મિશ્ર, કાશીનાથ (જ. 1 જાન્યુઆરી 1930, રાણીટોલા, જિ. સમસ્તીપુર, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હર્ષચરિતમંજરી’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા બિહાર સંસ્કૃત ઍસોસિયેશન, પટણામાંથી વ્યાકરણાચાર્ય અને સાહિત્યાચાર્યની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ સંસ્કૃત ઉપરાંત હિંદી, મૈથિલી, અંગ્રેજી અને બંગાળી ભાષાના જાણકાર છે. 1959માં તેઓ બી. એસ. કૉલેજ, પટણામાં સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. પછી કે.એસ.ડી. સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દરભંગા અને પટણા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય તથા અધ્યક્ષપદે રહ્યા. 2001માં કે.એસ.ડી. સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દરભંગામાંથી કુલપતિપદેથી તેઓ સેવાનિવૃત્ત થયા.
તેમણે આ કાવ્યસંગ્રહો આપ્યા છે : મૈથિલીમાંથી અનૂદિત કાવ્યસંગ્રહ ‘વિદ્યાપતિશતકમ્’ તથા ‘ઉદયનાચાર્ય’, ‘કર્ણાટ–રાજતરંગિણી’, ‘ઉપમા-વિવેક’, ‘હર્ષચરિતમંજરી’ અને ‘હર્ષકીર્તિલતા’. ‘વિદ્યાપતિશતકમ્’ બદલ તેમને સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ અને ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનનો કાલિદાસ પુરસ્કાર આપવામાં આવેલાં. તે ઉપરાંત ચેતના સમિતિ, પટણા દ્વારા મિથિલા વિભૂતિ ઍવૉર્ડ, જગદગુરુ શ્રી માધવાચાર્ય મહાશ્રમસ્થાન, શ્રીકૃષ્ણ મઠ, ઉડુપી, કર્ણાટક તરફથી વિદ્યાવિભૂષણ ઍવૉર્ડ અને અન્ય પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હર્ષચરિતમંજરી’માં મહારાજ હર્ષના જીવન અને તે સંબંધી ઉપાખ્યાનોનું વર્ણન છે. ધ્વનિ અને બોધની ચારુતા વચ્ચેના અદભુત સંતુલનને કારણે આ કૃતિ સંસ્કૃતમાં રચાયેલ ભારતીય કાવ્ય તરીકે નોંધપાત્ર પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા