મિશિગન (રાજ્ય) : યુ.એસ.ના ઉત્તર-મધ્ય પ્રાદેશિક વિસ્તારમાં વિશાળ સરોવરોની વચ્ચેના ભાગમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 00´ ઉ. અ. અને 85° 00´ પ. રે.ની આજુબાજુનો 2,50,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લેક સુપીરિયર અને કૅનેડા, પૂર્વ તરફ લેક હ્યુરોન અને કૅનેડા, દક્ષિણે ઓહાયો અને ઇન્ડિયાના તથા પશ્ચિમે લેક મિશિગન અને વિસ્કૉન્સિનનાં રાજ્યો આવેલાં છે. ગ્રેટ લેક રાજ્ય અથવા વૉલ્વેરાઇન રાજ્ય તેનાં ઉપનામો છે. મિશિગન સરોવર નજીક રહેતા ચિપેવા જાતિના ઇન્ડિયનો તેને ‘મિશિગામા’ (વિશાળ સરોવર) કહેતા, તેના પરથી ‘મિશિગન’ શબ્દ ઊતરી આવ્યો હોવાનું જણાય છે. લૅન્સિંગ તેનું પાટનગર છે. ડેટ્રૉઇટ તેનું મોટામાં મોટું શહેર છે.

મિશિગન રાજ્ય

ભૂપૃષ્ઠઆબોહવા : મિશિગન બે અલગ ભૂમિભાગોથી બનેલું છે : ઉત્તર દ્વીપકલ્પ અને દક્ષિણ દ્વીપકલ્પ. મૅકિનૉ (Mackinac) પુલ અને આ બંને વિભાગોને જોડે છે. આ રાજ્ય સુપીરિયર, મિશિગન, હ્યુરોન અને ઇરી સરોવરની વચ્ચે આવેલું હોવાથી તેના જુદા જુદા કિનારા સ્થાનભેદે ચારેય સરોવરોને સ્પર્શે છે. આ બંને દ્વીપકલ્પો રમણીય વિહારધામો અને મનોરંજન-સુવિધાઓ ધરાવે છે. સુપીરિયર સરોવરની ધારે ધારે સુપીરિયર અપલૅન્ડ  ઊંચાણવાળો પ્રદેશ વિસ્તરેલો છે. તેનો મોટો ભાગ અસમતળ છે. ત્યાં ઊંચી ટેકરીઓ આવેલી છે. પૉર્ક્યુપાઇન પર્વતો અહીં છે. મસ્કેગૉન ગ્રાન્ડ, સેન્ટ જૉસેફ અને કાલામાઝૂ આ રાજ્યની મુખ્ય નદીઓ છે. રાજ્યના અંદરના ભાગોમાં 11,000થી વધુ સરોવરો આવેલાં છે. રાજ્યનો અર્ધાથી વધુ ભાગ જંગલોથી છવાયેલો છે. મધ્ય-પશ્ચિમ ભૂમિવિસ્તારો અંતરિયાળ સરોવરીય મેદાનોથી બનેલા છે. ઉત્તર દ્વીપકલ્પમાં આવેલાં મેદાનોના નીચા ભાગો કળણોથી આચ્છાદિત છે, પરંતુ દક્ષિણ દ્વીપકલ્પનો મોટો ભાગ પ્રમાણમાં સમતળ છે. મિશિગન સરોવરની સીમા પર ઘણા ટેકરાઓ તથા રેતીના ઢૂવા જોવા મળે છે. દક્ષિણ દ્વીપકલ્પનો દક્ષિણતરફી અર્ધો ભાગ સારી ખેતભૂમિ ધરાવે છે. 604 મીટરની ઊંચાઈ ધરાવતો માઉન્ટ કરવૂડ આ રાજ્યનું ઊંચામાં ઊંચું સ્થળ છે, જ્યારે ઇરી સરોવરનો કિનારો 174 મીટર ઊંચાઈ ધરાવતું નીચામાં નીચું સ્થળ છે.

રાજ્યની આજુબાજુ આવેલાં સરોવરોને કારણે આબોહવા સમધાત રહે છે, પરંતુ શિયાળામાં અહીં ઠંડી પડે છે. ઉત્તર દ્વીપકલ્પ પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. રાજ્યનાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 21° સે. અને –7° સે. જેટલાં રહે છે. ડેટ્રૉઇટ અને સૉલ્ટ સેન્ટ મેરીનું જુલાઈનું મહત્તમ તાપમાન અનુક્રમે 28° સે. અને 24° સે. જેટલું જ્યારે જાન્યુઆરીનું આ બંને સ્થળોનું તાપમાન અનુક્રમે 0° સે. અને –14° સે. જેટલું રહે છે. દક્ષિણ મિશિગનમાં 838 મિમી. જેટલો વરસાદ પડે છે. મિશિગન સરોવર-કિનારે હિમવર્ષા થાય છે. અહીં પશ્ચિમી પવનો વધુ પડતા વાતા હોવાથી સરોવરો પર થઈને વરસાદ આપે છે.

