મિશ્ર, કીર્તિનારાયણ (જ. 17 જુલાઈ 1937, બરૌની, બિહાર) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક. તેમને ‘ધ્વસ્ત હોઇત શાંતિ સ્તૂપ’ નામક કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં એમ.એ. થયા પછી કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી; કલકત્તા યુનિવર્સિટીમાંથી ‘મટિરિયલ મૅનેજમેન્ટ’ વિષયમાં વિશેષ નિપુણતા મેળવી. વ્યવસાયી કારકિર્દી પછી તેઓ સમગ્ર સમય સર્જન-પ્રવૃત્તિમાં ગાળે છે. તેમણે હિંદીમાં 2 તથા મૈથિલીમાં 5 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. વળી બંને ભાષાઓનાં સામયિકોનું તેમજ બંને ભાષાઓની સાહિત્યિક કૃતિઓનું સંપાદનકાર્ય પણ તેમણે કર્યું છે. તેમને દેશ-વિદેશમાં સન્માનો મળેલાં છે. તેમાં ‘દિનકર સન્માન’, ઇન્ટરનેશનલ બાયૉગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ તરફથી ‘મૅન ઑવ્ એચીવમેન્ટ્સ’ તથા અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકા તરફથી ‘મૅન ઑવ્ ધ યર 1966’ જેવાં સન્માનો મુખ્ય છે.

પુરસ્કૃત કાવ્યસંગ્રહ મિશ્રની કવિતા-કલા તથા અભિવ્યક્તિના સામર્થ્યનું સુંદર ઉદાહરણ છે. રૂપકોનો કલોચિત ઉપયોગ, સાંસ્કૃતિક વારસા વિશેની તેમની ઊંડી સૂઝ તથા કાવ્યસહજ ભાષાનો પ્રભાવક વિનિયોગ જેવી વિશેષતાઓને કારણે આ કાવ્યસંગ્રહ મૈથિલી કાવ્યસાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન લેખાય છે.

મહેશ ચોકસી