મિલ્ટિયાડીઝ (જ. ઈ. સ. પૂ. 554, ઍથેન્સ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 489, ઍથેન્સ) : ઈરાનીઓ સામે મૅરેથોનની લડાઈમાં વિજય મેળવનાર ઍથેન્સનો સેનાપતિ. તે શ્રીમંત પરિવારનો નબીરો હતો. તેના પિતા સિમોન ઑલિમ્પિક રમતોમાં ત્રણ વાર ઘોડદોડમાં વિજયી થયા હતા. તેને તુર્કીમાં ગેલીપોલી પેનિન્સ્યુલાની જાગીર વારસામાં મળી હતી. ઈરાનના સમ્રાટ દરાયસ પહેલાના સમયમાં તેનો દરજ્જો ઈરાની સામંતનો થઈ ગયો હતો. ઈ. સ. પૂ. 499માં ઈરાનીઓ સામે થયેલા આયોનિયન બળવામાં બળવાખોરો સાથે જોડાઈને તેણે લેમ્નોસ અને ઇમ્બ્રોસ ટાપુઓ કબજે કરીને ઍથેન્સને સોંપી દીધા હતા. ઍથેન્સમાં ઈ. સ. પૂ. 493થી તે દસમાંના એક સેનાપતિ તરીકે દર વરસે ચૂંટાતો હતો. ઈ. સ. પૂ. 490માં ઈરાને ગ્રીસ પર આક્રમણ કર્યું. ઈરાનીઓનો સામનો મૅરેથોન આગળ કરવા ઍથેન્સવાસીઓને મિલ્ટિયાડીઝે સમજાવ્યા. તેના નેતૃત્વ હેઠળ મૅરેથોનની લડાઈમાં ઍથેન્સને જ્વલંત વિજય મળ્યો. તેથી તેની પ્રતિષ્ઠા ખૂબ વધી. ઈ. સ. પૂ. 489માં તેણે પેરોસના ટાપુ પર હુમલો કર્યો. તેમાં વિજય ન મળવાથી ઍથેન્સના તેના વિરોધીઓએ તેની સામે કેસ કર્યો. તેને દંડ અને કેદની સજા થઈ. થોડા સમય બાદ તે જેલમાં જ મરણ પામ્યો.
જયકુમાર ર. શુક્લ