મિર્ઝા, ફરહતુલ્લા બેગ (જ. 1884, દિલ્હી; અ. 27 એપ્રિલ 1947, હૈદરાબાદ) : ઉર્દૂ ગદ્યકાર અને હાસ્યલેખક. તેમણે ‘મૌલવી નઝીર એહમદ કી કહાની, કુછ ઉનકી કુછ મેરી ઝુબાની’ નામનો લેખ 1927માં લખીને ઉર્દૂમાં ખાકા-નિગારી(રેખાચિત્રો)નો પ્રારંભ કર્યો હતો. તેમના વડવા મુઘલ સમ્રાટ શાહઆલમ બીજાના સમયમાં તુર્કસ્તાનથી આવીને દિલ્હીમાં વસ્યા હતા. મિર્ઝાએ દિલ્હી કૉલેજ નામની અંગ્રેજી શાળામાં શિક્ષણ લીધું હતું. આ જ શાળામાં તેમણે અરબીનું શિક્ષણ પણ મેળવ્યું હતું. તેઓ તાલીમ પૂરી કરીને નિઝામ–હૈદરાબાદ ગયા અને ત્યાં રાજ્યની સેવામાં જીવનપર્યંત રહ્યા હતા.
તેમણે જીવનપર્યંત સાહિત્યવિવેચન અને ટૂંકી વાર્તા ઉપરાંત સમાજ તથા નીતિશાસ્ત્ર જેવા વિવિધ વિષયો ઉપર લખ્યું છે. તેમના લેખો ‘મઝામીને ફરહત’ના નામે 7 ગ્રંથોમાં પ્રગટ થઈ ચૂક્યા છે. તેમની ખ્યાતિનો મૂળ આધાર તેમણે લખેલાં 3 રેખાચિત્રો છે. દિલ્હી કૉલેજમાં અભ્યાસ દરમિયાન તેમને અરબીના સારા શિક્ષકની જરૂરત ઊભી થઈ અને સંજોગોવશાત્ તેઓ મૌલવી નઝીર એહમદ જેવા વિદ્વાનના સંપર્કમાં આવ્યા. તેઓ રોજ તેમની પાસે જઈને શિક્ષણ લેતા હતા. આ દરમિયાન તેઓ મૌલવીસાહેબના ચારિત્ર્યથી બહુ પ્રભાવિત થયા. તેમને રોજ મળીને નજીકથી જોઈને મિર્ઝાએ પોતાના ગુરુ વિશે નોંધો લખી રાખી અને 1912માં તેમના અવસાન બાદ ‘મૌલવી નઝીર એહમદ કી કહાની’ નામનો સુંદર લેખ લખ્યો, જે ઉર્દૂ ગદ્ય-સાહિત્યમાં અવિસ્મરણીય બની ગયો.
ખાકા-નિગારીમાં પહેલી સફળતા મળ્યા પછી 1928માં તેમણે ‘દિલ્હી કા એક યાદગાર મુશાઇરા’ નામનો બીજો વિસ્તૃત લેખ લખ્યો, જેમાં અનેક કવિઓનાં રેખાચિત્રો આપ્યાં. તેમના પ્રથમ રેખાચિત્રની સફળતા જોઈને હૈદરાબાદમાં મૌલવી વહીદુદ્દીન સલીમ નામના એક વિદ્વાને પોતાના વિશે ખાકા–લેખ લખવાનો અનુરોધ કર્યો. આમ મિર્ઝાએ ‘એક વસિયત કી તામીલ મેં’ નામનું ત્રીજું રેખાચિત્ર લખ્યું.
મૌલવી નઝીર એહમદ ઉપરનો તેમનો લેખ ઉર્દૂમાં રેખાચિત્રાંકનનો શ્રેષ્ઠ નમૂનો છે. તેમાં મૌલવીસાહેબનો શારીરિક દેખાવ, તેમની ટેવો તથા તેમના ચારિત્ર્યના ગુણ-દોષ સંક્ષેપમાં છતાં કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમનું વર્ણન એવું સર્વગ્રાહી છે કે તેમના પાત્રની આબેહૂબ છબી ઊપસી આવે છે. ઉર્દૂ ગદ્યસાહિત્યની છેલ્લાં 75 વર્ષની વિકાસયાત્રામાં મિર્ઝાની આ કૃતિ દિલચસ્પ અને અજોડ રહી છે. મિર્ઝા ફરહતુલ્લા મુખ્યત્વે હાસ્યલેખક છે. તેઓ પોતાનાં પાત્રોનાં રેખાચિત્રો એવી સિફતથી કરે છે કે વાચક હસવા પ્રેરાય. દિલ્હીની ઉર્દૂ બોલી ઉપર તેમને પ્રેમભાવ હતો અને એ ભાષાની મીઠાશ તેમની બધી કૃતિઓમાં જોવા મળે છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી