મિત્ર (સૂર્ય)

February, 2002

મિત્ર (સૂર્ય) : ભારતીય વૈદિક દેવતા. ઋગ્વેદમાં સૂર્યદેવતા સાથે સંબંધ ધરાવનારા ‘મિત્ર’ દેવતાનું એક જ સૂક્ત (ઋગ્વેદ 3.59) છે. મિત્રદેવને પ્રકાશના એટલે દિવસના દેવ મહાન આદિત્યના રૂપે પણ જોવામાં આવે છે. ‘મિત્ર’ના સ્વરૂપલક્ષી વર્ણન કરતાં ત્યાં તેમના ગુણલક્ષી સ્વરૂપનું વર્ણન વિશેષ છે; દા. ત., ‘‘લોકોને બૂમ પાડીને તે ભેગાં કરે છે તથા અપલક આંખ વડે તે ખેતરને નીરખે છે. તે પુણ્યકામ કરવામાં કુશળ છે. લોકોને ઉદ્યમી બનાવે છે. આકાશ અને પૃથ્વીનું પોષણ કરે છે.’’ બધા દેવોનો તે આશ્રયદાતા છે. ‘મિત્ર’ અત્યન્ત બળવાળો વિશિષ્ટ દેવ છે અને ખાસ તો કર્મશીલ ઉદ્યમી માણસોને તે અનુગ્રહની ર્દષ્ટિથી જુએ છે. તે વૃષ્ટિ દ્વારા સૌ મનુષ્યોનો ધારક અને પાલક મનાયો છે. ‘મિત્ર’થી અભિન્ન મનાતા ‘આદિત્ય’ શબ્દનો પણ ત્યાં નિર્દેશ છે. આ જ આદિત્યનાં બાર નામોનો શતપથ બ્રાહ્મણમાં નિર્દેશ છે. મહાભારતમાં આદિપર્વના અધ્યાય 121માં એ બાર નામો આ રીતે બતાવ્યાં છે : (1) ધાતા, (2) અર્યમા, (3) મિત્ર, (4) વરુણ, (5) અંશ, (6) ભગ, (7) ઇન્દ્ર, (8) વિવસ્વાન્, (9) પૂષા, (10) ત્વષ્ટા, (11) સવિતા અને (12) વિષ્ણુ.

સૂર્ય કે આદિત્યનાં બાર નામોમાં ‘મિત્ર’ શબ્દ પણ આવે છે. તેથી એ મંતવ્ય ર્દઢ થયેલું છે કે સૂર્ય અને મિત્ર વસ્તુત: એક તત્વ છે, પણ કર્મ, કાલ અને પરિસ્થિતિ અનુસાર તેનાં વિવિધ નામો મળી આવે છે.

‘અવેસ્તા’માંનો ‘મિથ્ર’ નામનો દેવ આ ‘મિત્ર’ સાથે અભિન્નતા ધરાવે છે અને સમસ્ત માનવજાતિના તથા પ્રકૃતિ(નિસર્ગ)ની એક કલ્યાણકારી શક્તિના પ્રતીકરૂપ છે.

કાલાન્તરે આ મિત્રનું વ્યક્તિત્વ ‘વરુણ’ દેવની સાથે સંયોજિત કરવામાં આવ્યું. તેથી મિત્રનું વરુણદેવ સાથે જ આવાહન અને સ્તવન વધુ પ્રમાણમાં મળી આવે છે. ‘મિત્રાવરુણૌ’ શબ્દ આ સંદર્ભમાં સૂચક છે. મિત્ર ઑક્સિજન અને વરુણ હાઇડ્રોજન અર્થ સૂચવતા હોવાનું મનાય છે.

ભગવતીપ્રસાદ પંડ્યા