મિર્ઝા અઝીમબેગ ચુઘતાઈ (જ. 1895, જોધપુર; અ. 1941) : ઉર્દૂના હાસ્યલેખક. તેમની નવલકથાઓ, નવલિકાઓ તથા ટૂંકી વાર્તાઓને ભારતીય ઉપખંડમાં સારો આવકાર મળ્યો હતો. તેમના પિતા કસીમબેગ ચુઘતાઈ આગ્રાના રહેવાસી તથા ઉત્તરપ્રદેશમાં વિવિધ સ્થળે જિલ્લા કલેક્ટરના હોદ્દા ઉપર રહી ચૂક્યા હતા. મિર્ઝા અઝીમબેગનાં બહેન અસ્મત ચુઘતાઈ તેમજ તેમની માતાના પિતા મુનશી ઉમરાવઅલી પણ નવલકથાકાર તરીકે ખ્યાત થયાં છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં અને ઇટાવાની શાળામાં પ્રાપ્ત કર્યું હતું. તેમના પિતાની નિવૃત્તિ પછી થોડો સમય આગ્રામાં રહીને તુરત જ આખું કુટુંબ અલીગઢમાં સ્થાયી થયું હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને તેમણે બી.એ. તથા એલએલ.બી.ની ડિગ્રીઓ મેળવી હતી.
જોધપુરમાં થોડો સમય વકીલ તરીકે કામગીરી કર્યા પછી જાવરાની દેશી રિયાસતમાં તેમની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ હતી. તેમનાં લગ્ન રામપુરના એક પઠાણ કુટુંબમાં થયાં હતાં.
મિર્ઝા અઝીમબેગે વિદ્યાર્થીકાળથી જ ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. તેમણે માત્ર 46 વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન આશરે 32 જેટલા વાર્તાસંગ્રહો તથા નવલકથાઓ વગેરે પ્રગટ કર્યાં હતાં. તેઓ મૃત્યુપર્યંત કાયમ બીમાર રહ્યા હતા. તેઓ શરીરે બહુ અશક્ત હતા. તેઓ પોતાનાં ભાઈબહેનોનાં કટાક્ષ તથા હાસ્યનો હંમેશાં ભોગ બનતા. આવી કફોડી પરિસ્થિતિના પ્રતિકાર રૂપે તેમણે લેખક તરીકેની કારકિર્દી અપનાવી હતી. તેઓ બીજાં બાળકો કે યુવાનોની સાથે કોઈ સ્વસ્થ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા ન હતા, તેથી તેમનામાં લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ હતી. આ માનસિક અવસ્થાના પ્રતિકાર રૂપે હાસ્ય તથા કટાક્ષનો સહારો લઈ તેઓ પ્રતિસ્પર્ધીઓને નિરુત્તર બનાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમને ઉર્દૂ સામયિક ‘સાકી’(દિલ્હી)ના સંપાદક દહેલવીનો શરૂઆતથી અંત સુધી ઉત્સાહપ્રેરક સાથ અને સંગાથ મળી શક્યો હતો અને શાહિદ દહેલવીએ જ તેમનો સાહિત્યકારોના વર્તુળમાં પરિચય કરાવ્યો હતો. તેમની નવલકથાઓમાં ‘ચમકી’, ‘શરીર બીવી’, ‘સવાના કી રૂહે’, ‘કમજોરી’ અને ‘વૅમ્પાયર’ તથા વાર્તાસંગ્રહોમાં ‘ખાનુમ’, ‘મલફૂઝાતે ટૉમી’ વગેરે નોંધપાત્ર છે. મિર્ઝા અઝીમબેગે હાસ્ય અને કટાક્ષ વડે સમાજના કેટલાક પ્રચલિત રિવાજો ઉપર આકરા પ્રહારો કર્યા છે. એક તરફ તેઓ પડદા-પ્રથાનો વિરોધ કરે છે તો બીજી તરફ યુવતીઓને અમર્યાદિત સ્વતંત્રતા અથવા સ્વચ્છંદતાનાં અનિચ્છનીય પરિણામોથી પણ વિદિત કરે છે. તેમણે વિધવાવિવાહનો પણ પક્ષ લીધો હતો. આ બધાં માટે તેમણે ધાર્મિક ગ્રંથોનો પણ આધાર લીધેલો. મિર્ઝા અઝીમબેગની ભાષા તથા શૈલી સરળ તથા આકર્ષક છે. તેઓ બોલચાલની ભાષાનો મહદ્અંશે ઉપયોગ કરે છે. તેમની કૃતિઓ વર્ણનની સાથે સાથે વાર્તાલાપો ઉપર આધારિત હોય છે. તેમણે પત્રો ઉપર આધારિત નવલિકા પણ લખી છે. જ્યારે ઉર્દૂ સાહિત્ય આધુનિક વલણોમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અઝીમબેગ ચુઘતાઈએ પરંપરાગત મૂલ્યોને આધુનિકતા સાથે જોડવાના પ્રશંસનીય પ્રયત્નો આદરીને ઉર્દૂ સાહિત્યજગતમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી