મિલ, જેમ્સ (જ. 6 એપ્રિલ 1773, નૉર્થવૉટર બ્રિજ, ફૉરફાસ્શાયર, સ્કૉટલૅન્ડ; અ. 23 જૂન 1836, લંડન) : બ્રિટિશ ચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાના આશયથી 1802માં લંડન આવી આ ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવી. પ્રારંભે ‘લિટરરી જર્નલ’ના અને ત્યારબાદ ‘સેંટ જેમ્સ ક્રૉનિકલ’ના સંપાદક બન્યા. આ ઉપરાંત તેઓ લંડનનાં જાણીતાં સામયિકોમાં નિયમિત કટારલેખન કરતા હતા.
આ અરસામાં તેમણે બ્રિટનમાં પ્રચલિત થયેલ ઉપયોગિતાવાદી વિચારશાખાને સમર્થન પૂરું પાડ્યું. આ વિચારશાખાના પ્રણેતા બેન્થામના તેઓ ર્દઢ સમર્થક હતા. આ વિચારધારા ચિંતનના વૈજ્ઞાનિક પાયા પર ભાર મૂકી, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માનવીય અભિગમની હિમાયત કરતી હતી. તેમના મિત્રવર્તુળમાં બેન્થામ, રિકાર્ડો અને ઑસ્ટિન જેવા ખ્યાતનામ ચિંતકોનો સમાવેશ થતો હતો. જાહેર જીવનને સ્પર્શતી બાબતોમાં ઊંડો રસ લઈ પત્રકારત્વના માધ્યમ દ્વારા શિક્ષણ, સ્વાતંત્ર્ય અને પ્રેસ અંગે તેઓ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા હતા. લંડન યુનિવર્સિટીની સ્થાપના અંગેની ચર્ચાઓમાં તેમણે રસપૂર્વક ભાગ લીધો હતો. તેમના પ્રથમ સંતાન અને પ્રસિદ્ધ ચિંતક જ્હૉન સ્ટુઅર્ટ મિલના શિક્ષણમાં ઊંડો રસ દાખવી તેનું ઘડતર કર્યું. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની ચોથી, પાંચમી અને છઠ્ઠી આવૃત્તિઓમાં રાજ્યશાસ્ત્ર, કાયદા અને શિક્ષણ અંગે તેમણે અધિકરણો લખી આપેલાં. એ યુગમાં આ લેખો પુનરાવૃત્તિના સ્વરૂપમાં વ્યાપક ફેલાવો ધરાવતા હતા. 1820માં પ્રકાશિત થયેલ તેમના ‘ગવર્નમેન્ટ’ લેખનો, બ્રિટિશ જાહેર મતના ઘડતરમાં ખાસ્સો પ્રભાવ હતો. આ લેખથી બ્રિટિશ પાર્લમેન્ટના 1832ના મતાધિકારનું પુનર્ઘડતર કરતા અને તેને વિસ્તૃત બનાવતા પ્રથમ રિફૉર્મ બિલની ભૂમિકા ઘડવામાં તેમણે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. ઉપયોગિતાવાદી ચિંતકો દ્વારા રાજકીય સિદ્ધાંત બાબતે વ્યક્ત થયેલી એ સૌથી સંક્ષિપ્ત અને ચોટદાર રજૂઆત હતી. એથી વિવિધ રાજકીય વિચારોને ઉત્તેજન મળ્યું અને સામાજિક-આર્થિક સુધારા પરત્વે એક પ્રકારની પ્રતિબદ્ધતા કેળવાઈ. અધિકારો, સ્વતંત્રતા અને સમાનતાની નૂતન વિભાવના અંગે તેમણે બ્રિટિશ અગ્રવર્ગને નવી ર્દષ્ટિ પૂરી પાડી અને બ્રિટિશ રાજકારણને પ્રભાવિત કર્યું.
તેમનું અન્ય અભ્યાસનિષ્ઠ, અસાધારણ અને ચિરસ્મરણીય પ્રદાન તે ‘હિસ્ટરી ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા’ના ત્રણ ગ્રંથો છે. આ અભ્યાસપૂર્ણ ગ્રંથના પ્રકાશન બાદ ઇન્ડિયા હાઉસમાં તેઓ અધિકારી-પદે નિમાયા અને તત્પશ્ચાત્ વિવિધ હોદ્દાઓ પર ઉત્તરોત્તર બઢતી પામતા રહ્યા. આ મહાન અને સાહિત્યિક સિદ્ધિ સમા ગ્રંથમાં ભારતમાં વિજેતા બનનાર બ્રિટિશ શાસકોના શાસન-પ્રયાસોનું ઝીણવટભર્યું આલેખન છે. તેમાં હિંદુ સંસ્કૃતિના વિકાસ અંગે મૌલિક રાજકીય ચિંતન દ્વારા તેમણે બ્રિટિશ શાસનના વિવિધ તબક્કાઓની તથા બ્રિટિશ વહીવટની કડક અને તીવ્ર આલોચના કરતાં જણાવેલું કે બ્રિટિશ શાસકોએ યુરોપીય હિતો અને નીતિઓનો ખ્યાલ કરવા જતાં, હિંદુ પરંપરાઓને કચડી નાખી છે. આ અંગેના 17 વર્ષના તેમના અનુભવો અને ભારત અંગેના વિશદ વાચનને કારણે બ્રિટિશ સરકારને તેની નીતિઓ અંગે ફેરવિચારણા કરવાની ફરજ પડી હતી.
તેમના અન્ય ગ્રંથોમાં ‘એલિમેન્ટ્સ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1821), ‘ઍનાલિસિસ ઑવ્ ધ ફિનોમિના ઑવ્ ધ હ્યૂમન માઇન્ડ’ (1829) અને ‘ફ્રૅગ્મેન્ટ ઑન મેકિન્ટોશ’(1835)નો સમાવેશ થાય છે. ‘ઍનાલિસિસ ઑવ્ ધ ફિનોમિના ઑવ્ ધ હ્યૂમન માઇન્ડ’ અગત્યનો ચિંતનાત્મક ગ્રંથ છે; જેમાં તે યુગના સાથી ચિંતકો પર આકરો વૈચારિક હુમલો કરવામાં આવ્યો છે તેમજ ઉપયોગિતાવાદી ચિંતનને તેમણે મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે.
રક્ષા મ વ્યાસ