અર્થતંત્ર : આ રાજ્ય ઔદ્યોગિક-ઉત્પાદનક્ષેત્રે મહત્વનું ગણાય છે. ડેટ્રૉઇટ શહેર મિશિગનનું મુખ્ય ઉત્પાદકીય કેન્દ્ર છે. યુ.એસ.ના અન્ય કોઈ પણ ભાગ કરતાં આ રાજ્યમાં મોટરગાડીઓ તેમજ ટ્રકોનું વધુ ઉત્પાદન થાય છે. અન્ય ઉત્પાદકીય શહેરોમાં લૅન્સિંગ, બૅટલ ક્રીક, ગ્રાન્ડ રૅપિડ્ઝ, લિવોનિયા અને પૉન્ટિયાકનો સમાવેશ થાય છે. સેવાઉદ્યોગ-ક્ષેત્રે મિશિગનના આશરે 70 % લોકો રોકાયેલા છે. ડેટ્રૉઇટ વિસ્તારની ગણના યુ.એસ.નાં જથ્થાબંધ અને છૂટક વેપારીમથકો પૈકીના એક તરીકે થાય છે, વળી તે મિશિગનનું મુખ્ય નાણાકીય કેન્દ્ર પણ છે. રાજ્યમાં ઉત્પન્ન થતી પેદાશો ઘણા મોટા જથ્થામાં હોડીઓ, રેલવે તથા ટ્રકો મારફતે અન્યત્ર પહોંચાડાય છે. અહીંની ઉત્પાદકીય પેદાશોમાં મોટરગાડીઓ અને તેની સાધનસામગ્રી, બિનવીજળિક યંત્રસામગ્રી, અન્ય યંત્રસામગ્રી, લોખંડ-પોલાદ, ધાતુમાળખાં, રસાયણો, ઔષધો; ખેતીવિષયક પેદાશોમાં મકાઈ, ખાદ્યપેદાશો, દૂધ અને દૂધની પેદાશો; સૂકું ઘાસ, ઢોરમાંસ અને ડુક્કરોનો તથા ખનિજપેદાશોમાં ખનિજતેલ, કુદરતી વાયુ, લોહઅયસ્ક અને તાંબું વગેરેનો સમાવેશ થાય છે.

લોકો : આ રાજ્યની કુલ વસ્તી 98,83,640 (2010) જેટલી છે. અહીંનાં મુખ્ય શહેરોમાં લૅન્સિંગ, ડેટ્રૉઇટ, ગ્રાન્ડ રૅપિડ્ઝ, વૉરેન અને ફ્લિન્ટનો સમાવેશ થાય છે. ડેટ્રૉઇટ તેના ડેટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ (1885) અને હેન્રી ફૉર્ડ મ્યુઝિયમ માટે જાણીતું છે.

ઇતિહાસ : 17મી સદીની શરૂઆતમાં ફ્રેંચ લોકો પ્રથમ વાર આવ્યા ત્યારે અહીં આશરે 15,000 જેટલા ઇન્ડિયનો રહેતા હતા. ફ્રેંચોએ અહીં પોતાનાં થાણાં નાખ્યાં, આ વિસ્તાર માટે ઉત્તર દ્વીપકલ્પના સૉલ્ટ સેન્ટ મેરી ખાતે 1668માં તેમણે વસવાટ શરૂ કર્યો. 1701માં ડેટ્રૉઇટ વસ્યું. ફ્રાંસે દાવો મૂક્યો. 18મી સદીના ઉત્તરાર્ધ ભાગની શરૂઆતમાં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે આ વિસ્તાર માટે લડાઈઓ થઈ. 1763માં પૂરી થયેલી લડાઈમાં બ્રિટને ફ્રાંસ પાસેથી મિશિગનનો વિસ્તાર જીતી લીધો. 1775–1783ની અમેરિકી ક્રાંતિ પછી 1796માં આ વિસ્તાર યુ.એસ.ના કબજામાં ગયો. 1837માં આ વિસ્તારને મિશિગન રાજ્યનો દરજ્જો મળ્યો, પરંતુ તે પહેલાં આ વિસ્તાર ત્રણ જુદા જુદા પ્રદેશો હેઠળ રહેલો. 1840ના દસકાના અંત-ભાગમાં આ રાજ્યમાં ખાણકાર્ય મોટા પાયા પર ચાલ્યું. અહીંથી મેળવવામાં આવેલાં ધાતુખનિજોને અન્યત્ર મોકલવાની જરૂરિયાત પૂરી કરવા માટે 1855માં સૂ (Soo) નહેરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું.

મિશિગન રાજ્યના મહાનગર ડ્રેટ્રૉઇટમાં રેનેસાં સેન્ટર અને ગગનચુંબી ભવનો

1861–65 દરમિયાન યુ.એસ.માં આંતરસંઘર્ષો થયેલા, તે પછી મિશિગનમાં લાકડાંના ઉત્પાદનનો ઉદ્યોગ મહત્વનો બની રહ્યો. યુનાઇટેડ સ્ટેટ્સે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું તે દરમિયાન (1917) મિશિગનનાં કારખાનાંઓમાં લશ્કરી શસ્ત્રસરંજામ મોટા પ્રમાણમાં તૈયાર થતો હતો. તે ગાળામાં મિશિગનનો આખોય મોટરગાડીઓનો ઉદ્યોગ આ લશ્કરી સરંજામનું ઉત્પાદન કરવામાં ફેરવાઈ ગયો હતો. 1970ના અને 1980ના બંને દસકાઓ દરમિયાન મોટરગાડીઓના ઉત્પાદનમાં મંદી આવી હતી, પરંતુ 1985 સુધીમાં તો તેના વેચાણમાં સુધારો આવતો ગયો અને અગાઉ ઊભી થયેલી બેકારી પણ ઘટી ગઈ. 20મી સદીના છેલ્લા દસકાથી મિશિગન સતત પ્રગતિ કરતું રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા