મિલ્ખાસિંહ (જ. 8 ઑક્ટોબર 1935, લાયલપુર, પાકિસ્તાન) : ‘ઊડતા શીખ’નું પદ પામી દંતકથારૂપ બની જનાર ભારતીય રમતવીર. જન્મસમયે લાયલપુર ભારતીય પંજાબનું નગર હતું. પરિવાર સાધારણ સ્થિતિનો. પિતા સંપૂર્ણસિંહ અને માતા નિર્મલકૌર મિલ્ખાની બાલવય દરમિયાન અવસાન પામ્યાં. ભાગલા-સમયે માનવીમાંના શેતાને જે હત્યાકાંડ મચાવ્યો તેમાંથી માંડ બચીને અનાથ મિલ્ખાએ મોટા ભાઈ માખનસિંહનું શરણ લીધું. માખનસિંહ સેનામાં હવાલદાર હતા. પંદર વર્ષની વયે મિલ્ખાએ મોટરવાહનોની દુકાને નોકરી આરંભી. ભણવામાંથી તેમનું મન ઊઠી ગયું. મોટા ભાઈએ તેમને સેનામાં ભરતી કરાવી દીધા. અહીં સુધી મિલ્ખાને રમતગમતમાં કંઈ આકર્ષણ હતું નહિ; પણ સેનામાં તેમને જે સાથીઓ મળ્યા તેમના પ્રતાપે તેમને રમત-ગમતમાં રુચિ જાગી. ખેલકૂદ, બાસ્કેટબૉલ, ફૂટબૉલ, હૉકી આદિ રમતોમાં તેઓ સક્રિય થયા. મિત્રોની સલાહથી તેમણે 400 મિ. દોડ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1956માં પતિયાલામાં યોજાયેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં તેમણે નિયામકોનું ધ્યાન ખેંચ્યું. એ જ વર્ષે મેલ્બૉર્ન ઑલિમ્પિકમાં તેમને મોકલવામાં આવ્યા.

મિલ્ખાસિંહ

પૂર્વાનુભવના અભાવે તેઓ ધારી સફળતા મેળવી ન શક્યા. પણ પછી કટક રાષ્ટ્રીય રમતોત્સવમાં તેમણે 200 અને 400 મીટર દોડમાં નવા વિક્રમો સ્થાપ્યા. ટોકિયોમાં એશિયાઈ રમતોત્સવમાં તેમણે પાકિસ્તાની ચૅમ્પિયન અબ્દુલ ખાલિકને હરાવ્યો અને 200 અને 400 મી.ની દોડ જીતી. જાપાનના સમ્રાટે ત્યારે અભિનંદન આપતાં કહ્યું : ‘તમે વિશ્વશ્રેષ્ઠ બનવાની યોગ્યતા ધરાવો છો…….. દોડતા રહો……..’ 1958માં રાષ્ટ્રસમૂહ રમતોત્સવમાં આફ્રિકી રાક્ષસ માલ્કમને હરાવીને મિલ્ખાએ સુવર્ણચંદ્રક મેળવ્યો. 1960માં લાહોરમાં પાકિસ્તાનના પ્રમુખની ઉપસ્થિતિમાં મિલ્ખાએ ફરી અબ્દુલ ખાલિકને હરાવ્યો. 1960ની રોમ ઑલિમ્પિકમાં વિશ્વવિક્રમ સ્થાપવા છતાં મિલ્ખાની પદકની આશા પૂરી થઈ નહિ. તેમણે 42.5 સેકંડમાં 400 મી. દોડ પૂરી કરી. મિલ્ખાનો એશિયાઈ વિક્રમ બે દાયકા સુધી અકબંધ રહ્યો. 200 અને 400 મી.ના તેમના રાષ્ટ્રીય વિક્રમો 33 વર્ષ સુધી અતૂટ રહ્યા.

ઑલિમ્પિક ચંદ્રક ચૂક્યાનો આઘાત મિલ્ખા માટે નિરાશાજનક નીવડ્યો. તેમણે ખેલકૂદ-ક્ષેત્રમાંથી સંન્યાસ લીધો. જોકે રહી રહીને 1969માં અમેરિકાએ હૅલ્મ્સ પુરસ્કારથી તેમનું સન્માન કર્યું.

પાછળથી તેઓ પંજાબ શાસનમાં રમતવિભાગના નિર્દેશક નિમાયા. તેમનો વિક્રમ તોડનાર દોડવીરને એક લાખનો પુરસ્કાર આપવાની તેમણે ઘોષણા કરી. પુરસ્કાર જીતવા કોઈ સમર્થ થયું નહિ. મિલ્ખાને ‘ઊડતા શીખ’ બનાવનારી ઘટના 1962માં ઘટી. ત્યારે ભારત-પાકિસ્તાન રમતોત્સવ લાહોરમાં યોજાયો હતો. તેમાં મિલ્ખાએ પાકિસ્તાનના વિશ્વશ્રેષ્ઠ અબ્દુલ ખાલિકને જે રીતે પાછળ પાડી દીધો તે જોઈને સૌ બોલી ઊઠ્યા, ‘અરે આ માણસ તો ઊડે છે !’ મિલ્ખાને ઊડતા જોવા ક્રીડાંગણમાં એકત્ર થયેલી બુરખાધારી 30,000 મહિલાઓએ તેમના બુરખા ઉઠાવી લીધા હતા. આ અદભુત માણસના દર્શનનો લાભ કેમ જતો કરાય ?

મિલ્ખાએ હિંદુ કન્યા નિર્મલ સાથે પ્રેમલગ્ન કર્યાં. પુત્ર ચિરંજીવ ગોલ્ફ-ખેલાડી છે. ભારતમાં ખેલકૂદ-ક્ષેત્રે વ્યવસ્થિત કાર્યના અભાવ વિશે તેમને ભારે અસંતોષ રહ્યો છે. ચંડીગઢ ખાતે ખેલકૂદ અકાદમી સ્થાપી સુવર્ણવિજેતા ભારતી રમતવીરો તૈયાર કરવાની તેમની મહેચ્છા તેઓ પૂરી કરી શક્યા નહિ.

2013માં ‘ભાગ, મિલ્ખા ભાગ’ એ નામની ફિલ્મ પણ મિલ્ખાસિંહના જીવન પર બની હતી.

બંસીધર શુકલ