મિથ ઑવ્ સિસિફસ, ધ : આલ્બેર કામૂલિખિત નિબંધ. ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ (1942; અં. ભા. 1955) નામના આ ટૂંકા પણ મહત્વના તાત્વિક નિબંધમાં કામૂએ ઍબ્સર્ડ તત્વ તથા માનવોની પરિસ્થિતિ અંગેની પોતાની વિભાવના સમજાવી છે. જે વિશ્વ સાથે માનવો વિષમતા અને મતભેદ અનુભવે છે તે વિશ્વમાં કશો અર્થ જ નથી તેમજ માનવ-પ્રવૃત્તિ સિસિફસની પથ્થર ગબડાવવા જેવી અનંત નિરર્થક પ્રવૃત્તિ છે. (ગ્રીક પુરાણકથા પ્રમાણે સિસિફસ ઇઓલસનો પુત્ર હતો અને તેનાં દુષ્કૃત્યો બદલ તેને નરકની સજા કરવામાં આવી હતી. ત્યાં તેને એક ટેકરીની ટોચ પર પથ્થર ગબડાવીને લઈ જવાનું કામ સોંપાયું હતું; આ ટોચ પરથી પથ્થર હંમેશાં નીચે ગબડી આવતો; આમ સિસિફસની કામગીરી અવિરત અનંતપણે ચાલ્યા કરતી હતી અને તે સાવ નિરર્થક પણ હતી.) પુનર્જન્મની માન્યતા તથા ભવ્ય અને ઉમદા હેતુઓ વિશેની માન્યતા એ સત્યની વિડંબના અને છલના છે. કામૂ માને છે કે વ્યક્તિઓ પોતાની પરિસ્થિતિઓ વિશે સભાન હોવી જોઈએ અને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેમણે તે પરિસ્થિતિઓ સામે સક્રિય રીતે બળવો કરવો જોઈએ. સિસિફસની દેખીતી રીતે ઍબ્સર્ડ – નિરર્થક લાગતી પ્રવૃત્તિ વીરોચિત લેખાય, કારણ કે તે મુક્ત રીતે અને કોઈ જાતના ભ્રમ વિના પોતાની સજા ભોગવતો રહે છે અને કર્તવ્ય બજાવતો રહે છે. કામૂની શૈલી અનલંકૃત અને કૃતકતાથી મુક્ત છે અને તેમની કલ્પનાપરક કૃતિઓ; દા.ત., ‘ધ સ્ટ્રેન્જર’(1942; અં. ભા. 1946)ની સાર્થકતા સમજવામાં સહાયરૂપ નીવડે છે.
મહેશ ચોકસી