મિર્ઝા, મુહમ્મદઅલી સાઇબ ઇસ્ફહાની

February, 2002

મિર્ઝા, મુહમ્મદઅલી સાઇબ ઇસ્ફહાની (જ. તબરિઝ, ઈરાન; અ. 1670) : ફારસીના ગઝલકાર. તેમણે હિંદ અને ઈરાન બન્ને દેશોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેમનો ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા વેપારી હતા. સાઇબને શરૂઆતથી શાયરીનો શોખ હતો. તેમણે ફારસી કવિતા અને વેપાર બન્ને ક્ષેત્રોમાં કિસ્મત અજમાવ્યું હતું. ઇસ્ફહાનમાં તેમણે સ્થાનિક કવિઓ હકીમ રૂકના કાશી અને હકીમ શફાઈ પાસેથી શાયરીનું શિક્ષણ લીધું હતું. મુઘલ સમ્રાટ જહાંગીરના સમયમાં મિર્ઝા સાઇબ એક વેપારી તરીકે હિંદ આવ્યા હતા. જ્યારે શાહજહાંનો રાજ્યાભિષેક થયો ત્યારે સાઇબે એક મુક્તક મારફત શહેનશાહને મુબારકબાદી પહોંચાડી. તેમની આ કાવ્યરચના મુઘલ દરબારમાં તેમના પ્રવેશનું નિમિત્ત બની ગઈ. શાહજહાંએ તેમને ‘હઝારી મનસબ’ અને ‘મુસ્તઅદખાન’ના ખિતાબ અર્પણ કર્યા. જહાંગીરના એક ઈરાની વજીર ખ્વાજા અબુલ હસનના એક પુત્ર ઝફરખાન કાબુલના રાજ્યપાલ પોતે કવિ હોવા ઉપરાંત કવિઓના કદરદાન પણ હતા. તેમણે મિર્ઝા સાઇબને કવિતા અને રાજદરબાર બન્ને ક્ષેત્રોમાં આગળ વધવામાં ખૂબ પ્રોત્સાહન આપ્યું. ઝફરખાનનું ઉપનામ ‘અહસન’ હતું. તેઓ સાઇબને માર્ગદર્શન પણ આપતા હતા. સાઇબે તેમની સોબતમાં રહીને ઘણો લાભ મેળવ્યો અને બદલામાં પોતાના આશ્રયદાતાની પ્રશંસામાં અનેક કસીદા રચ્યા. સાઇબ હિંદમાં ઘણાં સ્થળોએ ફર્યા અને ખાસ કરીને બુરહાનપુર તથા કાશ્મીરમાં તેમણે લાંબો સમય કાઢ્યો. તેઓ હિંદના લોકો અને તેમની સભ્યતાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે પોતાનાં કાવ્યોમાં તેમના હિંદ-પ્રેમને યોગ્ય રીતે વ્યક્ત કર્યો છે. હિંદની બાબતમાં બીજી મહત્વની વાત એ છે કે અન્ય ઈરાની કવિઓની લાગણી વિરુદ્ધ મિર્ઝા સાઇબ હિંદના ફારસી કવિઓ તથા હિંદની ફારસી કવિતાને પણ પ્રશંસાની નજરે જોતા હતા. છેવટે તેમના પિતાના આગ્રહને વશ થઈ તેઓ કાયમ માટે હિંદ છોડીને પોતાને વતન પાછા ફર્યા તે પછી પણ તેમણે હિંદ સાથે તથા અહીંના સાહિત્યિક વર્તુળ સાથેના પોતાના સંપર્કો જાળવી રાખ્યા હતા. પોતાના હિંદનિવાસ દરમિયાન તેમણે ફારસી કવિતાની હિંદી શૈલીમાં નિપુણતા મેળવી લીધી હતી તેથી ઈરાનમાં પણ તેમને બહોળો આવકાર મળ્યો. ઈરાનના સફવી વંશના સમ્રાટ શાહ અબ્બાસ બીજાએ મિર્ઝા સાઇબની કવિતાની કદરદાની રૂપે તેમને રાજકવિ(‘મલિક-ઉશ-શો’)નું બિરુદ આપ્યું.

મિર્ઝા સાઇબના દીવાનમાં ગઝલ, કસીદા તથા અન્ય પ્રકારનાં કાવ્યો પણ જોવા મળે છે. તેઓ મુખ્યત્વે ગઝલ-લેખક હતા. તેઓ ગઝલોમાં નવીન વિચારો ખૂબીથી ગૂંથતા હતા. હિંદના ફારસી કવિઓ ફૈજી, ઉર્ફી તથા નઝીરીની જેમ સાઇબે પણ અગાઉના કવિઓના વિચારોનું અનુકરણ કરવાને બદલે તદ્દન નવીન વિષયો તથા વિચારોની હારમાળા સર્જવાના પ્રયોગો કર્યા. તેઓ હંમેશાં પોતાના દરેક કથન માટે કોઈ દલીલ કે ઉદાહરણરૂપ પુરાવો જરૂર રજૂ કરે છે. તેમની કવિતામાં માનવતાની મહેક ભરેલો બોધ પણ જોવા મળે છે. તેમના ઉચ્ચ વિચારોને લઈને તેમના સમકાલીનો તેમની પ્રશંસા કરતા હતા. આજે પણ હિંદ તથા ઈરાનના ફારસી જાણનારાઓ તેમની કવિતાનો સ્વાદ માણે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી