મિશ્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1886, પુરી, ઓરિસા; અ. 1956) : ઓરિસાના સાહિત્યકાર અને રાજકારણી. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવાથી શરૂઆતનું જીવન ગરીબીમાં વિતાવ્યું. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. સુધીનો અને કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. તે પછી ‘સત્યવાદી’ નામની નવી સ્થપાયેલી શાળાના રાષ્ટ્રવાદી શિક્ષકોના જૂથમાં જોડાયા.
તેમની સાહિત્યિક કૃતિઓમાં ગદ્યરચનાઓના અનુવાદ મુખ્ય છે. તેમણે અંગ્રેજીમાંથી કેટલીક જાણીતી આત્મકથાઓ તથા નવલકથાઓનું ભાષાંતર કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓમાં જૂની સામાજિક કુરૂઢિઓ તથા અંધશ્રદ્ધાનું સચોટ નિરૂપણ છે. ‘મુકુંદદેવ’ (1917) અને ‘પુરુષોત્તમ દેવ’ નામનાં 2 ઐતિહાસિક નાટકોમાં એ રાજવીઓ આદર્શ રાષ્ટ્રવાદી વીરનાયકો તરીકે આલેખાયા છે. તેમણે બાલભોગ્ય સાહિત્ય લખ્યું છે. તેમાં ‘રામાયણ’ તથા ‘મહાભારત’ જેવી રચનાઓ બાળકોમાં ખૂબ પ્રિય નીવડી છે. ‘લોકમુખ’ (1924) તથા ‘જનતા’ (1941) નામનાં 2 સામયિકોનું તેમણે સંપાદન-પ્રકાશન કર્યું હતું.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘કલિકા’ (1921), ‘કિસલય’ (1922) અને ‘ગીતિગુચ્છ’(1956)નો સમાવેશ થાય છે. એમાં કેટલાંક ઉત્તમ ઊર્મિકાવ્યો તથા શોકકાવ્યો છે. પદ્ય-કથાઓ(‘ગાથાકવિતા’)ના પ્રણેતા તરીકે તેઓ સદૈવ યાદ રહેશે. ઇતિહાસ તથા દંતકથાઓના વિષય પરથી રચાયેલી પ્રસ્તુત કાવ્યાત્મક કથાઓ લોકસાહિત્ય જેવું આકર્ષણ ધરાવે છે. ‘અર્ધશતાબ્દીર ઓરિસા ઓ તનહિરે મો સ્થાન’ નામની તેમની અધૂરી આત્મકથાને 1961માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ (મરણોત્તર) અપાયો હતો. ‘ગોદાવરીપ્રસાદ ગ્રંથાવલી’ નામે 4 ગ્રંથોમાં તેમની સમગ્ર રચનાઓ પ્રગટ થઈ છે.
મહેશ ચોકસી