મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ (જ. 29 માર્ચ 1913, નરસિંહપુરા, હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 20 ફેબ્રુઆરી 1985) : હિંદી ભાષાના કવિ. નરસિંહપુરા ગામમાં પ્રારંભિક કેળવણી મેળવી. એ પછી સોહાગપુર અને જબલપુરમાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું. 1934–35માં ત્યાં જ બી. એ. થયા. પછી એક શાળા ખોલી, જેમાં તેમના પિતાશ્રીનો મહત્વનો ફાળો હતો. તેમાં ગાંધી-વિચારને અનુરૂપ શિક્ષણનો આગ્રહ રાખ્યો હતો.
શાળાસંચાલન દરમિયાન 1942માં તેમને જેલવાસ ભોગવવો પડ્યો. 2 વરસ અને 8 માસનો કારાવાસ વેઠી 1945માં તેઓ મુક્ત થયા. એ પછી 1945માં મહિલા આશ્રમ(વર્ધા)માં 4–5 વર્ષ શિક્ષક તરીકે રહ્યા, 1950–51માં તેમણે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિમાં કામગીરી સંભાળી. 1952–55માં તેમણે હૈદરાબાદમાં હિન્દી ‘કલ્પના’ માસિકનું સંપાદન કર્યું. 1956–58માં આકાશવાણી, મુંબઈ અને દિલ્હીમાં હિન્દીના કાર્યક્રમોનું સંચાલન કર્યું. એ પછી 1958થી ’72 સુધી સંપૂર્ણ ગાંધીવાઙ્મયનું તેમણે સંપાદન કર્યું.
કાવ્યલેખનનો પ્રારંભ તેમની 17 વર્ષની વયથી એટલે કે 1930થી શરૂ થયેલો. માધ્યમિક શિક્ષણ પૂરું કરે એ પૂર્વે જ કૉલકાતાના ‘હિન્દુમંચ’માં તેમની કેટલીક કાવ્યરચનાઓ પ્રકાશિત થયેલી. એ પછી માખનલાલ ચતુર્વેદીએ પણ તેમની કાવ્યરચનાઓ પ્રકાશિત કરી. કૉલકાતાના ‘આગામી કલ’માં પણ તેમની કવિતા છપાતી. ‘હંસ’માં 1954ના ગાળામાં અમૃતરાયે પણ તેમની કવિતા છાપી. એ પૂર્વે 1954માં આધુનિક કવિતાના પુરોધા અજ્ઞેયે ‘દૂસરા સપ્તક’માં તેમની રચનાઓ પ્રસિદ્ધ કરી અને એ પછી સતત તેમની કાવ્યરચનાઓ 1985 સુધી પ્રકાશિત થતી રહી.
ભવાનીપ્રસાદ સર્વપ્રિય તો હતા જ અને સવિશેષે લોકપ્રિય બન્યા. 1953માં પ્રકાશિત તેમના કાવ્ય-ગ્રંથ ‘ગીતફરોશ’ પછી ક્રમશ: તેમના અન્ય કાવ્યસંગ્રહો પ્રકાશિત થતા રહ્યા તેમાં ‘ચકિત હૈ દુ:ખ’ (1968), ‘અંધેરી કવિતાએં’ (1968), ‘ગાંધી પંચશતી’ (1969), ‘બુની હુઈ રસ્સી’ (1971), ‘ખુશ્બૂ કે શિલાલેખ’ (1973), ‘વ્યક્તિગત’ (1974), ‘અનામ તુમ આતે હો’ (1976), ‘પરિવર્તન જિએ’ (1976), ‘ત્રિકાલસંધ્યા’ (1978), ‘સંપ્રતિ’, ‘નીલી રેખા તક’, ‘શરીર, કવિતા, ફસલેં ઔર ફૂલ’ (1984), તથા ‘તૂસ કી આગ’ (1985) મુખ્ય છે. આ ઉપરાંત 1980માં ખંડકાવ્ય ‘કાલજયી’ પ્રગટ થયું.
ભવાનીપ્રસાદ પ્રજાનો આદર, સ્નેહ ખૂબ જ પામ્યા. આ જ એમનો પુરસ્કાર હતો. ‘બુની હુઈ રસ્સી’ કાવ્યસંગ્રહ માટે તેમને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1972) મળ્યો અને તે ઉપરાંત મધ્યપ્રદેશ સરકારનો ઍવૉર્ડ (1972), ગાલિબ ઍવૉર્ડ (1973), દિલ્હી સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડ (1973), ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન ઍવૉર્ડ (1977) તેમજ અખિલ ભારતીય હિન્દી પ્રકાશન સંઘ ઍવૉર્ડ જેવાં સન્માન પણ તેમને મળ્યાં છે.
તેમની કાવ્ય-ચેતનામાં પ્રાકૃતિક ઉપકરણોમાં તન્મયતા, લોકજીવનની વાતો તથા માનવપરિપ્રેક્ષ્યના ભારતીય સંદર્ભો સવિશેષ ઊપસી આવે છે. તેમની કવિતામાં જનમાનસની તથા રાષ્ટ્રીય ભાવના અંતર્ગત ગાંધીવાદી દર્શનની અભિવ્યક્તિ જીવનના સત્યને મૌલિકપણે પ્રસ્તુત કરતી જોવા મળે છે; જેમ કે, ‘ગાંધી પંચશતી’માં માનવીય સંવેદનાની અભિવ્યક્તિ છે તો ‘ત્રિકાલસંધ્યા’માં ઇન્દિરાજીની કટોકટીનો વિરોધ પ્રકટ્યો છે.
રજનીકાન્ત જોશી