મિશ્ર, મયાનંદ

February, 2002

મિશ્ર, મયાનંદ (જ. 17 ઑગસ્ટ 1934, બૈનનિયા, બિહાર; અ. 31 ઑગસ્ટ 201, પટણા) : મૈથિલી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મંત્રપુત્ર’(1986)ને સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મુઝફ્ફર ખાતેની બિહાર યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી તેમજ મૈથિલી – એ બંનેમાં એમ.એ.ની ડિગ્રીઓ મેળવી હતી. બિહાર યુનિવર્સિટીમાં તેમણે મૈથિલીના પ્રોફેસર તરીકે તેમજ સહરસા ખાતેની સહરસા કૉલેજમાં મૈથિલીના વિભાગ-અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

તેમણે મૈથિલી તથા હિંદીમાં 9 પુસ્તકો લખ્યાં છે. તેમાં 4 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 4 સંગ્રહો અને 1 કાવ્યસંગ્રહનો સમાવેશ થાય છે. મૈથિલીમાં રચાયેલી તેમની કૃતિઓમાં ‘બિહારી પાત આ પાથર’ તથા ‘ખોતા આ ચિડૈ’ ઉલ્લેખનીય છે.

પુરસ્કૃત નવલકથામાં ઋગ્વેદના પ્રાગૈતિહાસિક સમયની ઝીણવટભરી છણાવટ છે. તેમાં અંધકારથી ઘેરાયેલા ભૂતકાળમાં શોધ-સંશોધન કરવાનો પ્રયાસ છે. વેદકાલીન તથા અનુ-વેદકાલીન જીવનનું વૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં લેખકને સફળતા મળી છે. લેખકની રચનાત્મક કલ્પનાશક્તિ તથા તેના આધારે અતીતનું પુનર્નિમાણ, તેમની વિદ્વત્તા તથા તેના આધારે કૃતિને સાંપડતી વિશ્વસનીયતા તેમજ સ્ત્રી તથા પુરુષો વિશેની ઊંડી સમજણ-સૂઝ અને તેના આધારે એ પાત્રોમાં પ્રગટતી જીવંતતા જેવી લાક્ષણિકતાઓને કારણે આ કૃતિ પુરસ્કારપાત્ર ઠરી હતી. આ વિચારપ્રેરક કૃતિ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને સમજવામાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન સમી છે.

મહેશ ચોકસી