મિર્ઝા મઝહર જાને જાનાન

February, 2002

મિર્ઝા મઝહર જાને જાનાન (જ. 3 માર્ચ 1699; અ. 7 જાન્યુઆરી 1781) : આ નામે જાણીતા સંત પુરુષ અને ઉર્દૂના આગવી શૈલીના કવિ. તેમનું નામ જાને જાં અને ઉપનામ ‘મઝહર’ હતું. તેમના પિતા મિર્ઝા જાને જાની (અ. 1717) ઔરંગઝેબના સમયમાં મનસબદાર અને ફારસી કવિ હતા. મિર્ઝા મઝહર અઢારમી સદીના ઉત્તર ભારતની આગેવાન વ્યક્તિ હતા. તેમણે સૂફીવાદનો વિશાળ અર્થ તારવ્યો હતો. તેઓ પોતે ધર્મચુસ્ત હોવા છતાં બિનસાંપ્રદાયિકતાના ઉપાસક હતા. તેઓ મૂર્તિપૂજકોને પણ કાફિર ગણતા નહોતા. તેઓ એમ માનતા હતા કે હિન્દુઓની મૂર્તિપૂજા શિર્ક (ઇસ્લામવિરોધી) નથી. તેઓ બધા ધર્મોના લોકો સાથે નિખાલસ સંબંધો રાખતા હતા. તેઓ સૂફી, માનવતાવાદી, ઉચ્ચ કોટિના કવિ ઉપરાંત લોકપ્રિય વક્તા પણ હતા. તેમના અનુયાયીઓની સંખ્યા મોટી હતી. તેઓ તસવ્વુફ અને હદ્દીસના જ્ઞાની હતા તથા પયગંબર મહમ્મદસાહેબ(સ. અ. વ.)ની સુન્નતો અથવા જીવનચર્યાનું ચુસ્ત રીતે અનુશીલન કરતા હતા. તેમણે કવિતાના ક્ષેત્રમાં પણ મૌલિક પ્રદાન કર્યું છે. તેમના સમય સુધી ઉર્દૂ કવિતા કૃત્રિમ ધોરણે રચવામાં આવતી હતી. મિર્ઝા મઝહરે તેને નવો વળાંક આપીને હૃદયમાંથી સ્ફુરતા સહજ ભાવોને કવિતામાં સ્થાન આપી તેને મર્મસ્પર્શી બનાવી અને તેનાથી ઉર્દૂ કવિઓની નવી પેઢીને માર્ગદર્શન મળ્યું.

મિર્ઝા મઝહર જેવા સંસ્કારી માણસ પણ તેમના સમયના રાજકીય કાવાદાવાવાળા વાતાવરણથી અલિપ્ત રહી શક્યા નહિ અને શાહઆલમ બીજાના વજીર નજફખાન ઇસ્ફહાનીએ તેમને શહીદ કરાવી દીધા. દિલ્હીમાં તેમના મજાર ઉપર દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, જે એક સૂફી દરવેશ તરીકેની તેમની ખ્યાતિ દર્શાવે છે. મિર્ઝા મઝહરે યુવાનીમાં ફારસી અને ઉર્દૂ બંને ભાષાઓમાં પ્રણય-કાવ્યો લખ્યાં હતાં; પરંતુ સમય જતાં ધર્મ તરફ વલણ વધવાથી તેમણે કવિતારચનાની પ્રવૃત્તિ ઓછી કરી દીધી. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : (1) ‘દીવાને ફારસી’ : મિર્ઝા મઝહરે પોતાની ફારસી કલામ પહેલાં 1737માં અને બીજી વાર 1756માં સંપાદિત કરી હતી. (2) ‘ખરીતએ જવાહિર’ : મિર્ઝા મઝહરે યુવાનીમાં ફારસીના આશરે 500 ખ્યાતનામ કવિઓના દીવાનોમાંથી પોતાની પસંદગીની કાવ્યપંક્તિઓ ચૂંટીને તેનો સંગ્રહ તૈયાર કર્યો હતો. ભારતમાં ફારસી શાયરીની નવેસરથી રુચિ જન્માવવામાં આ દીવાને મહત્વનું પ્રદાન કર્યું છે. (3) મિર્ઝા મઝહરે પોતાના મિત્રો તથા અનુયાયીઓને ફારસી ભાષામાં લખેલા પત્રોના સંગ્રહ ‘મકામાતે મઝહરી’ અને ‘કલમાતે તય્યિબાત’ના નામથી પ્રગટ થયા છે. હાલમાં તેમના ઉર્દૂ અનુવાદ ‘મિર્ઝા મઝહર જાને જાનાન કે ખુતૂત’ નામે પ્રગટ થયા છે. (4) ‘ઉર્દૂ કલામ’ : આમાં જુદા જુદા તઝકિરાઓ(અર્થાત્, કવિઓની જીવનકથાઓ)માં વીખરાયેલી પડેલી ઉર્દૂ કવિતા સંપાદિત કરીને રજૂ કરવામાં આવી છે. આ ઉર્દૂ કવિતા દ્વારા મિર્ઝા મઝહરે ઉર્દૂ શાયરીને ઘણી પ્રભાવિત કરી છે; જેમ કે, તેમણે કાલ્પનિક વિચારોને બદલે વાસ્તવિક પ્રેમ-અનુભવો તથા લાગણીઓેને કવિતામાં દાખલ કર્યાં. તેમણે કાવ્ય-શૈલીમાં શિષ્ટતા તથા સ્વચ્છતા તેમજ મીઠાશ તથા પ્રેરકતાનો રંગ દાખવ્યો; તેમણે ફારસી કવિતાની ઉચ્ચ પરંપરાઓને દિલ્હીની સરળ ઉર્દૂ લોકબોલી સાથે સાંકળી લઈને ઉર્દૂ કવિતાને નવો ઓપ અને ધ્વનિ અર્પણ કર્યાં અને એ રીતે તેમણે નવી શૈલીનું પ્રસારણ કર્યું. તેમણે પોતાના શાગિર્દોને નવી શૈલી તરફ વાળ્યા અને નવા કવિઓને આ શૈલીમાં લખવા પ્રોત્સાહન આપ્યું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી