુકાયેલો છે. સ્થળાંતર કરી આવતાં પક્ષીઓમાં કૅનેડિયન બગલાં, સફેદ અને કાળાં બગલાં તથા જંગલી બતક જોવા મળે છે. નદીના જળમાં વિવિધ પ્રકારનાં મત્સ્યશ્રીંપ, કાબ અને ગાર   – જોવા મળે છે.

ઇતિહાસ : ઉત્તર અમેરિકાના ઇતિહાસમાં આ નદીનો ફાળો મહત્વનો રહ્યો છે. ગૃહયુદ્ધ પહેલાં પરિવહન માટે આ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો હતો. કાચો માલ લઈ જવા અને તૈયાર માલ અંતરિયાળ પ્રદેશોમાં પહોંચાડવા આ માર્ગ ઉપયોગમાં લેવાતો હતો. 1857માં જ્હૉન ફિટ્સે સર્વપ્રથમ વાર આ નદીમાં આગબોટ ચલાવવાનો પ્રયોગ કરેલો. ધોધ અને રેતીના ઢૂવાઓને કારણે આ નદીના મુખ-વિસ્તાર સુધી પહોંચવામાં પ્રવાસીઓને ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. 1920માં પૂરનિયંત્રણ માટે વિચારણા કરવામાં આવેલી. 1927માં આવેલા પૂરને કારણે 58,680 ચોકિમી. જેટલો વિસ્તાર સંપૂર્ણપણે ધોવાઈ ગયેલો તથા જાનમાલનું પારાવાર નુકસાન થયેલું. આજે તો કેટલાક વિસ્તારમાં નદીના બંને કિનારે પાળા બાંધીને પૂરને નાથવામાં સફળતા મળી છે.

નીતિન કોઠારી