મિર્ઝા, અઝીઝ કોકા (જ. 1542; અ. 1624, અમદાવાદ) : ફારસીના વિદ્વાન અને હાકેમ અમીર-ઉમરાવ. તેઓ આતિકખાનના પુત્ર અને અકબરના પિતરાઈ ભાઈ હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા. અકબરે તેમને અનેક હોદ્દા અને ખિતાબોથી નવાજ્યા હતા. તેઓ ગુજરાત અને પંજાબમાં પણ હાકેમ તરીકે રહ્યા હતા. અકબરે પોતાના શાસનના વીસમા વર્ષ દરમિયાન ‘ઘોડાઓને નિશાન’ આપવાની બાબતમાં તેમની સાથે મતભેદ થતાં ગુસ્સે થઈને તેમને હોદ્દા પરથી બરતરફ કરી આગ્રામાં કેદ કર્યા હતા. અકબરના શાસનના બાવીસમા વર્ષે ફરીથી તેમને શાહી દરબારમાં સ્થાન મળ્યું અને પચીસમે વર્ષે તેઓ દક્ષિણના વિજયોના ભાગીદાર બન્યા. તેમની પુત્રીનાં લગ્ન શાહજાદા સુલતાન મુરાદ સાથે થયાં હતાં. અકબરી શાસનના ઓગણચાલીસમા વર્ષે ફરીથી અકબર સાથે તેમને મતભેદ થયો. અકબરની ધાર્મિક વિચારસરણીને તેઓ પસંદ કરતા ન હતા. અકબરની મરજી વિરુદ્ધ તેઓ લાંબી દાઢી રાખતા અને દરબારમાં જઈને બીજા દરબારીઓની માફક નમન પણ કરતા નહોતા.

જીવનનાં અંતિમ વર્ષોમાં મિર્ઝા કોકાએ બયતુલ્લાહની હજ પણ કરી હતી અને ત્યાં આગળ ઘણી મોટી ખેરાત કરી. પયગંબરસાહેબના રોજાની સાર-સંભાળ અંગેનો 50 વર્ષ સુધીનો ખર્ચ પોતે આપ્યો હતો. હજથી પાછા ફર્યા બાદ ફરીથી તેમને ‘શાહી મહોર’ના હવાલાથી સન્માનિત કરવામાં આવ્યા અને અકબરના શાસનના એકતાલીસમા વર્ષે તેમને મુલતાનના હાકેમ તરીકે નીમવામાં આવ્યા.

મિર્ઝા કોકાએ જહાંગીરના શાસનકાળ દરમિયાન પણ શાહી સેવા આપી. જોકે તે પોતાની કડવી વાણીને કારણે જહાંગીરને પણ પ્રિય બની શકેલ નહિ. જહાંગીરના શાસનના પાંચમા વર્ષે તેમને દક્ષિણ તરફ રવાના કરવામાં આવ્યા અને રાણા અમરસિંગ સામે તેમણે યુદ્ધ કર્યું. અઢારમા વર્ષે તેમને ગુજરાતની સૂબાગીરી સોંપવામાં આવી અને ઓગણીસમા વર્ષે 1624માં અમદાવાદમાં તેમનું અવસાન થયું.

મિર્ઝા કોકાની વિદ્વત્તા અને કાબેલિયતના લીધે સમકાલીનો પણ તેમનાથી પ્રભાવિત થયા હતા. તેઓ સદાચારી હતા અને વિવિધ પ્રકારનાં કૌશલ્યો ધરાવતા હતા. સતેજ બુદ્ધિપ્રતિભા અને વિદ્વત્તાની ર્દષ્ટિએ બીજો કોઈ અમીર-ઉમરાવ તેમની તોલે આવે તેમ ન હતું. ક્યારેક તેઓ કાવ્યરચનાઓ પણ કરતા, જેમાં રુબાઈઓનો પણ સમાવેશ છે. તેમને ઇતિહાસની પણ સારી જાણકારી હતી અને ખુશનવીસી(calligraphy)માં પણ નિપુણ હતા.

ઈસ્માઈલ કરેડિયા