મિશ્ર અર્થતંત્ર : રાજ્યની અર્થતંત્રમાંની દરમિયાનગીરીથી મહદ્અંશે મુક્ત અર્થતંત્ર તથા અર્થતંત્રમાંની રાજ્યની દરમિયાનગીરી ધરાવતું સમાજવાદી ઢબનું અર્થતંત્ર – આ બે છેડાની આર્થિક પદ્ધતિઓનો સમન્વય સાધવા પ્રયાસ કરતી મધ્યમમાર્ગી આર્થિક પદ્ધતિ. આમાંથી પ્રથમ પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો મુક્ત બજારનાં પરિબળો દ્વારા લેવાતા હોય છે, જ્યારે બીજા પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો લેવાની સત્તા તથા તે નિર્ણયો પર અમલ કરવાની સત્તા રાજ્યની અથવા રાજ્ય દ્વારા નિમાયેલ આયોજન-પંચની હોય છે. મિશ્ર અર્થતંત્રમાં નિર્ણયો લેવાની તથા તેમનો અમલ કરવાની સત્તાની વહેંચણી કરવામાં આવેલી હોય છે. એટલે જ મિશ્ર અર્થતંત્રને મધ્યમમાર્ગી અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં અંકુશ-મુક્ત અર્થતંત્ર (Laissez-faire) પર આધારિત પદ્ધતિ તથા સમાજવાદ પર આધારિત પદ્ધતિ – આ બંનેનાં સારાં લક્ષણોનો સમન્વય કરવાનો તથા તે બંનેનાં દૂષણો ટાળવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે.

મિશ્ર અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો : (1) મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય છે અને તે દ્વારા ખાનગી (વ્યક્તિગત કે વ્યક્તિલક્ષી) લાભ અને સામાજિક લાભ બંનેનો ઇષ્ટ સમન્વય કરવાનો પ્રયાસ થાય છે. (2) જાહેર અને ખાનગી ક્ષેત્ર – આ બંનેના કાર્યક્ષેત્રની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે. (3) જાહેર અને ખાનગી ક્ષેત્ર – આ બંનેના હેતુઓ સામાન્ય રીતે પરસ્પરવિરોધી હોવા છતાં મિશ્ર અર્થતંત્રમાં તે બંને એકબીજાંનાં પ્રતિસ્પર્ધી નહિ, પરંતુ એકબીજાંને પૂરક બની પોતપોતાના ક્ષેત્રનો વિકાસ સાધવાનો પ્રયાસ કરતાં હોય છે. (4) મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ એકબીજાંને પૂરક નીવડે તે માટે જાહેર ક્ષેત્રનું સંચાલન કરવાની તથા ખાનગી ક્ષેત્રનું નિયમન કરવાની સત્તા રાજ્ય પાસે હોય છે. બીજી રીતે કહીએ તો, મિશ્ર અર્થતંત્રમાં આર્થિક સ્વતંત્રતા તથા ન્યાય બંનેના  સંદર્ભમાં રાજ્ય પોતાની આર્થિક નીતિ ઘડે છે અને બંને પોતપોતાના ક્ષેત્રમાં વિકાસ સાધી શકે એ રીતે તે નીતિનો અમલ કરવામાં આવે છે. (5) મિશ્ર અર્થતંત્રમાં બજારતંત્ર અને આર્થિક આયોજન – આ બંને માટે પોતપોતાના ક્ષેત્રમાં પૂરતો અવકાશ હોય છે. આમાંથી કોઈ એક બીજાને ભોગે જીવી શકશે નહિ તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. (6) મિશ્ર અર્થતંત્રમાં ઉપભોક્તાની સાર્વભૌમતાનું રક્ષણ કરવા માટે બજારતંત્રને આર્થિક આયોજનના બહોળા ઉદ્દેશોના પરિપ્રેક્ષ્યમાં જરૂરી સ્વતંત્રતા બક્ષવામાં આવતી હોય છે. અંકુશમુક્ત અર્થતંત્રપદ્ધતિમાં જાહેર ક્ષેત્ર ખૂબ જ મર્યાદિત અસ્તિત્વ ધરાવતું હોય છે, જ્યારે સમાજવાદમાં ખાનગી ક્ષેત્ર પર અનેક પ્રકારના અંકુશો લાદવામાં આવતા હોય છે; પરંતુ મિશ્ર અર્થતંત્રમાં આ બંને વચ્ચે સુખદ સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. આર્થિક સ્વતંત્રતા અને સામાજિક-આર્થિક ન્યાય – આ બંને ધ્યેયોની પ્રાપ્તિ માટે વિકાસની સમન્વયકારી વ્યૂહરચના ઘડવામાં આવે છે. (7) અંકુશમુક્ત અર્થતંત્રપદ્ધતિમાં મિલકતના અધિકારો અબાધિત હોય છે. આર્થિક વિષમતાઓમાં પરિણમે એવા કોઈ અંકુશો તેમના પર હોતા નથી. ગરીબ અને તવંગર વર્ગ વચ્ચેનો ભેદ સતત વધતો જાય છે, જે આર્થિક વિષમતાઓ ઉપરાંત સામાજિક અને રાજકીય વિષમતાઓને પ્રોત્સાહન આપે છે. તેનાથી ઊલટું, સમાજવાદી અર્થતંત્રમાં મિલકતના અધિકારો મહદ્અંશે સીમિત કરી દેવામાં આવે છે અને ઉત્પાદનનાં સાધનો પર રાજ્યની માલિકી દાખલ કરવામાં આવે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં સામાજિક ન્યાય અને સમાનતાના પરિપ્રેક્ષ્યમાં મિલકતના અધિકારોનું નિયમન કરવામાં આવે છે. એક તરફ નફાખોરી, કાળાંબજાર, સંગ્રહખોરી જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે ઉપાય-યોજના ઘડવામાં આવે છે અને તેને અનુલક્ષીને તેનો અમલ કરવામાં આવે છે, તો બીજી તરફ નાગરિકોને આવક મેળવવાના, પોતાની આવકનો ઉપભોગ કરવાના, આવક અને મિલકતનું હસ્તાંતરણ કરવાના, મૂડીરોકાણ કરવાના, નફો કમાવાના વગેરે અધિકારો સામાજિક કલ્યાણ માટે તે અવરોધક ન બને એ રીતે બક્ષવામાં આવે છે. નાગરિકોને વ્યવસાયસ્વાતંત્ર્યની, મજૂરોને પોતાનાં સંગઠનો મારફત સામૂહિક સોદાશક્તિનો ઉપયોગ કરવાની, માલિકોને ઇષ્ટ પ્રમાણમાં નફો કમાવાની મોકળાશ હોય છે.

આમ મિશ્ર અર્થતંત્ર એ લોકશાહી ઢબે આર્થિક અને સામાજિક ન્યાય હાંસલ કરવા માટેની એક વિશિષ્ટ આર્થિક પદ્ધતિ છે. ઐતિહાસિક ર્દષ્ટિએ વિચારીએ તો મિશ્ર અર્થતંત્ર એ એક આધુનિક જમાનાની સૈદ્ધાંતિક પેદાશ છે અને બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં એશિયા અને આફ્રિકાના જે દેશોએ રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું તે દેશોમાં તે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે.

આર્થિક ઉદારીકરણના વિશ્વના એકવીસમી સદીના માહોલમાં તે કયા સ્વરૂપે અને કેટલે અંશે પ્રસ્તુત રહેશે, કેટલે અંશે અને કયા પ્રમાણમાં ટકી શકશે તે એક કોયડો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે