મિલ્ટન, જૉન (જ. 9 ડિસેમ્બર 1608, ચીપસાઇડ; અ. 8 નવેમ્બર 1674, લંડન) : અંગ્રેજ કવિ. પિતા વ્યવસાયે નોટરી, ધર્મે પ્યુરિટન અને સંગીત તથા સાહિત્યના શોખીન. પુત્ર જૉનને પ્યુરિટન સંપ્રદાયમાં ઊંડી શ્રદ્ધા અને સંગીત-સાહિત્યનો શોખ પિતા તરફથી વારસામાં મળેલાં. પિતાએ પુત્રના શિક્ષણ માટે ગૃહશિક્ષકની વ્યવસ્થા કરેલી. વળી, થોડો અભ્યાસ જૉને લંડનની ખ્યાત સેન્ટ પૉલ્સ શાળામાં કર્યો. 1625માં તેઓ કેમ્બ્રિજમાં ક્રાઇસ્ટ કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પિતાની ઇચ્છા ત્યારે એવી હતી કે પુત્ર જૉન ઇંગ્લૅન્ડના ચર્ચમાં જોડાય અથવા તો વકીલ બને. જૉનને ધર્મમાં શ્રદ્ધા જરૂર હતી, પરંતુ ધર્મસંસ્થામાં શ્રદ્ધા નહોતી; તેથી ચર્ચમાં ન જોડાયા. વળી, અભ્યાસકાળ દરમિયાન એમની ગંભીર જ્ઞાનસાધનાએ એમને વકીલ બનતાં વાર્યા. બારેક વર્ષની ઉંમર થતાં તો મિલ્ટન રોજ રાત્રે મોડે સુધી જાગી વાચન કરતા. ગ્રીક અને લૅટિન સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથો પ્રત્યેનું એમનું આકર્ષણ ત્યારે ભારે હતું. આવા વિદ્યોપાસક યુવક મિલ્ટનને તેમની સુંદરતાને અનુલક્ષીને કૉલેજકાળ દરમિયાન મિત્રો ‘લૅડી ઑવ્ ધ ક્રાઇસ્ટ્સ’ તરીકે સંબોધતા અને સ્નેહ કરતા.

જૉન મિલ્ટન

કેમ્બ્રિજમાં 1632માં અભ્યાસ પૂરો કર્યો અને તત્કાલ કંઈ પણ કામ ન સ્વીકારતાં હૉર્ટન ગામમાં પૈતૃક નિવાસમાં જઈને વસ્યા. લગભગ છએક વર્ષ ત્યાં એેકાંત અને એકલતામાં ગાળ્યાં અને મૌન સેવ્યું. ગ્રીક, લૅટિન, હિબ્રૂ, સ્પૅનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન અને અંગ્રેજી સાહિત્યનો સઘન અભ્યાસ કર્યો; સાથે સાથે ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સંગીતનો પણ અભ્યાસ કર્યો. સંગીતના એમના અભ્યાસે એમની કવિતાને ઘણો મોટો લાભ કરી આપ્યો છે. હૉર્ટનનો આ એકાંતવાસ એમની મનુષ્ય તરીકેની ઊર્ધ્વ અને પૂર્ણ સાધનાનો ગાળો હતો. 1638માં જૉન મિલ્ટન ઇટાલીના પ્રવાસે નીકળે છે.

ફ્રાન્સ, સ્વિટ્ઝલૅંડ અને ઇટાલીમાં એમનો સત્કાર થાય છે અને સન્માન પ્રાપ્ત કરે છે; પરંતુ આ પ્રવાસ દરમિયાન જ ઇંગ્લૅન્ડમાં રાજા અને પાર્લમેન્ટ વચ્ચે વૈમનસ્ય જન્મતાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યાના સમાચાર મળતાં ઇંગ્લૅન્ડમાં જનતાની સ્વાતંત્ર્યની એ ઝુંબેશમાં ભાગ લેવા જૉન મિલ્ટન પોતાનો પ્રવાસ અધૂરો મૂકી, 1639માં વતન પાછા ફરે છે. એમને મન માનવ-આત્માનું સ્વાતંત્ર્ય એ વિશ્વમાં સૌથી મોંઘી વસ્તુ હતી. સાહિત્યનો અભ્યાસ અને સાહિત્યનું સર્જન બધું જ બાજુ પર મૂકી જૉન મિલ્ટન રાજકારણમાં સક્રિય બને છે – કોઈ રાજકીય પદપ્રાપ્તિની મહત્વાકાંક્ષાથી નહિ, કિન્તુ માનવ–આત્માની મોંઘેરી મુક્તિના જતન માટેના મહાયજ્ઞના ઋત્વિજ બનવા. રાજા, રાજાશાહી વગેરે વિશે નાનાંમોટાં ગદ્યલખાણો એ પ્રકટ કરે છે. 1649માં રાજાને દેહાન્ત દંડ મળ્યા પછી આખું ઇંગ્લૅન્ડ થથરી ગયું હતું ત્યારે જૉન મિલ્ટનનું ‘ટેન્યુર ઑવ્ કિંગ્ઝ ઍન્ડ મૅજિસ્ટ્રેટ્સ’ બહાર પડે છે. પ્રજા આથી આશ્વસ્ત થાય છે. નવી સરકારની રચના થાય છે, જેમાં મિલ્ટનને વિદેશી ભાષાઓના સેક્રેટરી તરીકે નીમવામાં આવે છે. થોડાં વર્ષો સુધી, એટલે કે કૉમનવેલ્થના અંત સુધી, એમ માનવામાં આવતું કે ઇંગ્લૅન્ડમાં બે જ મહાન નેતાઓ છે : એક ક્રૉમવેલ અને બીજા જૉન મિલ્ટન. ક્રૉમવેલ કાર્યપુરુષ તરીકે અને મિલ્ટન વિચારપુરુષ તરીકે પ્રજાહૃદયમાં આદર પામે છે અને સ્થિર આસન જમાવે છે.

દરમિયાનમાં મિલ્ટનના જીવનમાં બે મહત્વની ઘટનાઓ બને છે : 1643માં રાજાશાહીને પુરસ્કારતા ખાનદાન કબીલાની પુત્રી મૅરી પૉવેલ સાથે લગ્ન થાય છે. મોજમજા અને એશ-આરામમાં ઊછરેલી એ કન્યાની વિચારસરણી અને જીવનશૈલી સાથે અતિ સંયમવાદી અને પરમ બૌદ્ધિક મિલ્ટનનો મેળ જામ્યો નહિ અને એકાદ માસમાં જ લગ્નજીવન ભંગાણને આરે પહોંચી ગયું. મુક્તિના હિમાયતી મિલ્ટને ‘ડૉક્ટ્રિન ઍન્ડ ડિસિપ્લિન ઑવ્ ડિવૉર્સ’ તથા ‘ટેટ્રાકૉર્ડન’ નામક પૅમ્ફ્લેટ પ્રસિદ્ધ કર્યાં; જેને પરિણામે લોકોમાં એમના વિશે ગેરસમજ પણ પેદા થઈ. આખરે મૅરી ચૂપચાપ રોતીકકળતી મિલ્ટનને શરણે ગઈ; પણ એ લગ્નજીવનમાં ભાગ્યે જ સુખચેનની અનુભૂતિ થઈ. 1653માં મૅરીનું અવસાન થતાં થોડાં વર્ષ બાદ મિલ્ટને બીજું લગ્ન કર્યું. એ પત્ની પણ લગ્ન પછી 15 મહિને મૃત્યુ પામી. 1663માં મિલ્ટને ત્રીજી વાર લગ્ન કર્યું અને એ ત્રીજી વારની પત્નીએ રંક અને અંધ કવિને એમના મૃત્યુ સુધી સ્નેહ અને સલૂકાઈથી સંભાળ્યા. વળી, આ ત્રીજા લગ્ન પૂર્વે રાજા ચાર્લ્સ બીજાને કેદ કરવામાં આવ્યા હતા ત્યારે, એટલે કે 1649માં કોઈએ રાજાની પવિત્રતાને પુરસ્કારતું અને પ્યુરિટનોને તિરસ્કારતું પુસ્તક ‘એઇકન બૅસિલિક’ (શાહી પ્રતિમા) પ્રકટ કર્યું ને તે લોકચાહના પામ્યું; ત્યારે રાજાશાહીના વિરોધમાં અને મુક્ત પ્રજાશાહીની તરફેણમાં, પોતાની મંદ પડી રહેલી નેત્રજ્યોતિની પરવા કર્યા વગર, મિલ્ટને પ્રસ્તુત પુસ્તકના વળતા ઉત્તર-પ્રતિભાવ રૂપે ‘એઇકનોકલાસ્ટિસ’ (પ્રતિમાભંજક) બહાર પાડ્યું. ચાર્લ્સ પહેલાના વધ પછી, પ્યુરિટનો પર પસ્તાળ પાડતું પુસ્તક ‘ડિફેન્સિઓ રેગિઆ પ્રો ચાર્લો ફર્સ્ટ’ લૅટિનમાં પ્રકટ થયું. સમસમી ઊઠેલા મિલ્ટને માનવની મુક્તિઝંખનાનો પક્ષ લેવા ઓલવાતાં આંખનાં ઓજસને હોડમાં મૂકી ખૂબ જહેમતપૂર્વક પ્રસ્તુત પુસ્તકના પ્રતિવાદ રૂપે ભવ્ય એવું ‘ડિફેન્સિઓ પ્રો પૉપ્યૂલો ઍંગ્લિકૅનો’ પ્રકટ કર્યું. એ પુસ્તકનું લેખન પૂરું થાય તે પહેલાં જ મિલ્ટને 1652માં ર્દષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી.

યુવાનવયે એમણે કેટલાંક નગણ્ય કાવ્યો રચ્યાં હતાં; પણ એમની જાણીતી થયેલી અને એમને જાણીતા કર્યા હોય તેવી પ્રથમ કાવ્યરચના હતી ‘ઑન ધ મૉર્નિંગ ઑવ્ ક્રાઇસ્ટ્સ નૅટિવિટી’ નામક સ્તોત્રકાવ્ય, જે એમની વિદ્યાધાત્રી ક્રાઇસ્ટ્સ કૉલેજને અનુલક્ષીને છે. 1631થી 1637ના ગાળા દરમિયાન એમણે ‘લલેગ્રો’, ‘ઇલ પેન્સેરોઝો’, ‘કૉમસ’ અને ‘લિસિડાસ’ નામક કાવ્યો પ્રકટ કર્યાં. ‘કૉમસ’ (1634) એ અર્લ ઑવ્ બ્રિજવૉટર અને તેમની મિત્રમંડળી સમક્ષ રજૂ થયેલો માસ્ક છે. આમાં એમણે અસતની સામે સતના વિજયની વાત વર્ણવી છે. ‘લલેગ્રો’માં પ્રભાતનાં પ્રાકૃતિક મધુર વર્ણનો અને ‘ઇલ પેન્સેરોઝો’માં સંધ્યા અને ચંદ્રોદયની નૈસર્ગિક રમણાને નિરૂપતી કંડિકાઓ છે. આ કાવ્યોમાં ઉમદા આનંદની છોળો ઊછળે છે, જે ઇલિઝાબેથન યુગના પ્રભાવનું જ પરિણામ ગણી શકાય. ‘લિસિડાસ’ (1637) ગોપજીવનની કરુણપ્રશસ્તિ છે. આ ઉપરાંત એમણે આ ગાળા દરમિયાન ‘ઓર્કડીઝ’ નામક એક અન્ય માસ્ક અને સૉનેટોની રચના કરેલી. તેમાં સૉનેટના અંતરંગ અને બહિરંગમાં નૂતન ઉન્મેષ વ્યક્ત કરતી તેમની આત્મલક્ષી અને અંગત ભાવોર્મિઓનું પ્રાધાન્ય છે. તેમણે સૉનેટના ઇટાલિયન સ્વરૂપસૌંદર્યને આત્મસાત્ કરીને અંગ્રેજી ભાષામાં તેને ગૌરવાંકિત કર્યું છે. એમનાં કેટલાંક સૉનેટોનાં અષ્ટકોમાં ઇટાલિયન પ્રાસરચના abba abbaનો ઉપયોગ કર્યો છે તો ષટ્કોની પ્રાસરચનામાં cde cde, cdcdcd, cde dce જેવું વૈવિધ્ય દાખવ્યું છે. વળી, પંક્તિગુચ્છોમાં વિભાજિત કરવાને બદલે એમણે સળંગ 14 પંક્તિઓનાં સૉનેટો લખવાનું પસંદ કરી અંગ્રેજી સૉનેટમાં આગવી મુદ્રા ઉપસાવી છે. એકાદ સૉનેટને બાદ કરતાં એમણે એમનાં સૉનેટોમાં દેશભક્તિ, કર્તવ્ય, સંગીત આદિ વિષયોને મહત્ત્વ આપ્યું છે.

અંધત્વ પ્રાપ્ત થયા પછીના એમના આયુષ્યકાળની 3 વિશ્વખ્યાત અને કીર્તિદા કલાકૃતિઓ તે ‘પેરડાઇસ લૉસ્ટ’ (1665), ‘પૅરડાઇસ રિગેન્ડ’ અને ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’. યુનિવર્સિટીમાં મિલ્ટન અભ્યાસ કરતા હતા ત્યારે માતબર વિષય પર કાવ્ય રચવા માટે લગભગ સોએક વિષયવસ્તુની સૂચિ તેમણે તૈયાર કરી હતી. સર્જનકારકિર્દીના આરંભકાળથી જ ગહનગંભીર પ્રકૃતિના આ કવિએ એવા ગહનગંભીર વિષય પર મહાન કાવ્ય રચવાની નેમ રાખી હતી. એમનું એ સ્વપ્ન વર્ષો સુધી ઘૂંટાતું રહ્યું અને આયુષ્યના અંતિમ દાયકામાં બ્લૅન્ક વર્સમાં સુઘટ્ટ અને પ્રશિષ્ટ ભાષાશૈલીમાં ‘પૅરડાઇસ લૉસ્ટ’ નામક મહાકાવ્યની રચનામાં સિદ્ધ થયું. આ કાવ્યની રચના પછી તેમના એક મિત્ર ટૉમસ એલવુડના સૂચન અનુસાર એમણે ‘પૅરડાઇસ રિગેન્ડ’ની રચના કરી. એમની અંતિમ રચનામાં ઇઝરાયલના બળવાન પુરુષ સૅમ્સનની ખૂબ પ્રતીતિકારકતાથી અને પ્રાચીન ગ્રીક નાટકની ઢબે રચાયેલી ટ્રૅજેડી છે ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’. આ રચનામાં તેના કરુણવીર નાયક સૅમ્સનનું સામ્ય મિલ્ટનના પોતાના જીવન સાથે હોઈ તે અમુક અંશે આત્મકથનાત્મક રચના બનવા પામી છે.

મિલ્ટનની કવિતા એમાંનાં લયસંગીત, કલ્પનાવૈભવ, ઉમદા જીવનસંદેશ અને જીવનમૂલ્યો, તાજગીભરી ભાષાશૈલી અને ગહનગંભીર નિરૂપણરીતિ આદિને કારણે માત્ર તે કાળની જ નહિ, પરંતુ સર્વ કાળની અંગ્રેજી કવિતામાં ઊંચું શિખર સર કરી શકી છે.

ધીરુ પરીખ