મિથિલા : રાજા જનકના વિદેહ જનપદની રાજધાની. અધ્યાત્મજ્ઞાન માટે સુપ્રસિદ્ધ રાજા જનક વૈદેહી વિદેહ જનપદ પર રાજ્ય કરતા હતા. આ જનપદ લગભગ ઉત્તર બિહારમાંના હાલના તિરહુતના સ્થાનમાં આવેલું હતું. એનો ઉલ્લેખ વેદસંહિતાઓમાં ઉપલબ્ધ નથી, પરંતુ જાતક-કથાઓમાં તથા રામાયણ-મહાભારતમાં એના વારંવાર નિર્દેશ આવ્યા કરે છે. પ્રાચીન મિથિલા નગરીને હાલના જનકપુર તરીકે ઓળખવામાં આવે છે, જે મુઝફ્ફરપુર જિલ્લા અને દરભંગા જિલ્લાના મિલનસ્થાનની ઉત્તરે નેપાળની સીમાની અંદર આવેલું છે.
‘સુરુચિ જાતક’ તથા ‘ગન્ધાર જાતક’માં જણાવ્યા મુજબ, મિથિલા નગરી સાત લી(33.81 કિમી.)નો વિસ્તાર ધરાવતી હતી. એના ચાર દરવાજે ચાર બજાર-નગર હતાં. ‘મહાજનક જાતક’માં એનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આ નગરીનો પ્રકાર, એનાં પુરદ્વાર, એના બુરજ, એના રાજમાર્ગ, એ માર્ગોમાં વિહરતા આયુધધારી સૈનિકો તથા ચંદનની સુવાસથી મહેકતાં કાશીનાં વસ્ત્રોથી સોહતા વિપ્રો, એનાં ઉત્તુંગ હર્મ્યો અને એમાં વિરાજતી અમૂલ્ય વસ્ત્રો અને મુકુટો ધારણ કરતી રાણીઓનું તાર્દશ આલેખન કરાયું છે.
રામાયણમાં જણાવ્યા મુજબ મિથિલાના રાજકુલના સ્થાપક નિમિ નામે રાજા હતા. નિમિનો પુત્ર હતો મિથિ ને મિથિનો પુત્ર હતો જનક પહેલો. પછી એમાં આ વંશાવળી જનક બીજા અને એના ભાઈ કુશધ્વજ સુધીની આપવામાં આવી છે. આ જનક બીજો તે સીતાનો પિતા સીરધ્વજ હતો. ‘વાયુપુરાણ’ અને ‘વિષ્ણુપુરાણ’ જનક-વંશની વિસ્તૃત વંશાવળી આપે છે, જેમાં નિમિને મનુ-પુત્ર ઇક્ષ્વાકુનો પુત્ર જણાવ્યો છે.
પરમ જ્ઞાની જનક વૈદેહી પ્રાય: સીતાનો પિતા સીરધ્વજ જનક હતો, જે કેકયરાજ અશ્વપતિનો સમકાલીન હતો. ‘મહાવીર-ચરિત’માં કવિ ભવભૂતિ આ જનક રાજાને સ્પષ્ટત: મહાજ્ઞાની યાજ્ઞવલ્કય સાથે સાંકળે છે. મિથિલાના આ પરમ જ્ઞાની રાજા જનકની સભામાં કોસલ તથા કુરુપંચાલ દેશના વિદ્વાન બ્રાહ્મણો ઊમટતા હતા. એ સભામાં ઉદ્દાલક આરુણિના શિષ્ય યાજ્ઞવલ્કય વાજસનેય જેવા વિદ્વદ્વર્યના વાદ-વિવાદ યોજાતા હતા, જેનું નિરૂપણ ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં કરાયું છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી