મિલ્સ્ટાઇન સીઝર (જ. 8 ઑક્ટોબર 1927, બાહિયા બ્લાન્કા, આર્જેન્ટિના; અ. 24 માર્ચ 2002, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : 1984ના તબીબી અને દેહધાર્મિકવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમની સાથે સહવિજેતાઓ હતા નીલ્સ કાજ જેર્ને અને જ્યૉર્જ જે. એફ. કોહલર. શરીરના રોગપ્રતિકારતંત્રને પ્રતિરક્ષાતંત્ર (immune system) કહે છે. આ પ્રતિરક્ષાતંત્ર રોગકારક ઘટકમાંનાં રસાયણોને પ્રતિજન(antigen) તરીકે ઓળખીને તેમની સામે કાર્ય કરે એવા પ્રતિદ્રવ્ય(antibody) નામના ગ્લૉબ્યુલિનના અણુઓ બનાવે છે. પ્રતિજન-પ્રતિદ્રવ્ય વચ્ચેની આંતરક્રિયા વડે રોગકારક ઘટકનો નાશ કરાય છે. આ રીતે રોગનો પ્રતિકાર કરાય છે. જ્યારે કોઈ એક જ પ્રકારના કોષો સક્રિય બનીને એક જ પ્રકારનાં પ્રતિદ્રવ્યો બનાવે ત્યારે તેને એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies) કહે છે. આ સંશોધકોએ એકકોષગોત્રી પ્રતિદ્રવ્યોના ઉત્પાદનના સિદ્ધાંતો શોધી કાઢ્યા તથા પ્રતિરક્ષાતંત્રનાં વિકાસ અને નિયંત્રણમાં રહેલી વિશિષ્ટતા (specificity) અંગે સિદ્ધાંતવૃત્તો (theories) રચ્યાં.

પ્રતિરક્ષાતંત્રમાં સક્રિય કોષોને લસિકાકોષો (lymphocytes) કહે છે. દરેક અલગ પ્રકારનો પ્રતિજન તેના વિશિષ્ટ પ્રતિદ્રવ્ય સાથે જ પ્રતિક્રિયા કરે છે. માટે અનેક પ્રકારનાં પ્રતિદ્રવ્યો બનાવવાની ક્ષમતાનો શરીરમાં સંગ્રહ થાય છે. તે માટે લસિકાકોષોનું અલગ અલગ કોષગોત્ર (clone) વિકસે છે. આવાં વિશિષ્ટ પ્રતિદ્રવ્યોને એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય કહે છે. ચોક્કસ પ્રકારનો પ્રતિજન ધરાવતો રોગકારક ઘટક શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામેના ચોક્કસ પ્રકારના એકકોષગોત્રી પ્રતિદ્રવ્યનું ઉત્પાદન થાય છે. આ સંશોધકોએ આ સમગ્ર સંકુલ પ્રક્રિયાને સમજાવતા સિદ્ધાંતો અને સિદ્ધાંતવૃત્તો (theories) રચ્યાં. પ્રતિરક્ષાલક્ષી કોષોને પોષક સંવર્ધન માધ્યમો(nutrient culture media)માં ઉછેરવા મુશ્કેલ છે. સન 1975માં કોહલર અને મિલ્સ્ટાઇને કેમ્બ્રિજ ખાતે બ્રિટિશ મેડિકલ રિસર્ચ કાઉન્સિલ લૅબોરેટરીના આણ્વિક જીવવિદ્યા-વિભાગમાં સંશોધનો કર્યાં. તેમણે મજ્જાર્બુદ (myeloma) નામના કૅન્સરના કુદરતી અમર કોષો(immortal cells)નું ઉંદરની બરોળનાં પ્રતિદ્રવ્યો ઉત્પન્ન કરતા લસિકાકોષો સાથે સંયુગ્મન કર્યું. તેને પરિણામે એક નવા પ્રકારના અમર કોષોનું ઝૂમખું બન્યું, જેને કોષગોત્ર (clone) કહે છે. આ કોષગોત્ર ચોક્કસ પ્રકારનું પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરે છે. આ રીતે જુદા જુદા પ્રકારના વિશિષ્ટ પ્રતિદ્રવ્ય પ્રમાણે વિવિધ પ્રકારનાં કોષગોત્રો બની શકે છે. હાલ તેમનો ઉપયોગ નિદાન તથા ચિકિત્સાક્ષેત્રે થઈ રહ્યો છે. હાલ અતિસંવેદિતતા, સગર્ભાવસ્થા, કૅન્સર, એઇડ્ઝ અને જનીની ઇજનેરી વગેરે ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

શિલીન નં. શુક્લ