મિશિગન (શહેર) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના લા પૉર્ટ પરગણામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 42´ ઉ. અ. અને 86° 53´ પ. રે. પર આવેલું છે. તે શિકાગોથી પૂર્વમાં આશરે 90 કિમી. દૂર આવેલું છે.

એક સમયે અહીંથી ફક્ત લાકડાંની જ નિકાસ થતી હતી, પરંતુ આજે અહીં મોટરગાડીઓ, વીજાણુયંત્રો, કાપડ, રાચરચીલું અને ખનન-સાધનો બનાવવાના ઘણા એકમો સ્થપાયેલા છે. સરોવરના કિનારે શહેરમાં નાના આવાસો ઊભા કરવામાં આવ્યા છે. ઉનાળામાં ઘણા લોકો રજાઓ ગાળવા અહીં આવે છે, આથી તે પ્રવાસનધામ તરીકે જાણીતું બન્યું છે. અહીં આવેલા મૈત્રીબાગ(friendship garden)માં વિવિધ દેશોમાંથી જાણીતા છોડ લાવીને તેમનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત આ શહેર મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે.

મિશિગન યુનિવર્સિટી

1830માં મેજર આઇઝેક એલ્સટને ઓહાયો નદીથી એક રસ્તો બાંધ્યો હતો. સરોવર માટે દીવાદાંડી પણ બનાવી હતી, તે અહીંના સંગ્રહાલયમાં જાળવી રખાયેલી છે. 1860માં અહીં એક જેલનું નિર્માણ પણ કરાયું હતું. આ શહેરની વસ્તી 2012માં 31,150 જેટલી હતી.

નીતિન કોઠારી