મિલેરાઇટ (Millerite) : નિકલનું ખનિજ. તેને નિકલ પાયરાઇટ કે કેશમાક્ષિક (hair pyrite) પણ કહે છે. રાસા. બં. : NiS (Ni = 64.7, S = 35.3 %) સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ). સ્ફ. સ્વ. : મોટેભાગે તે અતિનાજુક, C- અક્ષની દિશામાં લંબાયેલા કેશમય સ્ફટિકો સ્વરૂપે મળે છે; રેસાદાર પણ મળે; વિકેન્દ્રિત સમૂહોમાં, ઓછાવત્તા ચોંટેલા આંતરગૂંથણીવાળા જથ્થાઓમાં ક્યારેક દળદાર કે વિભાજનશીલ પણ હોય. કેશમય હોય ત્યારે પ્રમાણમાં સ્થિતિસ્થાપક. અપારદર્શક. સંભેદ : ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : ધાત્વિક. રંગ : પિત્તળસમ પીળો, કાંસા જેવો પીળો, ખુલ્લું રહેતાં લીલો-રાખોડી બની રહે. ચૂર્ણરંગ : લીલાશ પડતો કાળો. કઠિનતા : 3થી 3.5. વિ. ઘ. : 5.41થી 5.42 (ગણતરી મુજબ), સામાન્ય રીતે તો 5.3થી 5.6. પ્રાપ્તિસ્થિતિ : ચૂનાખડક, ડૉલોમાઇટ, હેમેટાઇટ, સર્પેન્ટાઇન અને કાર્બોનેટ ખડકોમાં તે ધાતુખનિજ શિરાઓ સ્વરૂપે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ઇંગ્લૅન્ડ (કૉર્નવૉલ, વેલ્સ), ચેકોસ્લોવેકિયા, જર્મની. ભારતમાં નિકલનાં ખનિજો ખાસ મળતાં નથી. જમ્મુ-કાશ્મીરમાં નિકલયુક્ત પાયરાઇટના નાના જથ્થા જોવા મળેલા છે. રાજસ્થાનની ખેતરીની તાંબાની ખાણોમાં કોબાલ્ટ-નિકલ સલ્ફાઇડ અલ્પ પ્રમાણમાં મળે છે. બિહાર-ઓરિસામાં સિંગભૂમના તાંબા-ખાણ પટ્ટા સાથે પણ કોબાલ્ટ-નિકલ સલ્ફાઇડ થોડા પ્રમાણમાં છે.

ગિરીશભાઈ પંડ્યા